Mon Nov 16 2026

Logo

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ખાનગી હોસ્પિટલોએ હવે મેડિકલ દર અને રેટ લિસ્ટ જાહેર કરવું જ પડશે!

2026-10-17 15:53:00
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: ખાનગી હોસ્પિટલોએ હવે મેડિકલ દર અને રેટ લિસ્ટ જાહેર કરવું જ પડશે!

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સંસ્થાઓમાં સારવારના ખર્ચાઓને લઈને પારદર્શકતા લાવવા માટે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ અને સંબંધિત મેડિકલ સંસ્થાઓએ હવે પોતાની મેડિકલ સેવાઓ, સારવાર અને સુવિધાઓના દરનું લિસ્ટ સ્પષ્ટ રીતે દર્શાવવું ફરજિયાત રહેશે. આ રેટ લિસ્ટ મરાઠી અને અંગ્રેજી બંને ભાષામાં મૂકવું પડશે. સરકારના આ નિર્ણયથી દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવાર શરૂ કરતાં પહેલાં સંભવિત ખર્ચની જાણકારી મળી શકશે.

રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. હોસ્પિટલને સારવારના દરનું લિસ્ટ એવી જગ્યાએ મૂકવાનું રહેશે, જ્યાં દર્દીઓ અને તેમના સગાંસંબંધીઓ તેને સરળતાથી જોઈ અને વાંચી શકે. હોસ્પિટલના પ્રવેશદ્વાર, રિસેપ્શન, રજિસ્ટ્રેશન રુમ, પૂછપરછ કાઉન્ટર અને બિલિંગ વિભાગમાં દરની માહિતી ઉપલબ્ધ કરાવવાની રહેશે.

સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ખાનગી હોસ્પિટલો દ્વારા લેવામાં આવતા ચાર્જમાં પારદર્શકતા લાવવાનો અને સારવાર બાદ અચાનક વધુ બિલ આવવાથી દર્દીઓને પડતી મુશ્કેલીઓ ઘટાડવાનો છે. ઘણી વખત દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવાર, વિવિધ મેડિકલ તપાસો, હોસ્પિટલની સુવિધાઓ તથા અન્ય સેવાઓ માટે કેટલો ખર્ચ થશે તેની અગાઉથી જાણકારી મળતી નથી. હવે દરનું લિસ્ટ જાહેરમાં ઉપલબ્ધ હોવાથી દર્દીઓ સારવારના સંભવિત ખર્ચનો અંદાજ મેળવી શકશે અને પોતાના બજેટ પ્રમાણે આયોજન કરી શકશે.

સરકારના નવા આદેશ અનુસાર હોસ્પિટલોએ પોતાની મેડિકલ સેવાઓ અથવા સારવારના પેકેજના દરમાં ફેરફાર કર્યો હોય તો જૂના દરના લિસ્ટને તાત્કાલિક અપડેટ કરવું પડશે. દર્દીઓ અને તેમના પરિવારજનોને સારવારના ચાર્જ અંગે યોગ્ય માહિતી મળી રહે તે માટે નોંધણી, પૂછપરછ અને બિલિંગ વિભાગના કર્મચારીઓએ પણ સહયોગ આપવો પડશે. આ વ્યવસ્થાથી સારવારના ખર્ચ અંગે ગેરસમજ, બિલિંગ સંબંધિત વિવાદો અને દર્દીઓની ફરિયાદોમાં ઘટાડો થવાની અપેક્ષા છે.

સરકારે વિદેશથી ભારતમાં સારવાર માટે આવતા દર્દીઓ અંગે પણ સ્પષ્ટ સૂચના આપી છે. મેડિકલ વિઝા અથવા આયુષ વિઝા પર ભારતમાં સારવાર લેવા આવતા વિદેશી દર્દીઓ માટે જો વિશેષ મેડિકલ પેકેજ લાગુ પડતા હોય, તો તે પેકેજના દર પણ સ્પષ્ટ રીતે દર્શાવવા પડશે. કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય સેવાઓના દર જાહેરમાં દર્શાવવાની વ્યવસ્થાનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

આ નિયમોનું પાલન થાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની જવાબદારી જિલ્લા સર્જનો, જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓને સોંપવામાં આવી છે. સંબંધિત અધિકારીઓએ સમયાંતરે તપાસ કરીને હોસ્પિટલો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની સમીક્ષા કરવાની રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરતી મેડિકલ સંસ્થાઓ સામે જરૂરી વહીવટી અથવા કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.