- સંજય છેલ
ટાઇટલ્સ:
સ્વાદ પર વિવાદ ના હોય. (છેલવાણી)
જ્યારે જ્યારે બિનગુજરાતીઓ અમને મળે છે ત્યારે એક વાત હંમેશ પૂછે જ કે-તમે ગુજ્જુઓ ખરેખર મીઠી દાળ ખાઓ? ત્યારે એ બીચારાઓને શું કહેવું? પ્રેમની અનુભૂતિ શબ્દોમાં ઢાળવી અઘરી છે એમ ‘ગુજરાતી દાળ’ વિશે કહેવું પણ ખૂબ અઘરું છે. એમાંય ગુજરાતી દાળમાં જે ગળચટ્ટો સ્વાદ હોય છે, એનાં ગળપણ-તીખાશ-ખટાશના પ્રમાણનું પૃથક્કરણ કરી શકે એવી કોઈ લેબોરેટરી બ્રહ્માંડમાં સર્જાઇ નથી! લોકો ભલે ‘મીઠી દાળ’ની મજાક ઉડાવે પણ ‘ગુજરાતી દાળ’ - આપણી અસ્મિતા છે.
જેમ ઘણા લોકો ચોખાના દાણા પર આખે આખા શ્ર્લોક કઇ રીતે લખતા હોય છે?- એ સમજાતું નથી એમ બિન-ગુજ્જુઓને આપણી ગળચટ્ટી દાળ સમજાતી નથી ને પાછા પૂછે કે- ગુજરાતી દાળ, દાળ છે કે સ્વિટ ડિશ? બીજાઓને છોડો, આપણી ગુર્જરી ગૃહિણીઓ પણ આજ સુધી જાણી શકી નથી કે રસોઈયાની દાળના ઉત્તમ સ્વાદ પાછળ શું રહસ્ય છે? ગૃહિણીઓને કોઇ ‘સૌતન’ની જેમ રસોઈયાઓની ઈર્ષા આવે કે એમના પતિઓ પણ એમની જ દાળના વખાણ કેમ કરે છે?
‘દાળ’નું પાછું ‘ગાળ’ જેવું છે. ગાળ મીઠાશથી પણ આપી શકાય ને ગુસ્સામાં પણ આપી દેવાય. દાળની મીઠાશ કે તીખાશની તરત ખબર ના પડે. ગુજરાતી દાળ જીભ પરથી ગળાથી નીચે ઊતરે ત્યાં સુધીમાં એનો મિજાજ બદલાઈ જતો હોય છે. કવિ ‘મરીઝ’નો પોતાના અને શરાબ વિશેનો શેર છે કે, ‘ચાખો તો કટું છું ને પીઓ તો મધુર છું. એવું જ ગુજરાતી દાળનું છે: ચાખો તો ગળચટ્ટી ને પીઓ તો તીખી!’
ગુજરાતી જમણ દાળભાત વિના અધૂરું છે. જેમ અગાઉ મસાલા ફિલ્મોનો અંત, ફાઈટ વિના અધૂરો લાગતો, તેમ દાળ-ભાત વિના ગુજરાતી ખાવાનું અધૂરું લાગે. વળી લગ્નના જમણવારમાં આપણે શું ટેસડાથી દાળ-ભાત ખાતા હોઇએ છીએ. ત્યારે કવ્વાલીની મહેફિલમાં જેમ કવ્વાલો હમેં તો લૂંટ લિયા ઈન્હી ઈશ્કવાલોંને ગાતા ગાતા નેપકીનથી પરસેવો લૂછતા હોય છે એમ ગુજરાતીઓ જમણવારમાં પરસેવો લૂછતાં-લૂછતાં ગરમાગરમ દાળ- ભાત ખાતા હોય છે. અમારા એક મિત્રએ કહ્યું :
‘મારા ઘરે રોજ સવારે દાળ-ભાત નથી બનતા’ ત્યારે થયું કે જીવનના કેવા અપાર સુખથી એ બીચારો વંચિત છે. ગુજરાત દ્વેષીઓ, ભલે આપણને ‘દાળ-ભાત ખાઉ’ કહે. અમે કહીશું: હે પ્રભુ, એમને માફ કરજો તેઓ જાણતા નથી કે દાળ-ભાત વિના જીવનમાં શું ગુમાવે છે!
ઈન્ટરવલ:
કુછ સમઝો ઔર સમઝાઓ, થોડે મેં મૌજ મનાઓ,
દાલ-રોટી ખાઓ, પ્રભુ કે ગુણ ગાઓ. (આનંદ બક્ષી)
સંગીતકાર જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલમાં, સ્વ. લક્ષ્મીકાંત વધારે ટેલેન્ટેડ હતા એમ મનાય છે એમ દાળ-ભાતમાંયે ‘દાળ’નું વધારે મહત્ત્વ છે, માટે જ આપણે ‘ભાતદાળ’ નથી બોલતા. જેમ શેરબજારમાં અચાનક ‘ધબડકા’નો જે રોમાંચ છે, એમ દાળ-ભાતમાં ‘સબડકા’ની મજા છે.
પ્રેમમાં દિલની ‘ધડકન’ વધી જાય છે, એમ ‘સબડકા’માં લેવામાં ‘સબડકન’ વધી જાય છે. (પ્લીઝ, નોંધી લો કે ‘સબડકન’ નામનો નવો શબ્દ, અમે ગુજરાતી ભાષાને આપ્યો છે!) વળી, જગતમાં સોના-ચાંદીની કોઈ ચમચી શોધાઈ નથી કે જે હાથથી મિક્સ કરેલા દાળ-ભાતના સબડકાનો આનંદ આપી શકે. ઈનશોર્ટ, રાહુ-કેતૂ કે જય-વીરુની જેમ દાળ-ભાતને અલગ ન જ પાડી શકાય. જે દિવસે કોઈ વૈજ્ઞાનિક ગુજરાતી દાળ-ભાતનું લેબોરેટરીમાં પૃથક્કરણ કરશે ત્યારે ગુજરાતી પ્રજાના ઉગઅના મૂળીયાઓ પણ મળી આવશે!
અગાઉ સમૂહ જ્ઞાતિભોજન થતું ત્યારે માટીના વાટકામાં દાળ પીરસાતી. જો દાળ પીવામાં મોડું કરી નાખો તો દાળમાંનું પાણી શોષાઇને દાળ પછી કેક બની જતી! પછી દાળના ચોસલાં પાડીને ખાવા પડતાં. હવે તો દાળ પ્લાસ્ટિકના કે સ્ટીલના વાટકામાં પીરસાય છે માટે દાળનું લચીલું ‘દાળત્વ’ ટકી જાય છે. કદાચ રોકેટ કે રોબોટ પછી આધુનિક વિજ્ઞાનનું આ સૌથી મોટું પ્રદાન છે.
જો કે ઘણાં લોકો ભાત નથી ખાતા, ડાયરેક્ટલી દાળનો વાટકો ઉપાડીને પીવે છે. પ્યાર કો પ્યાર હી રહેને દો, ઉસે રિશ્તો કા ઈલ્ઝામ ન દો... ગીતની જેમ ‘દાળ ને દાળ જ રહેવા દો...’ એવી એક છૂપી જીદ એમાં હોય છે. હે, દાળ-પ્રેમીઓ, એ દિવસ દૂર નથી કે જ્યારે તમારા ટૂથપેસ્ટમાં ગુજરાતી દાળનો સ્વાદ આવતો હશે, જેથી તમે લંચ ટાઈમ સુધી દાળ વિના ટકી શકો.
ગુજરાતી પ્રજા ભલે શાંત ગણાતી હોય પણ ખબર નહીં કેમ પણ આપણે ત્યાં ‘વેર-ઝેર’ પર ઘણી નવલકથાઓ લખાઇ છે પણ અફસોસ કે દાળ પર એકેય નહીં! ભાવિમાં કોઈ લેખક/લેખિકા ‘વેર-તુવેર’ જેવી નવલકથા લખે તો એ ગુજરાતી સાહિત્યનું સીમાચિહ્ન ગણાશે.
ગુજરાતીમાં ચિંતન લખનારાઓની ફોજ છે પણ કોઈએ દાળ પર ચિંતન કેમ નથી કર્યું? એ ચિંતન કરતાંયે ચિંતાનો વિષય વધુ છે. ગાંધીજીએ કહેલું : ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો અમે કહીશું કે ગુજરાતી દાળ પર કોઈ પી.એચ.ડી ના કરે, ત્યાં સુધી આપણી અસ્મિતા અધૂરી ગણાશે. વળી,આ લેખ અમે ગમ્મત ખાતર નહીં પણ ‘ગુજરાતી દાળ’ને વિશ્વ-સાહિત્યમાં સ્થાન મળે માટે જ લખ્યો છે. અત્યારે, ગુજરાતી દાળ પીતાં-પીતાં, લખતી વેળાએ, જીવંત-મૃત સર્વ લેખકોને અમે ઓપન ચેલેન્જ આપીએ છીએં કે ગુજરાતી દાળ વિશે અમારા સિવાય અન્ય કોઈએ પણ લેખ લખ્યો હોય તો દેખાડો, નહીં તો આજ પછી અમે દાળ પીશું નહીં!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: દાળ પીધી?
ઈવ: ના, દાળ ચાવી!