Tue Nov 10 2026

Logo

મણિપુરમાં ફરી હિંસા ભડકી! કામજોંગમાં કુકી સમુદાયના 15થી વધુ ઘરો સળગાવ્યાં, જાણો કેવી છે સ્થિતિ...

2026-10-18 13:31:59
Author: Vimal Prajapati
મણિપુરમાં ફરી હિંસા ભડકી! કામજોંગમાં કુકી સમુદાયના 15થી વધુ ઘરો સળગાવ્યાં, જાણો કેવી છે સ્થિતિ...

કામજોંગ: મણિપુરમાં અશાંતિ વચ્ચે હિંસાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. રાજ્યના કામજોંગ જિલ્લાના ચાસાદ ગામમાં શંકાસ્પદ ઉગ્રવાદીઓએ કૂકી સમુદાયના ઓછામાં ઓછા 15 ઘરોને આગને હવાલે કરી દીધા હતા. આ અચાનક થયેલા હુમલા અને આગચંપી બાદ ગ્રામજનોમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. જીવ બચાવવા માટે મોટી સંખ્યામાં ગ્રામીણ નાગરિકોએ નજીકના જંગલો અને આસપાસ આવેલી સેનાની છાવણીઓમાં શરણ લેવાની ફરજ પડી છે.

હિંસક હુમલામાં કૂકી નાગરિકનું મોત, અનેક ઈજાગ્રસ્ત

અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, શનિવારે મોડી રાત્રે શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓએ ચાસાદ ગામ પર હુમલો કરી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં કૂકી સમુદાયના એક નાગરિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બીજી તરફ, કામજોંગ જિલ્લા મથક નજીક સર્જાયેલી એક અન્ય હિંસક ઘટનામાં હરીફ સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ગોળીબારની ચપેટમાં આવતા તાંગખુલ નાગા સમુદાયના પણ ત્રણ નાગરિકોને ગોળી વાગવાથી ઈજાઓ પહોંચી છે.

સરકાર દ્વારા સુરક્ષા દળોનો સંયુક્ત કાફલો ખડકાયો

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મણિપુર પોલીસ, અસમ રાઇફલ્સ અને સીમા સુરક્ષા બળ (BSF)ની સંયુક્ત ટુકડીઓને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સખત બનાવીને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે જેથી વધુ હિંસા અટકાવી શકાય! મણિપુરમાં આવી સ્થિતિ વારંવાર સર્જાતી હોવાથી આ મામલે સરકાર પણ ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે.

મણિપુરના ઉપમુખ્ય પ્રધાન નેમચા કીપગેને વ્યક્ત કર્યો આક્રોશ

મણિપુરના ઉપમુખ્ય પ્રધાને નેમચા કીપગેને ચાસાદ ગામમાં થયેલી હિંસા અને નિર્દોષ નાગરિકોના ઘરો સળગાવી દેવાની ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે હિંસામાં જીવ ગુમાવનાર નાગરિક પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં આ કૃત્યને અસહ્ય અપરાધ ગણાવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય પોલીસ અને સુરક્ષા દળોને ચોવીસે કલાક અગમચેતી વર્તવા અને નાગરિકોના જીવ-માલનું રક્ષણ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી છે.