Thu Oct 08 2026

Logo

મોઢામાં વાસ આવવા પાછળનું બાયોમેડિકલ કારણ શું? ગંભીરતાથી નહીં લો તો મુશ્કેલી ઊભી થશે

2026-09-12 22:37:55
Author: Mumbai Samachar Team
મોઢામાં વાસ આવવા પાછળનું બાયોમેડિકલ કારણ શું? ગંભીરતાથી નહીં લો તો મુશ્કેલી ઊભી થશે

પ્રતીકાત્મક તસવીર


મુંબઈઃ  સવારે ઊઠ્યા પછી મોઢામાંથી દુર્ગંધ આવવી એક સામાન્ય સમસ્યા છે. ઘણીવાર લોકો તેને માત્ર દાંત સાફ ન કરવાની સમસ્યા માને છે, પરંતુ તેની પાછળ મોઢું સૂકાઈ જવું, જીભ પર બેક્ટેરિયા જમા થવા, ઓછું પાણી પીવું અને પેઢાં સાથે જોડાયેલી સમસ્યાઓ જેવા અનેક કારણો હોઈ શકે છે. સામાન્ય રીતે સવારે આવતી હળવી દુર્ગંધ બ્રશ કર્યા પછી ઓછી થઈ જાય છે, પરંતુ જો તે સતત રહેતી હોય તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. રાત્રે મોઢું સૂકાઈ જવું એ સામાન્ય નથી. સૂતી વખતે શરીરમાં લાળનું ઉત્પાદન સામાન્ય રીતે ઘટી જાય છે. લાળ મોઢાને ભેજવાળું રાખવાની સાથે બેક્ટેરિયા અને ખોરાકના નાના કણોને દૂર કરવામાં પણ મદદ કરે છે. 

અનુકૂળ વાતાવરણ મળે છે
રાત્રે લાળ ઓછી થતાં મોઢામાં દુર્ગંધ પેદા કરનારા બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળી શકે છે. જો કોઈ વ્યક્તિ મોઢું ખોલીને સૂવે અથવા રાત્રે મોઢાથી શ્વાસ લેતો હોય તો મોઢું વધુ સૂકાઈ શકે છે અને સવારે દુર્ગંધ વધુ અનુભવાઈ શકે છે.  ઘણા લોકો સવારે માત્ર દાંત બ્રશ કરે છે અને જીભ સાફ કરવાનું ભૂલી જાય છે, પરંતુ જીભની સપાટી પર ખોરાકના સૂક્ષ્મ કણો અને બેક્ટેરિયાની પરત જમા થઈ શકે છે. આ પરતમાંથી દુર્ગંધ પેદા કરતા તત્ત્વો બની શકે છે. એટલે દાંતની સાથે દરરોજ જીભને પણ હળવેથી સાફ કરવી જરૂરી છે. દરરોજ જીભની સફાઈ કરવાની સલાહ તબીબો આપે છે.શરીરમાં પાણીની ઉણપ પણ કારણ બની શકે છે.

પૂરતું પાણી ન પીવાથી પણ થાય
દિવસભર પૂરતું પાણી ન પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે અને મોઢું સૂકાઈ શકે છે. મોઢામાં ભેજ ઓછો થતાં દુર્ગંધ સાથે જોડાયેલા બેક્ટેરિયાની અસર વધી શકે છે. આથી દિવસ દરમિયાન નિયમિત રીતે પાણી પીવાની ટેવ રાખવી મહત્વપૂર્ણ છે. જો મોઢું વારંવાર સૂકાતું હોય તો તેનું કારણ માત્ર પાણીની ઉણપ જ નહીં, પરંતુ કેટલીક દવાઓ અથવા અન્ય તબીબી સ્થિતિ પણ હોઈ શકે છે. 


પેઢાંની સમસ્યાને અવગણશો નહીં કારણ કે, પેઢા સૌથી વધારે બેક્ટેરિયાનો સામનો કરે છે.  જો બ્રશ અને જીભ સાફ કર્યા પછી પણ મોઢામાંથી સતત દુર્ગંધ આવતી હોય તો પેઢાંની સમસ્યા તેનું કારણ હોઈ શકે છે. પેઢાંમાં સોજો, લાલાશ, બ્રશ કરતી વખતે લોહી આવવું અથવા દાંત પર પ્લાકની પરત જમા થવી જેવી સમસ્યાઓમાં પણ દુર્ગંધ આવી શકે છે. ડુંગળી, લસણ અને તીવ્ર ગંધ ધરાવતી કેટલીક ખાદ્ય વસ્તુઓ ખાધા પછી થોડા સમય માટે શ્વાસમાં ગંધ આવી શકે છે. આ સામાન્ય રીતે અસ્થાયી હોય છે અને સમય જતાં ઓછી થઈ જાય છે.

સ્મોકિંગ વાસ વધારે છે
ધૂમ્રપાન પણ મોઢાની દુર્ગંધ વધારી શકે છે. તે મોઢું સૂકવવામાં પણ ફાળો આપી શકે છે. મોઢામાં રહેલા બેક્ટેરિયા ખોરાકના કણો, પ્લાક અને અન્ય પદાર્થોને તોડે છે. આ પ્રક્રિયામાં કેટલાક દુર્ગંધવાળા રસાયણો બને છે, જેને  Volatile Sulfur Compounds (VSCs) કહેવામાં આવે છે. આ સંયોજનો મોઢાની દુર્ગંધના મુખ્ય કારણોમાંના એક છે.  આથી માત્ર સુગંધવાળું માઉથવોશ વાપરીને દુર્ગંધ છુપાવવાને બદલે તેના મૂળ કારણ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.

મોઢાની સફાઈ માટે કેટલીક સરળ આદતો અપનાવી શકાય છે

* દિવસમાં ઓછામાં ઓછા બે વખત લગભગ 2 મિનિટ સુધી દાંત બ્રશ કરો.
* ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટનો ઉપયોગ કરો.
* દરરોજ જીભને હળવેથી સાફ કરો.
* દાંતની વચ્ચે ફસાયેલા ખોરાક માટે ફ્લોસ અથવા ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કરો.
* દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો.
* ધૂમ્રપાનથી દૂર રહો.
* નિયમિત ડેન્ટલ ચેકઅપ કરાવતા રહો.