ટીના દોશી
નામ: મારિયા મોન્ટેસરી
ઓળખ: શિક્ષણ
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ : 31.8.1970
ટિકિટનું મૂલ્ય : 20 પૈસા
બાલકેળવણી ક્ષેત્રે નવી પદ્ધતિ આપનાર પ્રસિદ્ધ કેળવણીકાર, ઇટાલીમાં મેડિકલ સ્કૂલમાં ભણનાર પ્રથમ મહિલાઓમાંની એક, રોમની યુનિવર્સિટીમાંથી ડૉક્ટરની ઉપાધિ પ્રાપ્ત કરનાર મહિલા ડૉક્ટર... નામ એમનું મારિયા મોન્ટેસરી. બાળકોની સર્જનાત્મક ક્ષમતા, શીખવાની તેમની ઇચ્છા અને દરેક બાળકના વ્યક્તિગત રીતે વર્તવાના અધિકારમાં વિશ્ર્વાસ પર આધારિત મોન્ટેસરી શિક્ષણ પ્રણાલીનાં સંસ્થાપક હતાં મારિયા મોન્ટેસરી. 31 ઑગસ્ટ 1970ના ભારત સરકારે તેમના માનમાં 20 પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
મારિયા મોન્ટેસરી... જન્મ 31 ઑગસ્ટ, 1870, ચિઆરાવલે, એન્કોના, ઇટાલી નજીક. મૃત્યુ 6 મે, 1952, નૂર્ડવિજ્ક આન ઝી, નેધરલૅન્ડ્સ. રોમ યુનિવર્સિટીના મનોચિકિત્સક ક્લિનિકમાં મદદનીશ ફિઝિશિયન તરીકે કામ કરતાં મારિયાને શિક્ષણમાં રસ ઉત્પન્ન થયો.
માનસશાસ્ત્ર સાથે શિક્ષણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1899-1901 દરમિયાન તેઓ મંદબુદ્ધિ તથા અપંગ બાળકો માટેની શાળાનાં સ્થાપક આચાર્યા રહ્યાં.તેમાં તેમણે વિકસાવેલી પદ્ધતિઓ સામાન્ય બાળકોને પણ લાગુ પાડવા પ્રયોગો કર્યા. એડ્વર્ડ સેગ્વિનના વિચારોને અનુસરીને તેમણે તેમની પોતાની આગવી શિક્ષણપદ્ધતિ જે મોન્ટેસરી પદ્ધતિ તરીકે પ્રખ્યાત થઈ તે વિકસાવી. 1900થી 1904 દરમિયાન તેમણે શિક્ષણશાસ્ત્રના અધ્યાપક તરીકે તથા 1904થી 1908 દરમિયાન નૃવંશશાસ્ત્રનાં પ્રાધ્યાપક તરીકે રોમની યુનિવર્સિટીમાં સેવાઓ આપી.
રોમના પછાત વિસ્તારોમાં તેમણે 1907માં બાળકો માટેની મોન્ટેસરી શાળા સ્થાપી. તેમની પદ્ધતિમાં બાળકોને ઇન્દ્રિયોના વિકાસ તથા સ્નાયુઓનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે. 1917માં સ્પેનના બાર્સિલોના શહેરમાં મોન્ટેસરી ઇન્સ્ટિટ્યૂટમાં ડિરેક્ટરપદે કામ કર્યું. 1919માં લંડનમાં તાલીમી કાર્યક્રમો માટે શિક્ષણકાર્ય કર્યું. 1922થી 1934 દરમિયાન ઇટાલીમાં શાળાઓનાં સરકારી ઇન્સ્પેક્ટર તરીકે રહ્યાં. 1938માં નેધરલૅન્ડ્સમાં લારેન શહેરમાં મોન્ટેસરી તાલીમ કેન્દ્રની તેમણે સ્થાપના કરી. 1914માં તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં પ્રવાસ કરી પોતાની શિક્ષણપદ્ધતિ વિશે પ્રવચનો કર્યાં.
