Wed Oct 14 2026

Logo

વિશેષઃ વરસાદમાં હર્બલ પીણાં... સ્વાદની સાથે તંદુરસ્તી પણ

2026-09-17 09:00:38
Author: Rekha Deshraj
વિશેષઃ વરસાદમાં હર્બલ પીણાં... સ્વાદની સાથે તંદુરસ્તી પણ

રેખા દેશરાજ

એમાં કોઈ બેમત નથી કે બારીની બહાર રિમઝિમ વરસાદ થઈ રહ્યો હોય અને આપણા હાથમાં ચાનો કપ હોય તો મોસમની મજા બેગણી વધી જાય છે, પણ વરસાદની સિઝનમાં હંમેશાં દૂધવાળી ચા કે કૉફી જ કેમ? આ મોસમમાં એક નવો રસપ્રદ વિકલ્પ તમારી રસોઈમાં જગ્યા બનાવી શકે છે. જી હા, અને એ છે હર્બલ આઇસ ટી અને ઇન્ફ્યૂઝ્ડ વૉટર. 

તાજી જડીબુટ્ટીઓ, ફળો, મસાલાઓ અને પાણીથી તૈયાર કરવામાં આવેલા આ પીણાં સ્વાદમાં હલકાં, દેખાવમાં આકર્ષક અને રોજના હાઇડ્રેશનને મજેદાર અને સારું બનાવવા માટેનો ખૂબ જ શાનદાર વિકલ્પ છે. ખાસ વાત એ છે કે એને બનાવવા માટે કોઈ મોંઘી સામગ્રીની જરૂર નથી પડતી. ઘરમાં ઉપલબ્ધ તુલસી, ફુદીના, લિંબુ, કાકડી, આદું કે કેટલાંક મોસમી ફળોથી ઘણા પ્રકારના ફ્લેવર તૈયાર કરી શકાય છે.

ઇન્ફ્યુઝ્ડ વૉટર શું છે?

ઇન્ફ્યુઝ્ડ વૉટરનો મતલબ પાણીમાં ફળ, શાકભાજી, જડીબુટ્ટી કે મસાલાની થોડી થોડી માત્રા નાખીને થોડા સમય માટે છોડી દેવું જેથી તેનો સ્વાદ અને સુગંધ પાણીમાં આવી જાય. એમાં ફળનો રસ ભેળવવાની જરૂર નથી. કાકડી-ફુદીનો, લિંબુ-તુલસી, સફરજન-તજ અને સંતરા-ફુદીના જેવાં સંયોજન ઘર પર સહેલાઈથી બનાવી શકાય છે. ખાસ કરીને આ એવા લોકો માટે વધારે ઉપયોગી થઈ શકે છે જે સાદું પાણી પીવાનું પસંદ નથી કરતાં અથવા તો અનાકાની કરે છે. 

તાજગી આપે ફુદીનો અને કાકડી

ફુદીનાનાં થોડાં પાન અને કાકડીના કેટલાક પાતળા ટુકડા એક કાચની બૉટલમાં કે જગમાં ભરીને રાખો. આ સંયોજન ખાસ કરીને ગરમીના દિવસોમાં સૌથી શાનદાર અનુભવ આપે છે. એમાં શક્કર નાખવાની જરૂર હોતી નથી, પરંતુ જેને હલકી મીઠાશ પસંદ હોય તો તે કોઈ મીઠા ફળનો ઉપયોગ કરી શકે છે. આ પાણી સ્વાદિષ્ટ અને શરીર માટે સૌથી શાનદાર છે.

હર્બલ આઇસ ટી

આપણે જ્યારે પણ હર્બલ ટી કહીએ છીએ ત્યારે મોટે ભાગે આપણી સામે બ્લૅક ટી કે લૅમન ટીની તસવીરેો આવી જાય છે, પરંતુ હર્બલ ટી માત્ર એટલા પૂરતી જ સીમિત હોતી નથી. હર્બલ ટી હર્બલ આઇસ ટીના રૂપમાં પણ ખૂબ ગુણકારી છે. તુલસી, ફુદીના, લેમન અને આદુંથી તૈયાર કરવામાં આવેલી આ હલકી હર્બલ ટી ઠંડી કરીને પણ પી શકાય છે. એના માટે કેટલાંક પાન અને જડીબુટ્ટીને ગરમ પાણીમાં થોડા સમય માટે ડુબાવીને રાખો. 

આ પાણીને ગાળીને ઠંડું કરી લો. જો પસંદ હોય તો એમાં બરફ નાખીને પીવો. બરફ નાખ્યા વગર પણ એને ફ્રીજમાં રાખીને ઠંડું કરીને પી શકાય છે. હા, એમાં શક્કરને બદલે સ્વાદનુસાર મધનો ઉપયોગ કરવો, પરંતુ વધારે મીઠું ન બનાવવું. નહીં તેો એ હેલ્ધી ડ્રિન્કને બદલે સ્વીટ ડ્રિન્ક બની જશે. 

આદું અને લેમન ગ્રાસનું મિશ્રણ

આદું અને લેમન ગ્રાસનું સંયોજન વરસાદની સિઝનમાં ખૂબ જ આકર્ષક હોય છે. બન્નેને ગરમ પાણીમાં ઉકાળીને ગાળી લો અને ઠંડું થયા બાદ એમાં થોડું લિંબુ ભેળવી દો. ખાસ ધ્યાન રાખો કે આમાં આદુંની માત્રા ઓછી હોવી જોઈએ. જો આદુંની માત્રા વધારે હશે તો એ પીણું વધારે તીખું થઈ જશે. એવી જ રીતે ફળ પણ ફ્લેવરનો નવો પાર્ટનર બની શકે છે. સ્ટ્રોબેરી, સફરજન, સંતરા, દાડમ અને અન્ય બીજાં ફળો ઇન્ફ્યુઝ્ડ વૉટરનો રંગ અને સ્વાદ બન્ને બદલી દે છે. જોકે ફળ નાખવાનો મતલબ એ નથી કે પાણીમાં ફળનાં જરૂરી તત્ત્વો મળી જશે. એટલે એને ફળ ખાવાના વિકલ્પ તરીકે ન લેવું, પરંતુ ફળોના સ્વાદવાળા પાણીના રૂપમાં ઉપયોગ કરવો.

સામાન્ય રીતે સોશ્યલ મીડિયામાં ઇન્ફ્યુઝ્ડ વૉટરને ડિટૉક્સ વૉટરના રૂપમાં પ્રચાર કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને આપણાં લિવર અને કિડની શરીરને ડિટૉક્સ કરવાનું કામ કરે છે એ ધ્યાન રાખો. એટલે આવાં પીણાંને ચમત્કારિક ડિટૉક્સ ઉપચારના રૂપમાં ન જોવું, પરંતુ એને સ્વાદિસ્ટ પાણીના રૂપમાં જ જોવું જે આપણને આકર્ષક બનાવી શકે છે. જો એને શક્કર નાખ્યા વિના પ્રાકૃતિક રૂપમાં જ લેવામાં આવે તો એ આપણા રોજિંદા જીવનમાં સારો વિકલ્પ બની શકે છે.