Mon Nov 16 2026

Logo

મહારાષ્ટ્રમાં એગ્રીગેટર કંપનીઓ પર દેખરેખ માટે AI-આધારિત પ્લેટફોર્મ બનશે: દેવેન્દ્ર ફડણવીસ

2026-10-29 17:17:13
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્રમાં એગ્રીગેટર કંપનીઓ પર દેખરેખ માટે AI-આધારિત પ્લેટફોર્મ બનશે: દેવેન્દ્ર ફડણવીસ

Chat GPT Generated Image


મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરિવહન વિભાગને વાહનો, ડ્રાઇવરો, તેમના કામના કલાકો અને ટ્રિપ ફાળવણી સહિત એપ્લિકેશન-આધારિત પરિવહન સેવાઓનું નિરીક્ષણ કરવા માટે એઆઈ આધારિત એક અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવાનો નિર્દેશ આપ્યો હતો.

એગ્રીગેટર કંપનીઓ દ્વારા સંચાલિત વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે 'મહારાષ્ટ્ર એગ્રીગેટર રૂલ્સ, ૨૦૨૬'ની સમીક્ષા કરવા માટે તેમના અધિકૃત નિવાસસ્થાન 'વર્ષા' ખાતે યોજાયેલી બેઠકમાં, ફડણવીસે મુસાફરોની સુરક્ષા, ટ્રિપ ફાળવણીમાં પારદર્શિતા અને સ્વતંત્ર ટેક્સી ચાલકોના હિતોના રક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

એક સત્તાવાર નિવેદન મુજબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત પ્લેટફોર્મે એગ્રીગેટર કંપનીઓ દ્વારા સંચાલિત દરેક વાહન, પાર્કિંગના સ્થળો, ડ્રાઈવરની વિગતો, ડ્રાઈવિંગ લાયસન્સ, પોલીસ વેરિફિકેશન અને અન્ય જરૂરી દસ્તાવેજોના અદ્યતન ડિજિટલ રેકોર્ડ જાળવવા જોઈએ. 

"વિવિધ પાળીઓ દરમિયાન કયો ડ્રાઈવર કયું વાહન ચલાવે છે તેની નોંધ પણ રાખવી જોઈએ, જેથી કોઈ ઘટના બને તો સત્તાવાળાઓ તાત્કાલિક વિગતો મેળવી શકે. વાહનોના સંચાલન, ડ્રાઈવરોની પાળીઓ અને અન્ય મહત્વપૂર્ણ પાસાઓ પર દેખરેખ રાખવા માટે એઆઈ-આધારિત વિશ્લેષણનો ઉપયોગ થવો જોઈએ, જે સત્તાવાળાઓને નિયમોના ઉલ્લંઘનને શોધવામાં અને સમયસર પગલાં લેવામાં મદદરૂપ થશે," તેમ તેમણે જણાવ્યું હતું.

ફડણવીસે એપ-આધારિત પરિવહન પ્લેટફોર્મ્સ દ્વારા ઉપયોગમાં લેવાતા અલ્ગોરિધમ્સની તપાસ કરવાની પણ માંગ કરી, જેથી સ્વતંત્ર ટેક્સી ચાલકો અને મોટી કંપનીઓના કાફલા હેઠળ ચાલતા વાહનોને ટ્રિપ ફાળવણીમાં સમાન તકો મળે.

પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક, અધિક મુખ્ય સચિવ (પરિવહન) સંજય સેઠી અને પરિવહન કમિશનર રાજેશ નારવેકર સહિત અન્ય અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.