મારિયા મોન્ટસરીની શિક્ષણપદ્ધતિ ખાસ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે છે. તેમાં બાળકને અમુક ચોક્કસ સાધનોનો ઉપયોગ કરી મુક્ત રીતે પોતાની જાતે શીખવાનું ગોઠવવામાં આવે છે. મોન્ટેસરીની માન્યતા પ્રમાણે બાળકને પ્રથમ તેની જ્ઞાનેન્દ્રિયોના ઉપયોગ વડે જ્ઞાન આપવાની શરૂઆત કરવી જોઈએ. તેમાં પણ સ્પર્શની ઇન્દ્રિયથી શરૂઆત કરવી જોઈએ. ખરબચડા અને લીસા પદાર્થો વચ્ચે તફાવત જાણવાની શરૂઆત કરવા બાળકને લીસાં લાકડાં તથા કાચ પાયેલા ખરબચડા કાગળ આપવામાં આવે છે.
લીસી અને ખરબચડી વસ્તુઓનો સ્પર્શ કરી તેમની વચ્ચેનો તફાવત શોધવાનું બાળકે શીખવાનું હોય છે. વળી ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે આકારો ઓળખવા તેમને ચોક્કસ પ્રકારનાં લાકડાંનાં સાધનો આપવામાં આવે છે. આકાર પ્રમાણે લાકડાના ટુકડાઓને તેમનાં યોગ્ય ખાનાંમાં બંધ બેસતા ગોઠવવાનું તેમને શીખવવામાં આવે છે. વિવિધ રંગો ઓળખવા માટે તેમને રંગીન કાગળ, લાકડાના રંગીન ટુકડા, રંગીન ચોક વગેરે સાથે રમવા દેવામાં આવે છે. તેમના હાથ-પગનો ઉપયોગ થાય તે માટે તેમને ટેબલ-ખુરશી ખસેડવાનું, તેમને કકડા વડે સાફ કરવાનું વગેરે કામ પણ આપવામાં આવે છે.
ભાષા શીખવા માટે ઉચ્ચાર પ્રમાણે સાદા અક્ષરોથી શરૂ કરી, બોલવા તથા અક્ષરો ઓળખવા વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. એ પછી અક્ષરોનાં જોડાણોથી શબ્દો અને શબ્દોનાં જોડાણોથી વાક્યો બનાવતાં બાળક શીખે છે. ભારતની ભાષાઓ જેવી જ ઇટાલિયન ભાષા ઉચ્ચાર પ્રમાણે લખાતી હોવાથી મોન્ટેસરી પદ્ધતિ દ્વારા ભાષાના ઉચ્ચાર તથા લખાણનું કામ બાળક સહેલાઈથી શીખે છે. આ સર્વ કાર્યમાં શિક્ષકે માત્ર જરૂર પડ્યે માર્ગદર્શન કરવાનું હોય છે. બાકી બધું બાળક મોન્ટેસરી સાધનો દ્વારા પોતે શીખે છે. દરેક બાળક પોતાની શક્તિ પ્રમાણે વત્તીઓછી ઝડપથી શીખે છે.
બાળકોના તેમની ઉંમર પ્રમાણે વર્ગો ન બનાવતાં તેમની શીખવાની ઝડપ પ્રમાણે તેમનાં જૂથ બનાવવામાં આવે છે. મોન્ટેસરી શિક્ષણ પ્રણાલીનો ભારતમાં પણ પ્રચાર પ્રસાર થયો. એક ભારતીય વિદ્યાર્થીએ 1913માં રોમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં હાજરી આપેલી, ત્યારથી ભારતમાં મોન્ટેસરીને રસ હતો. 1926માં મોન્ટેસરી સોસાયટી ઑફ ઇન્ડિયાની રચના થયેલી. 1929 સુધીમાં, રવીન્દ્રનાથ ટાગોરે ભારતમાં ઘણી ટાગોર-મોન્ટેસરી શાળાઓની સ્થાપના કરેલી.
મારિયા 1939માં ભારતના મદ્રાસ શહેરમાં ત્રણસો શિક્ષકોના એક તાલીમી વર્ગમાં વ્યાખ્યાન આપવા આવ્યાં હતાં; પરંતુ તે દરમિયાન દ્વિતીય વિશ્ર્વયુદ્ધ શરૂ થઈ જતાં તથા તેઓ ઇટાલીનાં નાગરિક હતાં એટલે અંગ્રેજ સરકારે તેમને ભારત છોડવા ઉપર પ્રતિબંધ લાદ્યો, પરંતુ ભારતમાં તેમનું કાર્ય ચાલુ રાખવા પરવાનગી આપી. આથી દ્વિતીય વિશ્ર્વયુદ્ધ દરમિયાન તેમણે ભારતમાં અમદાવાદ, કોડાઇકેનાલ, અડ્યાર અને શ્રીનગરમાં તથા શ્રીલંકામાં તાલીમી વર્ગો ચલાવ્યા. આ ઉપરાંત તેમણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાનુભાવોની મુલાકાત લીધી.
બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં તેઓ યુરોપ પાછાં ફર્યાં. 1948માં 78વર્ષની ઉંમરે તેઓ ભારત ફરીથી આવ્યાં અને પુણે, મુંબઈ, અડ્યાર તથા ગ્વાલિયરમાં તેમણે વ્યાખ્યાન આપ્યાં. 1949માં તેઓ પાકિસ્તાન ગયાં અને કરાચીમાં એક તાલીમવર્ગ ચલાવતાં હતાં ત્યારે એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં પ્રમુખ તરીકે ફરજ બજાવવા એકાએક યુરોપ ચાલ્યાં જવું પડ્યું, પરંતુ તેમના એક મદદનીશને વર્ગ ચાલુ રાખવા મૂકી ગયાં. 1949માં પેરિસમાં તેમણે યુનેસ્કોની એક સભામાં વ્યાખ્યાન આપ્યું.
ભારતમાં તેમનાં વર્ષો દરમિયાન, મોન્ટેસરી અને તેમના પુત્ર મારિયોએ તેમની શૈક્ષણિક પદ્ધતિ વિકસાવવાનું ચાલુ રાખ્યું. કૉસ્મિક એજ્યુકેશન શબ્દ છથી બાર વર્ષનાં બાળકો માટે એક અભિગમનું વર્ણન કરવા માટે રજૂ કરવામાં આવ્યો હતો જે કુદરતી વિશ્ર્વનાં તમામ તત્ત્વોના પરસ્પર નિર્ભરતા પર ભાર મૂકે છે. બાળકો તેમના કુદરતી વાતાવરણમાં છોડ અને પ્રાણીઓ સાથે સીધા કામ કરતાં હતાં. મોન્ટેસરીએ પ્રાથમિક વયનાં બાળકો સાથે ઉપયોગ માટે પાઠ, ચિત્રો, ચાર્ટ અને મોડેલો વિકસાવ્યાં હતાં. વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને ભૂગોળ માટે સામગ્રી બનાવવામાં આવેલી.
1942અને 1944ની વચ્ચે આ તત્ત્વોને છથી બાર વર્ષનાં બાળકો સાથે કામ કરવા માટે એક અદ્યતન અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યથી બે પુસ્તકો પ્રકાશિત થયાં: એજ્યુકેશન ફોર અ ન્યૂ વર્લ્ડ અને ટુ એજ્યુકેટ ધ હ્યુમન પોટેન્શિયલ, ભારતમાં હતા ત્યારે, મોન્ટેસરીએ તમામ ઉંમરનાં બાળકો અને કિશોરોનું અવલોકન કર્યું અને બાળપણના અભ્યાસ તરફ વળ્યાં. 1944માં તેમણે જીવનના પ્રથમ ત્રણ વર્ષો પર 30 વ્યાખ્યાનોની શ્રેણી આપી.
શ્રીલંકામાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત તાલીમ અભ્યાસક્રમ આપ્યો. આ વ્યાખ્યાનો 1949માં ‘તમારે શું જાણવું જોઈએ તમારા બાળક વિશે’ પુસ્તકમાં એકત્રિત કરવામાં આવેલા. 1944માં મોન્ટેસરીને થોડી સ્વતંત્રતા આપવામાં આવી. તેઓ શ્રીલંકા ગયાં. 1945માં મોન્ટેસરીએ જયપુરમાં પ્રથમ ઑલ ઇન્ડિયા મોન્ટેસરી કૉન્ફરન્સમાં હાજરી આપી. 1946માં યુદ્ધ સમાપ્ત થતાં મારિયા સપરિવાર યુરોપ પરત ફર્યાં.
ભારતથી પાછાં ફર્યા બાદ તેમણે નેધરલૅન્ડ્સના આમ્સ્ટર્ડામ શહેરમાં મુખ્ય મથક સ્થાપ્યું. નૉર્વે, સ્વીડન સહિત ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રિયામાં કામ કર્યું. 8 વર્ષની વયે નેધરલૅન્ડ્સના નૂરવિક-ઑન-સી શહેરમાં અચાનક તેમણે છેલ્લા શ્ર્વાાસ લીધા. મારિયાનું તો મૃત્યુ થયું, પણ મોન્ટેસરી પદ્ધતિ આજે પણ જીવંત છે!