ટાઇટલ્સ:
પ્રેમની લડાઇમાં હારનાર જ જીતે (છેલવાણી)
`હું દુનિયાનો સૌથી ખતરનાક માણસ હતો, પણ હું પોતે જ પોતાને હરાવી રહ્યો હતો. સૌથી મોટી
લડાઈ બહારની નહીં, અંદરની હોય છે.'
`જ્યારે બધું હતું ત્યારે હું ખાલી હતો ને જ્યારે કંઈ નહોતું ત્યારે સમજાયું કે સાચી સંપત્તિ, સંપત્તિ
નહીં આપણાં પોતિકા માણસો હોય છે.'
એકવાર એક પત્રકારે એ ચેમ્પિયનને મજાકમાં પૂછ્યું, `બોક્સિંગ રિગમાં તો તમે બધાને પછાડી દીધા, પણ જિંદગીમાં તમને કોણ હરાવી શક્યું છે?'
`જિંદગીમાં? જિંદગીએ ખુદ!...ને પછી મારી પત્નીએ મને જિંદગી સામે ફરીથી ઊભો કર્યો.'
થોડીવાર પછી એણે કહ્યું, `મારી પત્નીએ મને ફરીથી `માણસ' બનાવ્યો.'
આ શબ્દો વર્લ્ડ ચેમ્પિયન બોક્સર `માઈક ટાઈસન'ના છે. શું છે કે બોક્સિંગની રિગ ચાર દોરડામાં બંધાયેલી હોય છે, પણ જિંદગીનું મેદાન ખૂબ વિશાળ ને વિચિત્ર છે. બોક્સિંગ રિગમાં માણસ મુક્કાથી લડે છે, પણ જીવનમાં એ લડે છે પોતાના ભૂતકાળ, ગુસ્સા ને એકાંત સામે. જે માણસ ક્યારેક સૌથી તાકતવર હતો. એ જ માણસ ધીમે ધીમે પોતાની અંદર ને અંદર ફસાતો ગયો. પ્રતિષ્ઠા, પૈસા ને પ્રેમ બધું જ હતું, છતાં ભીતર એવો ખાલીપો હતો, જે હજારો તાળીઓની સામે પણ બેમતલબ હતો.
2000માં બોક્સિંગ મેચ જોવા સ્ટેડિયમમાં એક શાંત યુવતી લકીખા ઉર્ફ કિકી સ્પાઈસર, ટાઇસનને જોવા આવેલી. ચુસ્ત મુસ્લિમ પરિવારમાં ઉછરેલી ને સાદગીમાં જીવતી છોકરી. પિતા મૌલવી હતા ને બોક્સિંગ દુનિયાના મોટા પ્રમોટર અને ખેલાડીઓના કિગમેકર એવા ડોન કિગને ઓળખતા હતા. એ જ ડોન કિગે ટાઈસનને કહ્યું, `કીકીથી દૂર રહેજે. એ તને તબાહ કરી નાખશે.'
ટાઈસને કીકીથી દૂર રહેવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કીકીના ખેંચાણમાં અજબ આગ હતી.
કિકીએ પણ કહેલું, `પ્રેમનું આકર્ષણ તો જાણે દીવામાં પડતા પતંગિયું જેવું હતું. મને ખબર હતી કે ત્યાં આગ છે, છતાં હું દૂર રહી શકી નહીં.'
વેલ, કોઈ પરીકથા નહોતી; અહીં તો બે માણસ પોતાની- પોતાની અંધારી ગલી સાથે હતા. આ દોરમાં ટાઈસનનું પતન તો પહેલેથી શરૂ થઈ ગયેલું. ટાયસનના ગુરુ કુસ ડી'અમાટોના અવસાન પછી એની જિંદગીમાંથી શિસ્ત ને પ્રોફેશનાલિઝમ ગાયબ થઇ ગયેલા. 1992માં ટાયસન પર બળાત્કારનો આરોપ લાગ્યો ને જેલમાં ગયો. એક જમાનાનો લોખંડી ચેમ્પિયન હવે લોખંડના સળિયાં પાછળ હતો. જીતેલા મેડલ્સ પાછા લેવાયા, જનતામાં પ્રતિષ્ઠા ચકનાચૂર થઈ. જેલ પછી ટાયસને બોક્સિંગ રિગમાં પાછા આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ એના માંહ્યલાના તોફાનમાં કોઇ જ દિશા દેખાતી નહોતી. પછી 1997માં હોલીફિલ્ડ સામેના મુકાબલામાં ગુસ્સામાં ટાયસને એનો કાન કરડી ખાધો ને પછી એના પર કાયમી પ્રતિબંધો લદાયા.
2003માં ટાયસને દેવાળું જાહેર કર્યું!
