મોરારિબાપુ
હું એક નાનકડી વાર્તા કહેતો રહું છું કે, રાજાએ પોતાના એક કર્મચારી પર ખુશ થઈને પોતાનો રાજપોશાક દઈ દીધો ! મોજડીથી લઈને મુકુટ સુધી, જે કેવળ રાજવંશી લોકો જ પહેરે છે. એ માણસ બહુ ખુશ થઇ ગયો. ખુશ થઈને ઘેર આવ્યો. પત્નીને કહ્યું, ‘આપણા સમ્રાટે ખુશ થઈને આ આપ્યું છે ! પત્નીએ ધીરેથી કહ્યું કે,‘આ કોઈ ખુશીની વાત નથી !’ મારાં ભાઈ-બહેનો, સાંભળો, મારું એક સૂત્ર છે, દરેક લાભમાં શુભ નથી હોતું, પરંતુ મારાં ભાઈ-બહેનો, એક નાનકડા શુભમાં લાભ જ લાભ હોય છે.
આપણા જીવનમાં ઘણા લાભ થાય છે, પરંતુ પરિણામ શુભ નથી હોતું. એ ીએ કહ્યું કે,‘ખુશ થવાની વાત નથી! શું એ પોશાક તમે પહેરી શકશો? એ પોશાક ઘરમાં રાખશો તો તેની રક્ષા કરવા માટે તમારે ઘરમાં રહેવું પડશે, નોકરી નહીં કરી શકો ! એને વેચી પણ નહીં શકો, કારણ કે રાજકીય વસ્તુ છે, રાજા નારાજ થઇ જશે. તો, રાજા તમને પોશાક આપે એના કરતાં તમને પાંચ હજાર રૂપિયા આપે એ વધુ સારું છે.’ ત્યારે એને સમજાયું કે વાત તો બરાબર છે.
નોકર રાજાના દરબારમાં જાય છે, પોશાક આપી દે છે કે,‘માલિક, આપે બહુ કૃપા કરી, પરંતુ માલિક, હું પોશાકનું શું કરું ? ન વેચી શકું, ન વહેંચી શકું ! એ તો મારા માટે બોજ બની ગયો !’ રાજા બોલ્યો,‘મેં તને આપી દીધો છે, તું એને પહેરી શકે છે, કે વેચી પણ શકે છે, એ તારો છે.’ પરંતુ મારી પત્ની કહે છે કે,‘એનાથી તો પાંચ હજાર આપત એ સારું હતું.’ ‘અરે ! પાંચ હજાર શું, દસ હજાર લઇ જા, પરંતુ આ પોશાક પણ લઇ જા.’ રાજાએ દસ હજાર આપ્યા. ઘેર આવ્યો. હવે પત્નીને વિચાર્યું કે, ઠીક છે.
ગામમાં એક હોલ ભાડે રાખો. ત્યાં આપણા ગામના જેટલા સંબંધીઓ છે, બધાંનો ભોજન સમારંભ રાખો. દસ હજાર મળ્યા છે. બધાં આવી ગયાં, બધાંને પીરસ્યું. ત્યારે એ માણસ રાજાની મોજડીથી લઈને મુકુટ સુધી પહેરીને, ભોજનની બંને પંગત બેઠી છે એની વચ્ચેથી નીકળ્યો; અને એવી રીતે ચપટી વગાડી રહ્યો છે કે,‘ભાઈ, મારા ઘરે પહેલો પ્રસંગ છે, બરાબર જમજો.’
કેટલાંક લોકોને જલન થઇ, ઈર્ષ્યા થઇ કે આ તે કોઈ શિષ્ટાચાર છે ! કેટલાંક લોકો નારાજ થઇ ગયાં ! એમણે કહ્યું, ભાઈ ગુસ્સો ન કરો. આ હોલ મારો નથી. મોજડીથી મુગટ સુધીનું કાંઈ મારું નથી. બધું રાજાએ આપ્યું છે, દસ હજાર રૂપિયા એમણે દીધા છે, એટલે મેં આ ભોજન સમારંભ રાખ્યો છે. આ બધાંમાં મારું કંઈ પણ નથી, આ ચપટી જ મારી છે ! અને આજે અવસર આવ્યો છે, ચપટી ન વગાડું, તો ખોટનો સોદો છે !
એટલે મારાં ભાઈ-બેહેનો, આ પંડાલ આપણો નથી, કંઈ આપણું નથી, કાલે બધું પૂરું થઇ જશે. અવસર આવ્યો છે, તો થોડી ચપટી વગાડી લો, એ જ આપણી છે. કોઈ જાગૃત ગુરુ યોગમાં તમને પ્રવેશ કરાવી દે, ધ્યાન લગાવી દે, તો કરો. તંત્ર-મંત્ર આપી દે, યજ્ઞયાગ શીખવી દે, તો એ પણ કરો; પરંતુ ક્યાંય ચેન ન લાગે, ક્યાંય મન ન લાગે અને બધું બોજરૂપ લાગે, બધાં સાધન થકવી દે, તો બહુ જ સરળ સાધન છે પરમાત્માનું પવિત્ર નામ. વીજળીના ચમકારામાં મોતી પરોવવાની આ પળ છે.
