Fri Oct 16 2026

Logo

મમતા બેનર્જીએ ચૂંટણી પંચના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન આપ્યું

2026-09-18 18:43:22
Author: Chandrakant Kanoja
મમતા બેનર્જીએ ચૂંટણી પંચના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન આપ્યું

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ટીએમસીનું નામ અને તેના ચૂંટણી ચિહ્નને સ્થગિત કરવાના ચૂંટણી પંચના નિર્ણય મુદ્દે મમતા બેનર્જીએ નારાજગી વ્યક્ત કરી  છે. તેમણે ચૂંટણી પંચના આ નિર્ણયને ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે નંદીગ્રામ અને આસામની પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસને સમર્થન આપવાની પણ જાહેરાત કરી હતી. 

મમતા બેનર્જીએ વધુમાં જણાવ્યું હતું કે, એવું નથી કે અમે બંધારણીય હોદ્દાનું સન્માન નથી કરતા, પરંતુ અમને લાગે છે કે આજનો દિવસ આપણા લોકતાંત્રિક ઇતિહાસમાં એક કાળો દિવસ છે. આપણા દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, ગેરબંધારણીય, ગેરકાયદે અને અલોકતાંત્રિક છે. આ એક રાજકીય પક્ષના અહંકારને સંતોષવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલી સંપૂર્ણપણે પક્ષપાતી અને બદલાની ભાવનાથી પ્રેરાયેલી કાર્યવાહી છે.

કાઉન્ટિંગ એજન્ટોને દૂર કરવામાં આવ્યા

તેમણે વધુમાં ઉમેર્યું, કે અગાઉ જ જાહેર કરી દીધું હતું કે તેઓ તે નામ કે ચિહ્નને  નહીં રહેવા દે. ચૂંટણી પંચ પર આક્ષેપ કરતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે બધું જ અગાઉથી આયોજિત હતું. તેમણે આરોપ મૂક્યો કે સીઆરપીએફની દેખરેખ હેઠળ મતગણતરી થઈ હતી. તેમજ કાઉન્ટિંગ એજન્ટોને દૂર કરવામાં આવ્યા અને ત્રણથી ચાર રાઉન્ડ દરમિયાન ગેરરીતિ આચરવામાં આવી હતી.