Thu Nov 19 2026

Logo

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકે અનેક લોકોને કચડ્યા! 12 જણના મોત, અનેક ઘાયલ...

2026-10-18 07:36:57
Author: Vimal Prajapati
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકે અનેક લોકોને કચડ્યા! 12 જણના મોત, અનેક ઘાયલ...

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ભયંકર અકસ્માત થયો છે. અહીં બેકાબૂ બનેલી એક ટ્રક શીતલા માતા મંદિર નજીક ભક્તોના ટોળામાં ઘૂસી ગયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. આ ટ્રકે પોલીસ ચેકપોઈન્ટ તોડી નાખ્યું અને મંદિરના દરવાજા તથા એક દીવાલને પણ નુકસાન પહોંચાડ્યું છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

શ્રદ્ધાળુઓ શીતલા માતા મંદિર તરફ જઈ રહ્યા હતા

આ મામલે વાત કરતા ગ્વાલિયરના એસએસપી ધર્મવીર સિંહે જણાવ્યું કે, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શીતલા માતા મંદિર તરફ જઈ રહ્યા હતા. ચિનોર તરફથી આવતા રસ્તા પર એક ઢાળ છે, જ્યાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે. રાત્રે લગભગ 1.30 વાગ્યે એક ટ્રક ત્યાં આવીને ઊભો રહ્યો. આ ટ્રકે પોલીસના બેરિકેડ તોડી નાખ્યા અને અચાનક બેકાબૂ થઈને ઢાળ પરથી નીચે ગબડ્યો, ત્યારબાદ તે મંદિરની બહારની દીવાલ અને દરવાજા સાથે અથડાયો. રસ્તા પર હાજર શ્રદ્ધાળુઓ આ વાહનની અડફેટે આવી ગયા હતાં. જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો.

ઘટનાસ્થળે તૈનાત બે પોલીસકર્મીઓ પણ ઘાયલ

આ ઘટનામાં 12 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને પાંચથી છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકને ફ્રેક્ચરની ઈજાઓ થઈ છે, જ્યારે અન્યને સામાન્ય ઈજાઓ પહોંચી છે; હાલમાં તમામ લોકો સારવાર હેઠળ છે. આ સાથે ઘટનાસ્થળે તૈનાત બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે અને હાલમાં તેઓ સારવાર હેઠળ છે. કુલ મળીને 39 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખેસડવામાં આવ્યાં છે. જેમાંથી છ દર્દીઓની હાલત વધારે ગંભીર છે. જ્યારે બીજા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. 

અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગચો હતો. પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં છે, જ્યારે મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. આ ઘટના કઈ રીતે સર્જાઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.