બંદઉઁ નામ રામ રઘુબર કો, હેતુ કૃસાનુ ભાનુ હિમકર કો,
બિધિ હરિ હરમય બેદ પ્રાન સો, અગુન અનૂપમ ગુન નિધાન સો.
રઘુવરના અનેક નામ છે: એને કોઈ રાઘવ કહે, કોઈ રાઘવેન્દ્ર કહે, તુલસીજી કહે એ નામોને મારા પ્રણામ છે. પણ જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમય છે, વેદનો જે પ્રાણ છે, ઓમકાર સ્વરૂપ છે. એ રામતત્ત્વ, એ રામનામની વંદના કરતાં ગોસ્વામીજીએ નામ મહિમાનું મોટું પ્રકરણ લખ્યું છે. તુલસીજીએ એમ કહ્યું કે સતયુગમાં માણસ ધ્યાનથી પરમાત્માને જલ્દી પામતો હતો, ત્રેતાયુગમાં એ જ ઈશ્વરને પામવા માટે યજ્ઞને પ્રધાન સાધન બતાવવામાં આવ્યું કે યજ્ઞ દ્વારા પામી શકાય. દ્વાપરમાં પૂજન-અર્ચનને પ્રધાનતા આપી કે પરમાત્માની પ્રાપ્તિ પૂજન-અર્ચનથી સુલભ. પણ કળિયુગમાં તો ગોસ્વામીજી કહે કે કેવળ નામ આધાર છે.
કળિયુગમાં કેટલા માણસો ધ્યાન કરી શકે? હં...! મને લોકો મળતા હોય છે. એક ભાઈ મને કહે હું રાતના એક વાગે ધ્યાનમાં બેસું છું ને ત્રણ વાગે ઊભો થાઉં છું. મને બહુ નવાઈ લાગી ! એક વાગે શરૂ થાય અને ત્રણ વાગે પૂરું થાય એ સમયની ખબર ધ્યાનમાં કેવી રીતે રહેતી હશે ? ધ્યાન તો ક્રાંતિ હૈ. ધ્યાનમાં કંઈ સમય હોઈ શકે કે તે આટલા વાગે શરુ થાય અને આટલા વાગે પૂરું થાય? ધ્યાન તો એક... ક્યાં કહું ધ્યાન માટે ! ધ્યાન જે કરી શકે, એમાં આગળ વધી શકે એ બધાને વંદન છે.
બાકી વો તો લગતા હૈ, લગાયા નહીં જાતા. રામનામ જપતાં જપતાં ક્યારેક ધ્યાન લાગી જશે ત્યારે આંખમાંથી આંસુડાં વહેશે. ઈસ લિએ નામ જપો. સામાન્ય માણસ માટે કળિયુગનું પ્રધાન સાધન હરિનામ આશ્રય, પરમાત્માનું નામ જ છે. કળિયુગમાં કેવળ રામનામ જ પ્રધાનતા ભોગવી રહ્યું છે. જે ગતિ ધ્યાનથી, યજ્ઞથી, પૂજન-અર્ચનથી મળે એ ગતિ કલિયુગમાં હરિનામથી સુલભ બને છે. બાકી નામનો પ્રતાપ તો ચારે યુગમાં છે.
નામનો પ્રતાપ ગાતાં તુલસીજીએ લખ્યું છે કે માણસ કોઈ પણ રીતે નામનો આશ્રય કરે, નામથી જ નામી મળે એ નિર્વિવાદ સત્ય છે. અહીં આટલાં માણસો બેઠાં છે એમાંથી કોઈનું નામ મને આવડતું હોય અને હું એનું નામ બોલું તો એ માણસ મારી પાસે આવશે. ઢગલો એક વસ્તુઓ પડી હોય અને કોઈને કહીએ કે આ લાવો-તે લાવો. પરંતુ નામ વગર નામી મળતા નથી. વસ્તુ હોવા છતાં તમે પ્રાપ્ત કરી શકતા નથી. નામ આવડતું હોય તો તુરંત વસ્તુ આવે. નામની સરાહના કરતાં ગોસ્વામીજીએ કહ્યું કે નામ વગર નામી શક્ય નથી. નામ સે નામી પાયા ગયા સંસાર મેં.
ઈશ્વર પોતાનું અવતારકાર્ય પૂરું કરીને, પોતાનું અવતારકાર્ય સમેટીને જ્યારે વિદાય લેતા હોય ત્યારે એમ કહે છે કે તે પોતાની તમામ શક્તિ નામમાં મૂકતા જાય છે. તો કોઈપણ નામનો આશ્રય કરો. કોઈ આગ્રહ નથી રામનામનો ! રામનામ કા અર્થ બડા વ્યાપક હૈ, બડા વિસ્તૃત. કોઈ પણ નામનો આશ્રય લિજિએ.
સંકલન : જયદેવ માંકડ