Thu Nov 19 2026

Logo

મનોજ જરાંગેના ₹500 કરોડના આરોપ પર બાવનકુળેનું નિવેદન: 'પુરાવા આપો, નિષ્પક્ષ તપાસ થશે'

2026-10-22 21:33:41
Author: Mumbai Samachar Team
મનોજ જરાંગેના ₹500 કરોડના આરોપ પર બાવનકુળેનું નિવેદન: 'પુરાવા આપો, નિષ્પક્ષ તપાસ થશે'

મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ મરાઠા અનામત આંદોલનકર્તા મનોજ જરાંગેને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે સંકળાયેલા 500 કરોડ રૂપિયાના ચુકવણીના આરોપ અંગે ફરિયાદ નોંધાવવા જણાવી પુરાવા રજૂ કરવામાં આવે તો સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી.

જાલનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં જરાંગેએ એક ઓડિયો ક્લિપ જાહેર કરી હતી. આ ક્લિપ શિવસેનાના સંસદ સભ્ય શ્રીકાંત શિંદે દ્વારા તેમને ચૂપ કરવા અને અનામત માટેના તેમના આંદોલનને કચડી નાખવા માટે 500 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હોવાના ષડયંત્રનો પુરાવો હોવાનો આરોપ તેમણે કર્યો હતો.

આ મુદ્દા પર સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં બાવનકુળેએ કહ્યું હતું કે 'જો જરાંગે પાસે ઓડિયો ક્લિપમાં ઉલ્લેખિત રૂ. ૫૦૦ કરોડની ચુકવણી અને તેમને ફસાવવાના કાવતરા અંગે નક્કર પુરાવા હોય, તો તેમણે ફક્ત મીડિયા સાથે વાત કરવાને બદલે પોલીસ અથવા જિલ્લા કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવવી જોઈએ. ઔપચારિક ફરિયાદ મળ્યા પછી મુખ્ય પ્રધાન અને ગૃહ વિભાગ સંબંધિત એજન્સીઓ દ્વારા નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.'

બીડ જિલ્લામાં દશેરા રેલી દરમિયાન જરાંગેએ આરોપ મૂક્યો હતો કે ભાજપના નેતાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે (એકનાથ) શિંદેએ તેમને 500 કરોડ રૂપિયા આપ્યા છે. તેમણે શિંદેને આરોપો પર સ્પષ્ટતા કરવા પણ કહ્યું. 
જોકે, શિંદેએ બુધવારે કહ્યું કે કોઈએ 500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી કે મેળવ્યા નથી અને જરાંગેને આરોપ સાબિત કરવા પડકાર ફેંક્યો હતો. મહેસૂલ પ્રધાને જણાવ્યું હતું કે સરકાર ફરિયાદની તપાસ કરશે અને સંબંધિત એજન્સીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરશે