Thu Oct 08 2026

Logo

મહારાષ્ટ્ર ટીઇટી પેપર લીક:  8,000 રૂપિયા માટે જૂતાના સોલમાં છુપાવી

2026-09-19 17:17:10
Author: Yogesh D. Patel
મહારાષ્ટ્ર ટીઇટી પેપર લીક:  8,000 રૂપિયા માટે જૂતાના સોલમાં છુપાવી

પ્રશ્ર્નપત્રો પ્રેસમાંથી બહાર કઢાયા: ચાર્જશીટ

થાણે: મહારાષ્ટ્ર ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (ટીઇટી)ના પ્રશ્ર્નપત્રો આગ્રાના પ્રિન્ટિંગ પ્રેસમાંથી બે કર્મચારી દ્વારા માત્ર 8,000 રૂપિયાના બદલામાં જૂતાના સોલમાં છુપાવીને બહાર કાઢવામાં આવ્યા હતા, એમ થાણે શહેર પોલીસે ભિવંડીની સ્થાનિક કોર્ટમાં શુક્રવારે દાખલ કરેલી 3,500 પાનાંની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે. 

ચાર્જશીટમાં માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર ગુપ્તા સહિત 18 આરોપીનાં નામ છે. ગુપ્તા અગાઉ ઓડિશા પેપર લીકમાં સંડોવાયેલો હતો. તપાસ ચાલી હોવાથી 16 શંકાસ્પદની પહેલેથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બે મુખ્ય સાથીદાર અશોક સાવ અને પ્રકાશ મિસાળ ફરાર છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ આગળ વધતા સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. 28 જૂનના નિર્ધારિત પરીક્ષાના એક દિવસ પહેલા આ રેકેટ પ્રકાશમાં આવ્યું હતું, જ્યારે ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-2) પવન બનસોડને માહિતી મળી હતી કે ત્રણ વ્યક્તિ ભિવંડીના રહેવાસીને પરીક્ષાના પેપર વેચવનો પ્રયાસ કરી રહ્યા છે.

પોલીસે બોગસ ગ્રાહક તૈયાર કર્યા બાદ કોનગાંવ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને શંકાસ્પદોને તાબામાં લઇને પ્રશ્ર્નપત્રોના ચાર સૅટ જપ્ત કર્યા હતા. ત્યાર બાદ મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઓફ એક્ઝામિનેશન (એમએસસીઇ)ના અધિકારીઓ સાથેની ચકાસણીમાં પુષ્ટિ થઇ હતી કે જપ્ત કરાયેલી સામગ્રી વાસ્તવિક પ્રશ્ર્નપત્ર સાથે મેળ ખાતી નથી. 

આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ કેસની તપાસ કરી રહી છે. ચાર્જશીટ અનુસાર પેપર લીકનો સ્રોત માહિમ પત્રન પ્રા. લિ. હોવાનું જાણવા મળ્યું હતું. આગ્રા સ્થિત આ પ્રિન્ટિંગ પ્રેસને ટીઇટી પરીક્ષાની ગુપ્ત સામગ્રી છાપવાનું કામ સોંપાયું હતું.

15 જૂનથી 17 જૂન વચ્ચે પ્રેસના બે કર્મચારી અને ભૂતપૂર્વ સ્ટાફે સિક્યુરિટી ગાર્ડની નજરથી બચવા પ્રશ્ર્નપત્રો તેમના જૂતાના સોલમાં છુપાવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ તેમના કપડાં તપાસતા હતા, પણ જૂતા તપાસવાનું ચૂકી ગયા હતા.

ચાર્જશીટમાં જણાવ્યા અનુસાર પ્રેસના કર્મચારીઓને પરીક્ષાના પ્રશ્ર્નપત્રો ચોરવાના બદલામાં વ્યક્તિ દીઠ આઠ હજાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા અને આગ્રામાં પ્લોટ મેળવી આપવાનું વચન અપાયું હતું. પોલીસે કોચિંગ ક્લાકના ભૂતપૂર્વ શિક્ષક બિજેન્દ્ર ગુપ્તાને આંતરરાજ્ય રૅકેટના માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખી કાઢ્યો હતો. (પીટીઆઇ)