Wed Nov 11 2026

Logo

રાજસ્થાન ભાજપના અધ્યક્ષ વિવાદમાં સપડાયા! પાકિસ્તાન અંગેના નિવેદન પર ‘કોંગ્રેસ’ અને ‘આપ’ના પ્રહારો

2026-10-16 10:28:00
Author: Vimal Prajapati
રાજસ્થાન ભાજપના અધ્યક્ષ વિવાદમાં સપડાયા! પાકિસ્તાન અંગેના નિવેદન પર ‘કોંગ્રેસ’ અને ‘આપ’ના પ્રહારો

જયપુરઃ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડના એક નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. પાકિસ્તાન અંગે આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)એ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. જોકે, વિવાદ વધ્યા બાદ મદન રાઠોડે પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા પણ આપી છે. પરંતુ પાકિસ્તાન મામલે આપેલા નિવેદનના કારણે અત્યારે વિપક્ષે ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.

મદન રાઠોડે એક કાર્યક્રમ દરમિયાન ભારત અને પાકિસ્તાન તેમજ અન્ય દેશોના સંબંધોને લઈને નિવેદન આપ્યું હતું. આ નિવેદન સામે આવતા જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. તેમણે કહ્યું કે, ‘જો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય યુદ્ધ થશે તો ભારત પાકિસ્તાનને સાથ આપશે કારણ કે તે આપણો પાડોશી દેશ છે. તેમણે એમ પણ કહ્યું, ‘પરંતુ જ્યારે અમારી વચ્ચે કોઈપણ મુદ્દાની વાત આવે છે, ત્યારે અમે અમારા ભારત સાથે ઉભા છીએ. તે નથી? આ આપણે સમજવાની જરૂર છે’.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે ભાજપના રાષ્ટ્રવાદ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આતંકવાદી દેશ પાકિસ્તાન માટે ભાજપનો પ્રેમ ફરી એકવાર સામે આવી ગયો છે. શું વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ પાકિસ્તાનની સાથે છે?’ આ ઉપરાંત કોંગ્રેસ નેતા સંદીપ ગુપ્તાએ પણ સોશિયલ મીડિયા પર નિશાન સાધીને ભાજપ પર પાકિસ્તાન પ્રત્યે નરમાઈ દાખવવાનો આરોપ લગાવ્યો હતો. 

આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર કટાક્ષ કર્યો છે. 'આપ' નેતાઓએ વીડિયો શેર કરીને સવાલ કર્યો કે, ‘જો જનતા સવાલ પૂછે તો પાકિસ્તાની અને યુવાનો અવાજ ઉઠાવે તો આતંકવાદી? પરંતુ ભાજપના નેતા પાકિસ્તાન સાથે ઉભા રહેવાની વાત કરે ત્યારે મોદીજીનો રાષ્ટ્રવાદ ક્યાં જાય છે?’.

વાયરલ વીડિયો અંગે મદન રાઠોડની સ્પષ્ટતા

દરેક જગ્યાએ ટીકાઓનો સામનો કર્યા બાદ રાજસ્થાન ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મદન રાઠોડનો એક સ્પષ્ટતા કરતો વીડિયો જારી કરવામાં આવ્યો છે. જેમાં મદન રાઠોડે જણાવ્યું કે, ‘મારા નિવેદનને ખોટી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. મેં આ વાત હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચના સંદર્ભમાં કહી હતી." તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ એક મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા, જ્યાં મેચ દરમિયાન ફટાકડા ફોડવાના વિષય પર વાત થઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના મામલે અમારો એજન્ડા એકદમ સ્પષ્ટ છે અને રાષ્ટ્રહિત સર્વોપરી છે.