ટીના દોશી
નામ: મેરી ક્યુરી
ઓળખ: વૈજ્ઞાનિક
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ : 6.11.1968
ટિકિટનું મૂલ્ય : 20 પૈસા
નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા, બે વાર નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ વ્યક્તિ અને બે અલગ અલગ વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં નોબેલ પુરસ્કાર જીતનાર એકમાત્ર વ્યક્તિ હોવા ઉપરાંત પેરિસ યુનિવર્સિટીમાં પ્રોફેસર બનનાર પ્રથમ મહિલા... કહો જોઉં, એ કોણ છે?
મૂળ નામ તો મારિયા સલોમીયા સ્ક્લોડોવસ્કા, પણ મેરી ક્યુરી તરીકે જાણીતાં થયાં. રસાયણ અને ભૌતિકશાસ્ત્રનાં પ્રસિદ્ધ પોલિશ-ફ્રેન્ચ મહિલા વૈજ્ઞાનિક. માદામ મેરી ક્યુરી. પતિ પિયર ક્યુરી. વિજ્ઞાનક્ષેત્રે અત્યંત આદર અને સન્માનથી લેવાતાં નામ. પોલોનિયમ તથા રેડિયમ નામનાં બે રેડિયોઍક્ટિવ તત્ત્વોના શોધક તથા 1903માં ભૌતિકશાસ્ત્રમાં તેમજ 1911માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારવિજેતા. 1903માં તેમના પતિ પિયેર ક્યુરી તથા વિજ્ઞાની આંરી બેકરલ સાથે રેડિયોઍક્ટિવિટીની શોધ માટે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ ત્રણે વચ્ચે સંયુક્ત રીતે એનાયત કરવામાં આવેલું.
મેરી ક્યુરીને મળેલા પુરસ્કારોની યાદી જોઈએ : ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર-1903, માટ્ટેયુચીમેડલ-1904, એક્ટોનિયન પુરસ્કાર-1907, એલિયટ ક્રેસન મેડલ-1909, આલ્બર્ટ મેડલ-1910, રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર-1911, વિલાર્ડ ગિબ્સ એવોર્ડ-1921, જોન સ્કોટ મેડલ-1921, એડિનબર્ગ યુનિવર્સિટીના ઉપચારશાસ્ત્ર માટે કેમેરોન પુરસ્કાર-1931...
આવાં પ્રતિભાશાળી મેરી ક્યુરીનો જન્મ 7 નવેમ્બર 1867ના રોજ રશિયન સામ્રાજ્યના કૉંગ્રેસ પોલેન્ડમાં વોર્સોમાં થયો. 4 જુલાઈ 1934ના પેરિસમાં મૃત્યુ. બ્રોનિસ્લાવા ને બોગુસ્કા અને વ્લાડિસ્લાવ સ્ક્લોડોવસ્કીના પાંચમા અને સૌથી નાના સંતાન. ઉપનામ મેનિયા. નાનપણથી જ ભણવામાં ખૂબ રસ તેથી હંમેશાં પુસ્તકો સાથે જ રાખતાં. નાની વયે જ માતાના અવસાનથી ઘણો આઘાત લાગ્યો, પણ જિમ્નશિયમ સેક્નડરી સ્કૂલ ફોર ગર્લ્સમાં અભ્યાસ પૂરો કરી 12 જૂન 1883ના ગોલ્ડ મેડલ સાથે હાઈસ્કૂલ ગ્રૅજ્યુએટ થયાં. પિતાના માથેથી આર્થિક બોજો હળવો કરવા ગવર્નેસ અને શિક્ષિકા તરીકે કામ કર્યું.
પિતા પાસેથી વિજ્ઞાનના વિષયનો રસ મેળવ્યો હોવાથી 1891માં વોર્સો છોડી પેરિસની સોરબોન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. આર્થિક મર્યાદાઓને લીધે દિવસે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં અને રાત્રે ભંડકિયામાં પૂરતાં ગરમ કપડાં વગર પણ પરીક્ષાની તૈયારી કરતાં. 1893માં ગણિતશાસ્ત્રમાં અને 1894માં ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયાં. 1894ની વસંતઋતુમાં ફ્રેંચ ભૌતિકશાસ્ત્રી પિયેર ક્યુરી સાથે મુલાકાત થઈ, બંને પરસ્પર આકર્ષાયાં. 26 જુલાઈ 1895ના રોજ તેમનાં લગ્ન સ્કેઉક્સમાં થયાં.
