Wed Nov 11 2026

Logo

શેરડીના ભાવ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: પુણે-બેંગલુરુ હાઈવે સતત ત્રીજા દિવસે ઠપ, મુંબઈ-પુણેમાં દૂધ-શાકભાજી પુરવઠા પર સંકટ

2026-11-05 10:54:00
Author: Mumbai Samachar Team
શેરડીના ભાવ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ: પુણે-બેંગલુરુ હાઈવે સતત ત્રીજા દિવસે ઠપ, મુંબઈ-પુણેમાં દૂધ-શાકભાજી પુરવઠા પર સંકટ

મુંબઈ: મહારાષ્ટ્રમાં શેરડીના ભાવ વધારાની માગણીને લઈને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું છે. સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતો દ્વારા પુણે-બેંગલુરુ નેશનલ હાઈવે (NH-48) પર કરવામાં આવેલું ચક્કાજામ આંદોલન આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું છે. ખેડૂતોની માગણીઓનો ઉકેલ નહીં આવે તો મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રમાં દૂધ તથા શાકભાજીનો પુરવઠો રોકવાની ચીમકી આપવામાં આવી છે. આંદોલનને કારણે હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાયો છે અને હજારો વાહનો અટવાયા છે. 

આંદોલનકારીઓની મુખ્ય માંગણી ચાલુ પિલાણ સિઝનમાં શેરડી માટે પ્રતિ ટન રૂપિયા 4,500નો પ્રથમ હપ્તો ચૂકવવાની છે. આ ઉપરાંત ગયા વર્ષની શેરડીના અંતિમ ભાવમાં પ્રતિ ટન રૂપિયા 500નો વધારો કરીને બાકી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની પણ માગણી કરવામાં આવી છે. સંગઠનનું કહેવું છે કે, ખાંડ અને તેના ઉપઉત્પાદનોના સારા ભાવ મળી રહ્યા હોવા છતાં ખાંડ મિલો ખેડૂતોને યોગ્ય વળતર આપવા તૈયાર નથી. 

રાજુ શેટ્ટીના નેતૃત્વમાં કોલ્હાપુર જિલ્લાના કિણી ટોલ પ્લાઝાના વિસ્તારોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. 3 નવેમ્બરથી શરૂ થયેલા આંદોલન દરમિયાન ખેડૂતો હાઈવે પર રાત વિતાવી રહ્યા છે. કિણી ટોલનાકા પાસે બંને તરફ વાહનવ્યવહાર અટકી જતાં આસપાસના વિસ્તારોમાં વાહનોની લાંબી કતારો લાગી છે. પોલીસ દ્વારા કરાડ, પેઠ નાકા, સાંગલી ફાટા, તોપ, વઠાર, કાગલ અને ઉચગાંવ ફાટા સહિતના સ્થળોએ વાહનોને વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યા છે. 

શેટ્ટીએ ચેતવણી આપી છે કે, શેરડીના ભાવ અંગે તાત્કાલિક નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે અને મુંબઈ તરફ જતાં દૂધ તથા શાકભાજીના વાહનોને રોકવામાં આવશે. સંગઠને ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં પણ વધારો કરવાની માગણી કરી છે. હાલનો પ્રતિ કિલો રૂપિયા 31નો ભાવ વધારીને રૂપિયા 50 કરવાની તેમજ ઇથેનોલના ખરીદી ભાવમાં સુધારો કરવાની માગણી કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે, યોગ્ય ભાવ નક્કી થયા વિના શેરડીની કાપણી અને પરિવહન શરૂ થવા દેવામાં આવશે નહીં. 

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજુ શેટ્ટીને આંદોલન પાછું ખેંચવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, સરકાર શેરડીના ભાવ અંગે ખેડૂતો અને ખાંડ મિલોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહી છે. પ્રધાન હસન મુશ્રીફને પણ સંબંધિત પક્ષો સાથે વાતચીત કરીને ઉકેલ લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, ખેડૂતો પોતાની માગણીઓ સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના મક્કમ છે.