મુંબઈ: મહારાષ્ટ્રમાં નકલી દવાઓ, ગેરકાયદે દવા વેચાણ અને લાઇસન્સ વગરના ઉત્પાદન સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મોટી કાર્યવાહી કરી છે. એપ્રિલથી ઑક્ટોબર 2026 દરમિયાન રાજ્યભરમાં દવા ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલાં એકમોમાં 7,950 તપાસ કરવામાં આવી હતી, જેમાં નિયમોના ભંગ બદલ કુલ 2,629 નિયમનકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન 555 લાઇસન્સ રદ, 2,074 લાઈસન્સ સસ્પેન્ડ અને 2,888 નોટિસ ફટકારવામાં આવી છે.
મુંબઈમાં એક મહત્ત્વપૂર્ણ કાર્યવાહીમાં 29 ઑક્ટોબરે કોલાબા સ્થિત આઈએનએચએસ અશ્વિનીમાંથી ₹ 1,00,900ની કિંમતની નકલી દવાઓ જપ્ત કરવામાં આવી હતી. એફડીએના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલી દવાઓમાં એમ્પિરાઇમ ટેબ્લેટ્સ અને કાર્ડિયુરેક્સ ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઑક્ટોબરમાં જ વિભાગે 1,986 તપાસ કરીને 544 નિયમનકારી કાર્યવાહી કરી હતી. તેમાં 122 લાઈસન્સ રદ, 422 લાઈસન્સ સસ્પેન્ડ અને 674 નોટિસનો સમાવેશ થાય છે.
સાત મહિનાની કુલ તપાસમાં 1,402 તપાસ દવા ઉત્પાદન અને અન્ય સંબંધિત એકમોમાં, જ્યારે 6,548 તપાસ દવાના વેચાણ કેન્દ્રોમાં કરવામાં આવી હતી. વેચાણ કેન્દ્રોની તપાસમાં 4,526 રિટેલ દુકાનો, 949 હોલસેલ એકમ, ઝેરના લાઈસન્સ ધરાવતાં 1,005 એકમો અને એનડીપીએસ લાઈસન્સ ધરાવતાં 68 એકમોનો સમાવેશ થાય છે. એફડીએએ દવા ઉત્પાદકો, દુકાનો, કોસ્મેટિક ઉત્પાદકો, બ્લડ સેન્ટરો, મેડિકલ ડિવાઇસ ઉત્પાદકો, સંશોધન કેન્દ્રો અને જાહેર પરીક્ષણ પ્રયોગશાળાઓની પણ તપાસ કરી હતી.
ઑક્ટોબરમાં એફડીએએ 11 વિશેષ કામગીરી હાથ ધરીને કુલ ₹ 34.51 લાખની દવાઓ અને કોસ્મેટિક્સ જપ્ત કર્યાં હતાં. તેમાં લાઈસન્સ વગર સંગ્રહ અને વેચાણ થતી એલોપેથિક દવાઓનો ₹26.82 લાખનો જથ્થો, લાઈસન્સ વગર ઉત્પાદિત ₹ 5.89 લાખનાં કોસ્મેટિક્સ, ગેરકાયદે ઉત્પાદિત ₹ 55,000ની આયુર્વેદિક દવાઓ અને ₹ 1 લાખની નકલી દવાઓનો સમાવેશ થાય છે.
નશીલી દવાઓના ગેરકાયદે વેચાણ બદલ એનડીપીએસ કાયદા હેઠળ બે એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. વિભાગીય સ્તરે કોંકણ વિભાગ 2,502 તપાસ સાથે પ્રથમ સ્થાને રહ્યો હતો. ત્યારબાદ પુણેમાં 1,612 અને ગ્રેટર મુંબઈમાં 1,257 તપાસ કરવામાં આવી હતી. નિયમનકારી કાર્યવાહી મામલે પણ કોંકણ 712 કેસ સાથે મોખરે રહ્યું હતું, જ્યારે પુણેમાં 501 અને ગ્રેટર મુંબઈમાં 493 કાર્યવાહી થઈ હતી.