Thu Nov 19 2026

Logo

મહારાષ્ટ્રમાં 2 નવા અભયારણ્ય અને 14 કન્ઝર્વેશન રિઝર્વ મંજૂર: વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય

2026-10-26 21:35:44
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં 2 નવા અભયારણ્ય અને 14 કન્ઝર્વેશન રિઝર્વ મંજૂર: વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય વન્યજીવ બોર્ડે બે વન વિસ્તારોને વન્યજીવ અભયારણ્યો અને સાત જિલ્લાઓમાં ફેલાયેલા ૧૪ વિસ્તારોને સંરક્ષણ અનામત (કન્ઝર્વેશન રિઝર્વ) તરીકે જાહેર કરવાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે તેમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.

આ નિર્ણયો મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બોર્ડ મિટિંગમાં લેવામાં આવ્યા હતા. બોર્ડે ગડચિરોલી જિલ્લામાં આવેલું જંગલી ભેંસોની વસ્તી માટે જાણીતું કોલામાર્કા કન્ઝર્વેશન રિઝર્વને તેમ જ હાલના અભયારણ્યને અડીને આવેલા અને તાજેતરમાં વિસ્તૃત કરાયેલા તાનસા વન્યજીવ અભયારણ્યને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

પ્રસ્તાવિત ૧૪ કન્ઝર્વેશન રિઝર્વ ક્ષેત્રો પુણે, રાયગઢ, નાશિક, નંદુરબાર, થાણે, પાલઘર અને ચંદ્રપુર જિલ્લાઓમાં આવેલા છે, તેમાં પુણે અને રાયગઢ જિલ્લામાં વેલ્હે-મુલશી; પુણેમાં ભોર ગીરગઢ; નાશિકમાં ડિંડોરી, સુરગાના અને તાહરાબાદ; નંદુરબારમાં ચિંચપાડા; રાયગઢમાં અલીબાગ અને ઘેરા માણિકગઢ; પુણે અને રાયગઢમાં લોનાવાલા; થાણેમાં ઘુમતારા; પાલઘરમાં જવાહર, અશેરીગઢ અને ધમાની, અને ચંદ્રપુરમાં એકરા નો સમાવેશ થાય છે.

હાલના અભયારણ્યને માનવ વસવાટથી મુક્ત કરવાના પ્રયાસોના ભાગરૂપે, બોર્ડે ઓગડા, ખોડડે, તિરમલ, પાચઘર, ફણસદ અને અમલે ગામોની ૫૮૮.૭૬૭ હેક્ટર મહેસૂલી અને ખાનગી જમીનને નવા વિસ્તૃત થયેલા 'તાન્સા વન્યજીવ અભયારણ્ય'માં સામેલ કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. 

કોકા વન્યજીવ અભયારણ્યના ૧૦૦.૧૩૯ ચોરસ કિમી અને જયકવાડી પક્ષી અભયારણ્યના ૨૫૫.૭૯ ચોરસ કિમી વિસ્તારને 'નિર્ણાયક વન્યજીવ નિવાસસ્થાનો' તરીકે જાહેર કરવાના પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવી હતી. વન મંત્રી ગણેશ નાઈકે વર્ચ્યુઅલ રીતે બેઠકમાં હાજરી આપી હતી.