Mon Nov 16 2026

Logo

મહારાષ્ટ્રમાં ખેડૂતોની મુંબઈ તરફ કૂચ, 1,000થી વધુ વાહનોમાં 12 હજાર ખેડૂતો; દેવા માફીથી લઈને જમીનના હક સુધીની માગણીઓ

2026-10-27 09:43:00
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં ખેડૂતોની મુંબઈ તરફ કૂચ, 1,000થી વધુ વાહનોમાં 12 હજાર ખેડૂતો; દેવા માફીથી લઈને જમીનના હક સુધીની માગણીઓ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ખેડૂતો, ખેતમજૂરો અને ગ્રામ્ય કામદારોના વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન ઉગ્ર બન્યું છે. અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં અહિલ્યાનગર જિલ્લાના અકોલેમાંથી મુંબઈ તરફ વિશાળ વાહન લોંગ માર્ચ શરૂ કરવામાં આવી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાંથી 12 હજારથી વધુ ખેડૂતો અને અન્ય આંદોલનકારીઓ 1,000થી વધુ વાહનો સાથે મુંબઈ તરફ રવાના થયા છે. આ માર્ચનો મુખ્ય હેતુ રાજ્ય સરકારનું ધ્યાન ખેતીના સંકટ, દુષ્કાળ રાહત, પાક વીમો, દેવા માફી અને જમીનના અધિકારો સહિતના પ્રશ્નો તરફ દોરવાનો છે.

અકોલેમાં માર્ચ શરૂ થાય તે પહેલાં લાલ ધ્વજ સાથે પદયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. અશોક ધવળે, રાષ્ટ્રીય મહાસચિવ ડૉ. વિજુ કૃષ્ણન, રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ડૉ. અજિત નવલે અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ધારાસભ્ય વિનોદ નિકોલે સહિત સંગઠનના અનેક પદાધિકારીઓ જોડાયા હતા. નાશિક જિલ્લાના ખેડૂતોનો વાહન કાફલો પણ ઘોટી ખાતે મુખ્ય માર્ચમાં જોડાયો હતો. આ આંદોલનમાં ખેડૂતો ઉપરાંત મહિલાઓ, આદિવાસીઓ, બાંધકામ કામદારો અને વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા છે.

દુષ્કાળ રાહતના મુદ્દે કિસાન સભાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રતિ ખેડૂત પરિવાર રૂપિયા 5,000ની સહાયને અપૂરતી ગણાવી છે. સંગઠનના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના કુલ 358 તાલુકાઓમાંથી 305 તાલુકાઓ દુષ્કાળથી પ્રભાવિત છે. આ સ્થિતિમાં ખેડૂતોને થયેલા વાસ્તવિક પાક નુકસાનના પંચનામા મુજબ પૂરતું વળતર ચૂકવવામાં આવે અને પાક વીમાની બાકી રકમ તાત્કાલિક આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. ખેડૂતોએ નિયમિત રીતે લોનની ચુકવણી કરી હોય તો તેમને પણ રૂપિયા 2 લાખ સુધીની દેવા માફી અથવા પ્રોત્સાહન સહાયનો લાભ આપવાની માગણી છે.

ખેડૂતોની અન્ય મુખ્ય માગણીઓમાં વનજમીન, દેવસ્થાન ટ્રસ્ટની જમીન, ઇનામ જમીન અને ગૌચરની જમીન પર વર્ષોથી ખેતી કરતા લોકોને કાયદેસર માલિકી હક આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નમો શેતકરી મહાસન્માન નિધિ યોજનાના બાકી હપ્તાઓ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરાવવા પણ માગ કરવામાં આવી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે ખેડૂતોને માત્ર જાહેરાતોથી રાહત નહીં મળે, પરંતુ તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય તેવા નક્કર નિર્ણયો જરૂરી છે.

આ માર્ચમાં મહિલાઓના પ્રશ્નોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ‘લાડકી બહિણ’ યોજનામાં ઈ-કેવાયસીની પ્રક્રિયાને કારણે લાભથી વંચિત રહેલી 81 લાખ મહિલાઓને ફરીથી યોજનામાં સામેલ કરવા અને તેમનું બાકી માનધન ચૂકવવાની માગણી કરવામાં આવી છે. સાથે જ પેસા ક્ષેત્રના કર્મચારીઓ, બાંધકામ કામદારો, આશા વર્કરો, આંગણવાડી કર્મચારીઓ અને પોષણ આહાર સાથે જોડાયેલા કામદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માગ પણ રજૂ કરવામાં આવી છે. આમ, આ આંદોલન માત્ર ખેડૂતો પૂરતું મર્યાદિત ન રહેતાં ગ્રામ્ય વિસ્તારોના વિવિધ વર્ગોના અધિકારો માટેનું વ્યાપક આંદોલન બન્યું છે.

અકોલેમાં 21થી 26 ઓક્ટોબર દરમિયાન વિવિધ માગણીઓ માટે સતત ધરણાં અને સત્યાગ્રહ કર્યા બાદ પણ રાજ્યસ્તરની માગણીઓ અંગે નક્કર નિર્ણય ન લેવાયો હોવાનો આંદોલનકારીઓનો આક્ષેપ છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આંદોલનને રોકવા માટે પોલીસ દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ખેડૂતો મુંબઈ તરફ કૂચ કરવા મક્કમ રહ્યા છે. હવે આ વાહન માર્ચ દ્વારા મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ બંગલા સુધી પહોંચીને સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરવાની યોજના છે. કિસાન સભાએ માગણીઓ અંગે લેખિત ખાતરી અને નક્કર કાર્યવાહી કરવાની માગણી કરી છે.