Mon Nov 16 2026

Logo

લગ્નના 27 વર્ષ પછી ડૉ. નેનેએ માધુરી દીક્ષિત વિશે કર્યું એવું મોટું નિવેદન, ફેન્સ પણ ચોંકી ગયા!

2026-10-17 22:00:46
Author: Mumbai Samachar Team
લગ્નના 27 વર્ષ પછી ડૉ. નેનેએ માધુરી દીક્ષિત વિશે કર્યું એવું મોટું નિવેદન, ફેન્સ પણ ચોંકી ગયા!

મુંબઈ: બોલિવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત અને તેમના પતિ ડૉ. શ્રીરામ નેનેના લગ્નજીવનને 27 વર્ષ પૂર્ણ થયાં છે. આ ખાસ પ્રસંગે ડૉ. શ્રીરામ નેનેએ સોશિયલ મીડિયા પર તેમના લગ્નની કેટલીક અનદેખી ઝલક ધરાવતો વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે પત્ની માધુરી માટે પ્રેમભર્યો સંદેશ પણ લખ્યો છે. આ કપલ આજે પણ પોતાના પ્રેમ અને મજબૂત સંબંધને કારણે ચાહકોમાં લોકપ્રિય છે.

ડૉ. શ્રીરામ નેનેએ પોતાની પોસ્ટમાં લખ્યું કે એકબીજાને લગ્ન માટે હા કહ્યાના બે દિવસ બાદ તેમણે પરિવાર સાથે પ્રેમ, પરંપરાઓ, આશીર્વાદ અને હિન્દુ રીતિ-રિવાજોના પવિત્ર મંત્રો વચ્ચે લગ્નની ઉજવણી કરી હતી. 17 ઑક્ટોબર, 1999ના રોજ બંનેએ જીવનના દરેક સુખ, મુશ્કેલી અને નવા રોમાંચક પડાવમાં એકબીજાનો સાથ નિભાવવાનું વચન આપ્યું હતું. લગ્નના 27 વર્ષ બાદ પણ એ વચન તેમના સંબંધનો મજબૂત આધાર છે.

પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં શ્રીરામ નેનેએ લખ્યું કે લગ્નના સાત ફેરાએ તેમને એવી સુંદર સફર સુધી પહોંચાડ્યા છે, જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી નહોતી. બે પ્રેમમાં ડૂબેલા વ્યક્તિઓથી શરૂ થયેલી આ સફર આજે સુંદર પરિવાર અને સાથે મળીને જોયેલાં જીવનભરનાં સપનાંઓ સુધી પહોંચી છે. જીવનમાં અનેક યાદો, પડકારો, હાસ્ય અને પ્રેમની પળો આવી, પરંતુ આ બધાએ તેમના સંબંધને વધુ ખાસ બનાવ્યો છે.

માધુરી માટેના પ્રેમનો ઉલ્લેખ કરતાં ડૉ. નેનેએ તેને પોતાની સૌથી પ્રિય વ્યક્તિ, સૌથી સારી મિત્ર અને જીવનનું સૌથી સુંદર સાહસ ગણાવી હતી. તેની આ પોસ્ટમાં લગ્નની યાદો સાથે કપલના જીવનની સુંદર પળો પણ જોવા મળી હતી. તસવીરો અને વીડિયોમાં લગ્નની વિધિઓ તથા પરિવાર સાથેની ઉજવણીની ઝલક જોવા મળતાં ચાહકોને પણ આ ખાસ પ્રસંગની યાદોમાં ડોકિયું કરવાની તક મળી હતી.

માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેની લવ સ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બંનેની પહેલી મુલાકાત અમેરિકાના લોસ એન્જેલસમાં એક પાર્ટી દરમિયાન થઈ હતી. તે સમયે શ્રીરામ નેનેને માધુરી બોલિવૂડની કેટલી મોટી સ્ટાર છે તેની ખાસ જાણકારી નહોતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

લગ્ન બાદ માધુરી અમેરિકામાં સ્થાયી થઈ હતી અને ફિલ્મોથી થોડો સમય દૂર રહી હતી. આ દંપતીને બે પુત્રો છે. વર્ષો બાદ તેઓ ભારત પરત ફર્યાં અને માધુરીએ ફરીથી ફિલ્મો, ટેલિવિઝન તથા અન્ય મનોરંજન પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કર્યું. હાલમાં તેઓ મરાઠી રિયાલિટી શો ‘કોણ હોણાર કરોડપતિ’નું સંચાલન કરી રહી છે. તેની વેબ સિરીઝ ‘મિસિસ દેશપાંડે’ પણ તાજેતરમાં ચર્ચામાં રહી હતી.