Wed Oct 14 2026

Logo

સુખનો પાસવર્ડ : મુશ્કેલ સંજોગોમાં ભાંગી ન પડો તો પ્રતિભાના જોરે પણ સફળતા મળે જ છે...

2026-09-06 08:26:36
Author: Aashu Patel
સુખનો પાસવર્ડ : મુશ્કેલ સંજોગોમાં ભાંગી ન પડો તો પ્રતિભાના જોરે પણ સફળતા મળે જ છે...

 આશુ પટેલ

મનોજ બાજપેયી

ગયા રવિવારે આપણે ‘ઉત્સવ’માં અભિનેતા મનોજ બાજપેયીના સંઘર્ષની વાત અધૂરી હતી એ આ વખતે પૂરી કરીએ...

મનોજ બાજપેયી દિલ્હીમાં બેરી જોન સાથે કામ કરતા હતા એ દિવસોમાં જ તેમણે બોલિવૂડમાં કામ મેળવવાની કોશિશ શરૂ કરી દીધી હતી. ઘણા પ્રયત્નો પછી તેમને1994માં ‘હમ બમ્બઇ નહીં જાયેંગે’ટીવી-સિરિયલમાં અભિનય કરવાની તક ળી.1994માં જ તેમને ‘દ્રોહકાલ’ફિલ્મમાં પણ નાનકડા રોલમાં ચમકવાની તક મળી.

એ દિવસોમાં મનોજ નક્કી નહોતા કરી શકતા કે દિલ્હીમાં રહેવું કે મુંબઈ રહેવું. ત્યારે  તે દિલ્હીથી મુંબઈ આવતા-જતા રહેતા હતા.1994માં તેમને એક બીજી મોટી તક મળી. એમને  નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં (એનએસડીમાં) પ્રવેશ નહોતો મળ્યો, પણ એનએસડીમાં ભણેલા ઘણા વિદ્યાર્થીઓ સાથે તેની દોસ્તી થઈ ગઈ હતી. આવી જ રીતે તિગ્માંશુ ધુલિયા અને મનોજ બાજપેયી પણ દોસ્ત બની ગયા હતા.  સંઘર્ષના દિવસોમાં તિગ્માંશુ ધુલિયા પણ બોલિવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા.

એક દિવસ ધુલિયા તેમના ખખડી ગયેલા સ્કૂટર પર બાજપેયીને મળવા પહોંચી ગયા. તેમણે કહ્યું કે ‘હું શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વિન’ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેકટર તરીકે જોડાયો છું અને આ ફિલ્મમાં ડાકુ માનસિંહના રોલ માટે મેં તારા નામનું સૂચન કર્યું છે. 
શેખર કપૂર તારું નામ વિચારી રહ્યા છે. તેમણે તને મળવા બોલાવ્યો છે.’ બાજપેયી ધુલિયાના સ્કૂટર પર બેસીને કપૂરને મળવા પહોંચી ગયા. કપૂરે તેમને ડાકુ માનસિંહના રોલ માટે પસંદ કરી લીધા. બાજપેયીએ આંખ મીંચીને એ ફિલ્મ સાઇન કરી લીધી. 
એ દિવસોમાં જ શેખર કપૂરે મનોજ બાજપેયીને સલાહ આપી કે ‘દિલ્હીમાં રહીને તું ખોટો સમય બગાડી રહ્યો છે. તારે  બોલિવૂડમાં કરિયર બનાવવી હોય તો મુંબઈ રહેવા આવી જવું જોઈએ.’ શેખર કપૂરની વાત માનીને મનોજ  મુંબઈ આવી ગયા.

‘બેન્ડિટ ક્વિન’માં બાજપેયીનો નાનો રોલ હતો, પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમની નોંધ લેવાઈ. જોકે બાજપેયીના સંઘર્ષનો અંત આવ્યો નહીં. સંઘર્ષની કિંમત માણસે ચૂકવવી પડતી હોય છે એ મનોજને બહુ સારી રીતે અનુભવ દ્વારા શીખવા મળ્યું છે. 

તેમણે દિલ્હીની એક છોકરી સાથે લવમેરેજ કર્યા હતા, પણ સંઘર્ષના સમયમાં તે છોકરીનું તેમનાથી અંતર વધવા લાગ્યું અને તે છોકરી એમને છોડીને જતી રહી હતી. એ પછી  મનોજે 2005માં અભિનેત્રી શબાના રઝા (‘કરીબ’ ફિલ્મમાં હીરોઈન તરીકે ચમકેલી અભિનેત્રી) સાથે લગ્ન કર્યાં. શબાના રઝાએ નેહા નામથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી તરીકે સ્થાન મેળવવાની કોશિશ કરી હતી. લગ્ન પછી તેમના જીવનમાં સ્થિરતા આવી. જોકે અભિનેતા તરીકે તેમનો સંઘર્ષ ચાલુ જ હતો.

