મુંબઈ: દેશભરમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર થતા ગંભીર માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અંદાજે 1.5 લાખ લોકો જીવ ગુમાવે છે. આ પૈકી 40થી 50 ટકા લોકોના મોત સમયસર પ્રાથમિક સારવાર ન મળવાને કારણે થાય છે. અકસ્માત પછીના પ્રથમ 60 મિનિટ એટલે કે ‘ગોલ્ડન અવર’માં જો યોગ્ય સારવાર મળી જાય તો હજારો લોકોનો જીવ બચી શકે છે.
મહારાષ્ટ્ર હાઈવે પોલીસ દ્વારા આ બાબતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી ‘મૃત્યુંજય દૂત’ યોજના વરદાન સાબિત થઈ છે. માર્ચ, 2021થી અત્યાર સુધીમાં આ પ્રશિક્ષિત સ્વયંસેવકોએ સમયસર દોડી જઈને 2,671 અકસ્માતગ્રસ્ત નાગરિકોના જીવ બચાવ્યા છે.
કોણ છે આ ‘મૃત્યુંજય દૂત’?
હાઈવેનો વિસ્તાર ખૂબ મોટો હોવાથી પોલીસ કે એમ્બ્યુલન્સને પહોંચવામાં સમય લાગે છે. આથી હાઈવે નજીક આવેલા પેટ્રોલ પંપ, ઢાબા, હોટેલ્સ, મોલના કર્મચારીઓ અને આસપાસના ગામોના સ્થાનિક યુવાનોને એકઠા કરી ‘મૃત્યુંજય દૂત’ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
અકસ્માત સ્થળની સૌથી નજીક હોવાથી સરકારી મદદ પહોંચે તે પહેલાં જ આ લોકો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે. હાલ સમગ્ર મહારાષ્ટ્રમાં આવા 4,118 મૃત્યુંજય દૂત દિવસ-રાત સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે.
ખાસ તાલીમ અને મેડિકલ કિટથી સજ્જ
ખાનગી-સરકારી હોસ્પિટલોના ડોક્ટર્સ અને સામાજિક સંસ્થાઓ મારફતે આ સ્વયંસેવકોને ઈજાગ્રસ્તોને કેવી રીતે હેન્ડલ કરવા, રક્તસ્ત્રાવ કેવી રીતે રોકવો અને CPR સહિતની પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તેની સઘન તાલીમ આપવામાં આવે છે.
દરેક ટીમને સ્ટ્રેચર, ફર્સ્ટ-એઇડ કિટ તેમજ તાત્કાલિક ઉપયોગી મેડિકલ સાધનો આપવામાં આવ્યા છે. આ દૂતો પાસે નજીકની હોસ્પિટલોના સંપર્ક નંબર, ડોક્ટર્સની માહિતી અને ૧૦૮ એમ્બ્યુલન્સનું રિયલ-ટાઇમ લોકેશન નેટવર્ક ઉપલબ્ધ રહે છે.
કલ્પનાથી વાસ્તવિકતા: 2,671 લોકોને મળ્યું જીવનદાન
આ સંકલ્પના હાઈવે પોલીસના તત્કાલીન એડિશનલ ડીજીપી (ADGP) ડૉ. ભૂષણકુમાર ઉપાધ્યાયના વિચારમાંથી માર્ચ, 2021માં અમલમાં મૂકવામાં આવી હતી. રાજ્ય હાઈવે પોલીસ અને 'રેઝિલિયન્ટ ફાઉન્ડેશન' દ્વારા 19 જિલ્લાઓમાં 36 વિશેષ સેશન્સનું આયોજન કરીને વોલિન્ટિયર્સને સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે.
મૃત્યુંજય પ્રોજેક્ટ હેઠળ નાગપુરમાં 540 છત્રપતિ સંભાજીનગરમાં 290, થાણેમાં 40, રાયગઢમાં 36 અને પુણેમાં 23 સ્વયંસેવકોને વિશેષ સર્ટિફિકેટ મળ્યા છે. અકસ્માત પછીના અત્યંત કટોકટીભર્યા પ્રથમ કલાકમાં લોહી વહી જતું અટકાવીને સીધા હોસ્પિટલ ખસેડવામાં આવતાં મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.