રાજકોટઃ રાજકોટ શહેરના આંબેડકરનગર મવડી સ્લમ વિસ્તારમાં રહેતા ખાનગી શાળાના એક શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે. આ શિક્ષકનું નામ મિતેશ તેરૈયા હોવાનું જાણવા મળ્યું છે. પોતાના શરીરે કેરોસીન છાંટીને તેણે પોતાની જાતને આગચંપી કરી દીધી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, યુવાન સળગતી સ્થિતિમાં પોતાના રૂમમાંથી બાહર નીકળી રહ્યો છે.
બે વર્ષમાં તૂટી ગયા લગ્ન
આવી સ્થિતિમાં યુવાન બાહર આવતા આસપાસના લોકો ડરી ગયા હતા. પાડોશીઓએ એના પર ગાદલા,ગોદળા કે ચાદર નાખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ યુવાન બચી શક્યો નહીં. યુવાનના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા પણ પછી લગ્ન બે વર્ષમાં જ તૂટી ગયા હતા. એકલતા કોરી ખાતા તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો અને આત્મહત્યા કરવાનું પગલું લીધું હતું. એવું મૃતકના પરિવારજનોનું કહેવું છે. આ સમગ્ર કેસ અંગે માલવીયાનગર પોલીસ સ્ટેશનના PSI સી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, એના બનેવીના કહેવા અનુસાર તે છેલ્લા 15 દિવસથી ખૂબ જ ગુમસુમ રહેતો હતો. આ કારણે તેણે આત્મહત્યાનું પગલું લઈ લીધુ હતુ. 34 વર્ષના મિતેશના લગ્ન થઈ ગયા હતા, પરંતુ 5 વર્ષ પહેલાં તેના છૂટાછેડા થઈ ગયા હતા. પણ પાંચેક વર્ષથી તે કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતા બહેન-બનેવી સાથે રહેતો હતો.
પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો
18મી ઑક્ટોબરના રોજ તે પોતાના આંબેડકરનગરમાં આવેલા ઘરમાં આવ્યો હતો પછી પોતાના પર કેરોસીન છાંટીને પોતાની જાતને સળગાવી દીધી હતી. આસપાસમાં રહેતા પાડોશીઓએ એને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો પણ તેને બચાવી શકાયો નહીં. શરીર વધારે પડતું સળગી જવાને કારણે એનું મૃત્યું ઘટના સ્થળે થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ માલવીયાનગર પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 108 મારફતે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ શરૂ કરી છે. આત્મહત્યા કરવા પાછળનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે. આસપાસના લોકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી.