મુંબઈ: રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ દરમિયાન ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન વિવિધ જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાનું અનુમાન છે, જેના પગલે કેટલાક જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.
આજે નાશિક ઘાટ વિસ્તાર સહિત પરભણી, હિંગોલી, નાંદેડ, યવતમાળ, વર્ધા, નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગડચિરોલી જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આ તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું હતું. જોકે, મુંબઈમાં દિવસભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા, પરંતુ ધોધમાર વરસાદ હજુ પડ્યો નથી, તેથી ઉકળાટ પણ વધ્યો છે.
ધુળે, નાશિક ઘાટ અને નાસિક, પાલઘર, થાણે, મુંબઈ, મુંબઈ ઉપનગર, રાયગઢ, અહલ્યાનગર, છત્રપતિ સંભાજીનગર, જલગાંવ, બુલઢાણા, જાલના, બીડ, ધારાશિવ, સોલાપુર, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી, વાશિમ, અકોલા, અમરાવતી, યવતમાળ, વર્ધા, નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગડચિરોલી આ જિલ્લાઓમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
૧૩ સપ્ટેમ્બરે કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે. પાલઘર, થાણે, મુંબઈ, મુંબઈ ઉપનગર, રાયગઢ, પુણે ઘાટ, પુણે, સતારા ઘાટ, સતારા, રત્નાગિરી, નાશિક, અહલ્યાનગર, છત્રપતિ સંભાજીનગર, જલગાંવ, બુલઢાણા, જાલના, બીડ, ધારાશિવ, પરભણી, હિંગોલી, વાશિમ, અકોલા, અમરાવતી, યવતમાળ અને વર્ધા આ જિલ્લાઓ માટે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. વાવાઝોડા સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની શક્યતા હોવાથી વહીવટીતંત્રે નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.