નરેશ શાહ
સંતાનો સામે બદલો લેતાં સંતાનો માટે ધીંગાણે ચઢતાં માતા-પિતાઓની ફિલ્મો ‘મધર ઇન્ડિયા’ના જમાનાથી બનતી આવી છે. અલબત્ત, તેમાં સીધી સાદી બદલાતી કથાઓ વધુ રહી છે, પરંતુ ‘નેટફલિક્સ’ની ‘માઇ’ વેબસીરિઝ એથી થોડી અલગ અવશ્ય પડે છે અને એ છે, ઘૂંટાતું રહસ્ય...
ડૉક્ટર નહીં બની શકેલી, પણ બીમાર લોકોની સેનેટોરિયમ ‘વિદ્યાસદન’માં દેખભાળ અને સારવાર કરતી શીલ ચૌધરી (સાક્ષી તન્વર)એ પતિ યશની ઇચ્છાને માન આપીને પોતાનો પુત્ર જેઠ-જેઠાણીને દત્તક આપી દીધો છે. ડૉક્ટરીનું ભણી રહેલી યુવાન દીકરી સુપ્રિયા ચૌધરી જોકે બોલી શકતી નથી. બે વરસની ઉંમરે જ થયેલા અકસ્માતમાં સુપ્રિયાના વોકલ કોડ ડૅમેજ થઈ જતાં એ માત્ર સાઇન લેંગ્વેજમાં વાત કરી શકે છે, પણ...
આજકાલ ઉદાસ રહેતી દીકરી સુપ્રિયા ચિડીયાપણાને કારણે નાનાભાઈએ તમાચો મારી દે છે ત્યારે માતા-પુત્રી વચ્ચે નિ:શબ્દ તકરાર થઈ જાય છે અને મનોમન વલોવાતી દીકરી સુપ્રિયા ઘરની બહાર નીકળી જાય છે. માતા શીલ ચૌધરી તેને રોકવા, મનની મૂંઝવણ જાણવા તેની પાછળ દોડીને તેને અટકાવે છે. માતાને જવાબ દેવા માટે ઊભી રહી ગયેલી સુપ્રિયા હાથના ઇશારા કે આંખોથી કશું કહે એ પહેલાં... એક ટેમ્પો ટ્રકની હડફેટે ચઢી જઈને તે મૃત્યુ પામે છે!
દેખીતો અકસ્માત લાગતાં આ બનાવ પછી પકડાય ગયેલા ટેમ્પો ડ્રાઇવરની શિનાખ્ત કરવા શીલ ચૌધરી પોલીસ સ્ટેશને જાય છે પણ ત્યારે કશુંક એવું બને છે કે...
પોતાની દીકરીનું મૃત્યુ અકસ્માતમાં નથી થયું, પણ તેની (સકારણ અકસ્માત કરીને) હત્યા કરવામાં આવી છે. એવો અણસારો માતાને મળે છે અને એ પોતે દીકરીની હત્યા યા મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવાનું મનોબળ મક્કમ કરી લે છે અને એકલપડે એક પછી એક સત્યો તેની સામે આવતાં રહે છે. શીલ ચૌધરીના હાથે (કયારેક અજાણતાં તો ક્યારેક જાણી જોઈને) હત્યા પણ થાય છે.
‘માઇ’ સીરિઝના બીજા જ એપિસોડથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે મૂગી (દિવ્યાંગ) સુપ્રિયાની હત્યા કરવામાં આવી છે અને તેની પાછળનાં કારણો પણ ઉઘાડ પામે છે... પરંતુ માતા શીલ ચૌધરીએ જાણવા માગે છે કે દીકરીને કચડી નાખવાનો હુકમ કોણે આપ્યો હોય છે અને અંત સાબિત કરે છે કે ‘માઇ’ વેબસીરિઝની બીજી સિઝન બનાવવાની એક મજબૂત બારી સીરિઝ-મેકરોએ ખુલ્લી રાખી છે...
દેખીતી રીતે ‘માઇ’ આપણને એક સોશ્યલ થ્રિલર યા મર્ડર મિસ્ટ્રરી લાગે પણ પાંચ-પાંચ લેખકોએ (અતુલ મોંગિયા, સૃષ્ટિ રિંડાણી, તમાલ સેન, વિશ્રૃત સિંઘ અને અમિતા વ્યાસ) તેને ‘મા વિરુદ્ધ ગેંગસ્ટર’નો શેઇપ આપી દીધો છે. ઘણી બાબત અને માતા શીલ ચૌધરીના ‘પરાક્રમો’ ગળે ઊતરે એવા નથી, છતાં લેખકોની એ કુશળતા છે કે દર્શક સતત ઇંતેજારીમાં રહે છે. ડૉક્ટરનું ભણી ચૂકેલી માતા કંઈ લાત મુક્કા કે પિસ્તોલથી બદલો ન જ લે, એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને માતાનો બદલો લેવાનો કે સચ્ચાઈ જાણવાનો તરીકો બિલકુલ ખટકતો નથી. શીલ ચૌધરીની અંદર એક મા અને સ્ત્રીનું મુલાયમ કાળજું છે, પણ સુપેરે દેખડવામાં આવ્યું છે અને તેમાં શીલ ચૌધરી તરીકે સાક્ષી તન્વરનો અભિનય એકદમ પરફેક્ટ છે.
અતુલ મોંગિયા અને અંશાઇ લાલે ડિરેક્ટ કરેલી ‘માઇ’ સીરિઝમાં લાંબા અંતરાલ પછી ‘ઇલુ ઇલુ’ (સૌદાગર) ફિલ્મ વિવેક મુશરન પતિ તરીકે જોવા મળે છે અને એક સપનાં વિહોણાં યા હાફી ચૂકેલાં પતિ તરીકે તેણે ઉમદા કામ કર્યું છે. મૂગી દીકરી સુપ્રિયા તરીકે વામિકા ગાબ્બી, રાયમા સેન, પ્રશાંત નારાયણ પણ રાઇટર ચૉઇસ છે. સીમા ભાર્ગવ (મનોજ પાહવાના અભિનેત્રી પત્ની) જેવા ઉમદા અભિનેત્રીનો વધુ ઉપયોગ થયો હોય તો ચોક્કસ સીરિઝને ફાયદો થાત.
ઓવરઑલ, ‘માઇ’ વેબસીરિઝ બે કારણોસર જોવા જેવી છે. એક સાક્ષી તન્વરના નૈસર્ગિક અભિનય માટે અને બે, એક અલગ કિસમના રિવેન્જથ્રિલરની ભૂખ સંતોષવા માટે.