1995માં મનોજ બાજપેયીએ ‘સ્વાભિમાન’ અને ‘કુરુક્ષેત્ર’ જેવી ટીવી-સિરિયલ્સમાં અભિનય કર્યો. એ પછી તેમણે ‘બદલતે રિશ્તે’, ‘દસ્તક’ અને ‘તમન્ના’ તથા ‘દૌડ’ જેવી ફિલ્મો 1996-1997ના વર્ષોમાં કરી, પણ તેમનું પત્તું ખુલતું નહોતું.1998માં મનોજ રામગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’માં ભીખુ મ્હાત્રેના રોલમાં ચમક્યા અને તેમણે તરખાટ મચાવી દીધો. એ ફિલ્મમાં ‘સત્યા’નું મુખ્ય પાત્ર ભજવનારા અભિનેતા કે. ચક્રવર્તી બાજુ પર રહી ગયા અને મનોજ  છવાઈ ગયા.

 ‘સત્યા’ ફિલ્મની અકલ્પ્ય સફળતાને લીધે એમને  લાગતું હતું કે હવે સંઘર્ષનો સમય પૂરો થઈ ગયો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણાને લાગતું હતું કે હવે  મનોજ બાજપેયીને ઘણા બધા રોલ્સની ઓફર થશે, પણ એવું કશું થયું નહીં! ‘સત્યા’ ફિલ્મની સફળતા પછી ફરીવાર એમનો  સંઘર્ષ શરૂ થયો. વચ્ચે તેમણે ‘શૂલ’ જેવી અફલાતૂન ફિલ્મ આપી, જેણે બોલિવૂડ  અને પ્રેક્ષકોને ‘ઝંઝીર’ના અમિતાભ બચ્ચનની યાદ અપાવી દીધી. જોકે એ સિવાય તેમને એવી ખાસ ફિલ્મો કે નોંધપાત્ર રોલ મળ્યા નહીં. 

એક સમય એવો આવી ગયો કે હિન્દી ઈન્ડસ્ટ્રીમાં બધા એવું માનવા માંડ્યા હતા કે મનોજ  બાજપેયીનો સમય પૂરો થયો. ત્યારે જ 2012માં ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં સરદાર ખાનના લીડ રોલમાં ચમકીને એમણે  પોતાની હાજરીની નોંધ લેવાની ફિલ્મ ઉદ્યોગ  અને પ્રેક્ષકોને ફરજ પાડી. (બાય ધ વે, જે મિત્રએ ‘બેન્ડિટ ક્વિન’ ફિલ્મ માટે શેખર કપૂરને મનોજ વાજપેયીની ભલામણ કરી હતી એ તિગ્માંશુ ધુલિયાએ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં મનોજ વાજપેયીના દુશ્મનનો રામાધીર સિંહનો રોલ કર્યો હતો!)

ગજબની પ્રતિભા હોવા છતાં તેમણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો. જોકે તેમણે હિંમત હારવાને બદલે સંઘર્ષ ચાલુ રાખ્યો. તેમની જગ્યાએ બીજો કોઈ ઢીલોપોચો માણસ હોત તો તેણે કદાચ આત્મહત્યા કરી લીધી હોત, પણ મનોજ બાજપેયીએ સામા પ્રવાહે તરવાનું ચાલુ રાખ્યું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત કુટુંબોનાં સંતાનોને અભિનેતા કે અભિનેત્રી તરીકે લોન્ચ કરવા માટે ખાસ ફિલ્મો બને છે અને આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ‘ફિલ્મી ફેમિલી’માંથી આવતા ‘નેપો કિડ્સ’ને વધાવવા તૈયાર હોય છે, પણ મનોજ બાજપેયીને તો કોઈનું પીઠબળ નહોતું. છતાં તેમણે સંજોગો સામે ઝઝૂમીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું.

નાનીનાની વાતે હિંમત હારી જતાં હોય એવા યુવક-યુવતીઓએ મનોજ બાજપેયીના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ. એમની  જીવનસફર એ વાતનો સચોટ પુરાવો છે કે ગમે એવા મુશ્કેલ સંજોગોમાં પણ માણસ ભાંગી પડ્યા વિના પોતાની પ્રતિભાના જોરે આત્મવિશ્વાસ સાથે આગળ વધતો રહે તો તેને સફળતા મળે જ છે. હાર સ્વીકારી લીધા વિના મહેનત કરતા રહેવું જોઈએ.