1897માં પહેલી પુત્રી આઇરીન અને 1904માં બીજી પુત્રી ઈવને જન્મ આપ્યો. દરમિયાન, જુલાઈ 1898માં ક્યુરી અને તેમના પતિએ તેમના વતન પોલેન્ડના માનમાં `પોલોનિયમ' નામના તત્ત્વના અસ્તિત્વની જાહેરાત કરતું એક સંયુક્ત પેપર પ્રકાશિત કર્યું. 26 ડિસેમ્બર 1898ના રોજ ક્યુરીઓએ બીજા તત્ત્વના અસ્તિત્વની જાહેરાત કરી, જેને તેમણે `રેડિયમ' નામ આપ્યું, જે લેટિન શબ્દ `રે' પરથી આવ્યો છે. તેમના સંશોધન દરમિયાન તેમણે `રેડિયોએક્ટિવિટી1' શબ્દ પણ બનાવ્યો.
આ અરસામાં પેરિસની સ્કૂલ ઑફ ફિઝિક્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કેમિસ્ટ્રીની પ્રયોગશાળામાં ડોક્ટરેટની ઉપાધિ માટેનું સંશોધનકાર્ય કરી મહાનિબંધ લખી મેરી ક્યુરીને ડોક્ટરેટની ઉપાધિ મળી. 1903માં ક્યુરી દંપતીને બેકરલની સાથે પદાર્થ વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયું. બીજા જ વર્ષે સોરબોન યુનિવર્સિટીમાં પિયેરની પ્રાધ્યાપક તરીકે નિયુક્તિ થઈ અને મેરી તેમનાં સહાયક બન્યાં.
19 એપ્રિલ 1906ના માર્ગ પર ટ્રક-અકસ્માતમાં પિયેરનું અવસાન થયું. પતિના અવસાન બાદ મેરી વ્યાખ્યાતા તથા પ્રયોગશાળાનાં ઉપરી બન્યાં અને સોરબોન યુનિવર્સિટીમાં પ્રથમ મહિલાવ્યાખ્યાતા બન્યાં. કાચી ધાતુમાંથી શુદ્ધ રેડિયમને અલગ કરવા માટે 1911માં રસાયણશાસ્ત્રમાં બીજું નોબેલ પારિતોષિક મળ્યું. આમ બે જુદા જુદા વિષયોમાં નોબેલ મેળવનાર પ્રથમ મહિલા બન્યાં. તેમણે પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું.
તેમના માર્ગદર્શન હેઠળ, કિરણોત્સર્ગી આઇસોટોપ્સના ઉપયોગ દ્વારા નિયોપ્લાઝમની સારવારમાં વિશ્વના પ્રથમ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા. તેમણે 1920માં પેરિસમાં ક્યુરી ઇન્સ્ટિટ્યૂટ અને 1932માં વોર્સોમાં ક્યુરી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. બંને મુખ્ય તબીબી સંશોધન કેન્દ્રો રહ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ફિલ્ડ હોસ્પિટલોને એક્સ-રે સેવાઓ પૂરી પાડવા માટે મોબાઇલ રેડિયોગ્રાફી યુનિટ વિકસાવ્યા. 1932માં રેડિયમ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપી, જે આજે ન્યુક્લિયર ફિઝિક્સ માટેનું અગત્યનું કેન્દ્ર છે. `રેડિયમ થેરપી' કેન્સરના રોગ માટે અગત્યની સારવાર ગણાય છે.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તબીબી ક્ષેત્રે, ઍક્સ-કિરણોના ઉપયોગને વિકસાવવા માટે મેરીએ પોતાની જાતને પૂરેપૂરી સમર્પિત કરી. ક્યુરીએ કહેલું કે ઘાયલ સૈનિકોનું શક્ય તેટલી વહેલી તકે ઓપરેશન કરવામાં આવે તો તે શ્રેષ્ઠ રીતે સેવા આપી શકે છે. યુદ્ધભૂમિના સર્જનોને મદદ કરવા માટે ફ્રન્ટ લાઇનની નજીક ફિલ્ડ રેડિયોલોજીકલ સેન્ટરોની જરૂરિયાત જોઈ, જેમાં અંગો બચાવી શકાય ત્યારે અંગવિચ્છેદનને ટાળવાનો પણ સમાવેશ થાય છે.
રેડિયોલોજી, શરીરરચના અને ઓટોમોટિવ મિકેનિક્સનો ઝડપી અભ્યાસ કર્યા પછી, મેરીએ એક્સ-રે સાધનો, વાહનો અને સહાયક જનરેટર મેળવ્યા. મોબાઇલ રેડિયોગ્રાફી યુનિટ્સ વિકસાવ્યા, જે પેટાઇટ્સ ક્યુરીઝ-લિટલ ક્યુરીઝ તરીકે લોકપ્રિય બન્યા. તે રેડ ક્રોસ રેડિયોલોજી સર્વિસના ડિરેક્ટર બન્યા અને 1914ના અંત સુધીમાં કાર્યરત ફ્રાન્સના પ્રથમ લશ્કરી રેડિયોલોજી સેન્ટરની સ્થાપના કરી. શરૂઆતમાં લશ્કરી ડોક્ટર અને તેની 17 વર્ષની પુત્રી ઇરેનની મદદથી, ક્યુરીએ યુદ્ધના પ્રથમ વર્ષમાં ફિલ્ડ હોસ્પિટલોમાં વીસમોબાઇલ રેડિયોલોજીકલ વાહનો અને બસ્સો અન્ય રેડિયોલોજીકલ યુનિટ્સની સ્થાપનાનું નિર્દેશન કર્યું. બાદમાં અન્ય મહિલાઓને સહાયક તરીકે તાલીમ આપવાનું શરૂ કર્યું.
1915માં ક્યુરીએ રેડિયમ ઉત્સર્જન ધરાવતી હોલો સોય બનાવી.તેનો અર્થ હતો, રેડિયમ દ્વારા છોડવામાં આવતો રંગહીન, કિરણોત્સર્ગી ગેસ-રેડોન. તેનો ઉપયોગ ચેપગ્રસ્ત પેશીઓને જંતુમુક્ત કરવા માટે કરવામાં આવ્યો. મેરીએ પોતાના એક ગ્રામ પુરવઠામાંથી રેડિયમ પૂં પાડ્યું. એવો અંદાજ છે કે તેના એક્સ-રે યુનિટ દ્વારા દસ લાખથી વધુ ઘાયલ સૈનિકોની સારવાર કરવામાં આવી હતી.
મેરીએ પોતાનું શેષ જીવન રેડિયોઍક્ટિવ પદાર્થો અને તેના તબીબી ઉપયોગના સંશોધન પાછળ ગાળ્યું હતું. વ્યાખ્યાન આપવા માટે તે વારંવાર પરદેશ જતાં હતાં. વૈજ્ઞાનિકો માટે આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિઓની સ્થાપના માટે તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા. લાંબા સમય સુધી શરીર ઉપર રેડિયોઍક્ટિવ વિકિરણોનું ઉદભાસન થવાને કારણે લ્યુકેમિયાના દર્દથી તેમનું અવસાન થયું હતું.
તેમની સ્મૃતિમાં પોલેન્ડે 2011ને આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર વર્ષ મેરી ક્યુરીનું વર્ષ જાહેર કર્યું. કૃત્રિમ તત્વ ક્યુરિયમનું નામ પણ તેમના માનમાં રાખવામાં આવ્યું છે... મેરી ક્યુરી એવાં મહિલા છે, જેમણે ક્યારેય ભારતની ભૂમિ ઉપર પગ મૂક્યો નહોતો છતાં ભારતની ટપાલ ટિકિટ પર સ્થાન મેળવ્યું, કારણ કે તેમણે આધુનિક પરમાણુ ભૌતિકશાસ્ત્ર, કેન્સર સારવાર અને રેડિયોગ્રાફીનો પાયો નાખીને યુગનિર્માણનું મહાન કાર્ય કરેલું !