આ બધા વચ્ચે વર્ષો સુધી કિકી સાથેના ટાયસનના સંબંધોમાં આવનજાવન ચાલતું રહ્યું. ક્યારેક નજીક, ક્યારેક દૂર; ક્યારેક ગુસ્સો, ક્યારેક ખાલીપો ને પણ તોય બેઉની લાગણીની નાડ એવી હતી જે વારંવાર કાપવા છતાંયે તૂટતી છૂટતી નહોતી. કિકીના જીવનમાંયે ઊથલપાથલ હતી. પિતાના ધંધાને લઈને અંગેના કેસમાં કીકીને જેલની સજા થઈ, પણ જેલમાં જતાં પહેલાં જ એને ખબર પડી કે તે ટાઈસનના બાળકથી ગર્ભવતી છે! તોય કીકીએ સજા ભોગવી. બહાર આવી ત્યારે ક્રિસમસના દિવસે દીકરી મિલાનનો જન્મ થયો ને એમ લાગ્યું કે શું કદાચ જિંદગી હવે બદલાશે, પણ પછી ટાયસનની જિંદગીએ ફરી એક કારમો ઘા કર્યો.
ઇન્ટરવલ:
તેરા હાથ હાથ મેં આ ગયા
કિ ચિરાગ રાહ મેં જલ ઉઠે
(મજહ)
ટાયસનની પહેલા લગ્નથી જન્મેલી નાની દીકરીનું અકસ્માતમાં મૃત્યુ થયું! હવે ટાયસન અંદરથી સાવ તૂટી ગયો. એ અવસ્થા વિશે એણે કહેલું, `ત્યારે મને લાગ્યું કે હું પણ મરી ગયો છું; ફક્ત શરીર ચાલતું હતું.' એ દિવસોમાં એ કોઈ કરતાં કોઇની સાથે બોલી કે હસી શકતો નહોતો. મૌનની ભૂલભૂલામણીમાં ખોવાઇ ગયો. પછી એ જ દુ:ખના ઝંઝાવાતમાં, ટાયસને આખરે કિકીનો હાથ ઝાલ્યો ને સાવ સાદાઇથી લગ્ન કરી લીધા. ત્યાં કોઈ મહેમાનો કે મીડિયાનો શોરશરાબો નહોતો, કોઈ દેખાડો નહોતો. ફક્ત બે તૂટેલી વ્યક્તિ, જે એકમેકની હાજરીમાં માત્ર શાંત જીવન ઝંખતા હતા. એ લગ્નમાં આનંદ કે ઉમંગનો જયઘોષ નહોતો પણ એકમેકને કદી ન છોડવાની મૂંગી ખાતરી હતી.
હવે અહીંથી જ ટાયસનની અસલી લડાઈ શરૂ થઈ. નશો, નબળાઈ ને આત્મઘાતક આદત સામેની લડાઈ! કિકી, એ લડાઈમાં એની પડખે ઊભી રહી. એણે ટાયસનને દિશા આપી, વિખરાયેલ જીવતરને ફરી ગોઠવ્યું ને ટાયસનને તૂટતા રોકવાની જીદ પકડી રાખી. સમય વિતતાં ટાયસન બદલાતો ગયો. એનો ગુસ્સો, એની ગમગીની ધીમે ધીમે ઓસરતી ગઇ. સમાજમાં એની જાહેર હાજરી વધતી ગઈ. પરિવાર તેનો આધાર બન્યો ને જિંદગી ફરી પાટે ચઢી. ચીંથરેહાલ ચેમ્પિયનને કિકીની ચાહતે ઉગારી લીધો.
આવી `ફિનિક્સ પંખી' જેવી રાખમાંથી ફરી જન્મવાની કથા, માત્ર ટાયસનની જ નથી. બોક્સિંગમાં દંતકથા સમાન ચેમ્પિયન મોહમ્મદ અલીના જીવનમાં પણ આવું જ થયેલું જ્યારે બોક્સિંગ રિગમાં ફેન્સનો શોર દૂર થઈ ગયેલો ને શરીર થાકી ગયું. પાર્કિન્સનના રોગ પછી તેની પત્ની લોની અલીએ સાથ આપ્યો. દુનિયાએ અલીને ચેમ્પિયન તરીકે જોયો, પણ લોનીએ તેને ભાંગેલા-તૂટેલા માણસ તરીકે સંભાળ્યો. પ્રેમથી ગદગદ અલીએ કહેલું, `હું દુનિયાને હરાવી શક્યો, પણ લોની વગર જીવવામાં હારી જાત.'
કેટલીક લડાઈઓ બોક્સિંગ રિગમાં મુક્કાબાજીથી નથી જીતાતી. મહોબ્બતથી એ લડાઈઓ ભાંગેલ માણસને ધીમે ધીમે ફરીથી `માણસ' બનાવે છે.
એન્ડ ટાઇટલ્સ
આદમ: તું સાથ આપીશને?
ઇવ: હજી કેટલો?