મુંબઈ: યુટ્યુબરે તેની મારપીટ અને પ્રાઇવેટ પાર્ટસનો વીડિયો ઉતાર્યો હોવાની કરેલી ફરિયાદ બાદ અભિનેતા એજાઝ ખાન શુક્રવારે તેના એડવોકેટ સાથે મહારાષ્ટ્ર સાયબર સેલે સમક્ષ હાજર થયો હતો અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
એજાઝ ખાન તેના એડવોકેટ અલી કાશીફ ખાન દેશમુખ સાથે શુક્રવારે પોતાની બાજુ રજૂ કરવા અને નિવેદન નોંધાવવા માટે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (એડીજીપી) અને મહારાષ્ટ્ર સાયબર હૅડ યશસ્વી યાદવને મળ્યો હતો.
મહારાષ્ટ્ર સાયબર મુખ્યાલયની બહાર એડવોકેટ દેશમુખે અભિનેતાનો બચાવ કર્યો હતો અને દાવો કર્યો હતો કે મારા અસીલ વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે.
ફરિયાદ અનુસાર સપ્ટેમ્બરમાં જોગેશ્ર્વરી વિસ્તારમાં આવેલા મૉલમાં ફિલ્મના પ્રીમિયર દરમિયાન આ ઘટના બની હતી. યુટ્યુબર હર્ષવર્ધન બેનીવાલે દાવો કર્યો હતો કે કોઇ બાબતને લઇ વિવાદ થયા બાદ એજાઝ ખાન અને તેની સાથેના અજાણ્યા શખસોએ મારી મારપીટ કરી હતી, મારાં કપડાં ફાડી નાખ્યાં હતાં અને પ્રાઇવેટ પાર્ટસનો વીડિયો ઉતાર્યો હતો.
યુટ્યુબરની ફરિયાદને આધારે 29 સપ્ટેમ્બરે એજાઝ ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેને પૂછપરછ માટે સમન્સ પાઠવાયા હતા. (પીટીઆઇ)