નાગપુર: મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઊભી થઈ હોવાની માહિતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી છે. તેમણે જણાવ્યું કે કેબિનેટની બેઠકમાં આ સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રધાનોને તેમના સંબંધિત જિલ્લાઓમાં પ્રાથમિક આકલન કરવા અને જરૂરી તૈયારીઓ શરૂ કરવાની સૂચના અપાઈ છે. વરસાદમાં આવેલા વિરામને કારણે ઊભા પાકને નુકસાન થયું હોવાની માહિતી પણ મુખ્ય પ્રધાને આપી હતી. સરકાર આગામી એક સપ્તાહમાં પ્રાથમિક સમીક્ષા પૂર્ણ કર્યા બાદ સત્તાવાર પાક સર્વે હાથ ધરી તાત્કાલિક સહાય પૂરી પાડશે.
ફડણવીસે જણાવ્યું હતું કે ખેડૂતો માટેની લોન માફીનું કામ પણ આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં ત્રણ યાદીઓ જાહેર કરવામાં આવી છે. બાકી રહેલી યાદીઓ ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખેડૂતોને જરૂરી તાત્કાલિક સહાય આપવા ઉપરાંત પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર અગાઉથી જ અલ નીનોને કારણે સંભવિત કટોકટીની તૈયારી કરી રહી હતી અને ઘાસચારાની અછતને પહોંચી વળવા ‘વૈરણ’ વિકાસ કાર્યક્રમ શરૂ કર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું.
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે ખેડૂતોને સાંજના સમયે વધારાનો વીજ પુરવઠો મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને વિવિધ વિસ્તારોમાં વધારાની વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરે શરદ પવારે મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરવાની અને અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની માંગ કરી હતી; તેમના જણાવ્યા મુજબ રાજ્યના 36માંથી 31 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.