Thu Sep 10 2026

Logo

વડોદરામાં લક્ઝરી બસ-ટ્રક અકસ્માત:  6ના કમકમાટીભર્યા મોત, 25થી વધુ ઘાયલ

2026-06-17 09:00:45
Author: Mayur Patel
વડોદરામાં લક્ઝરી બસ-ટ્રક અકસ્માત:  6ના કમકમાટીભર્યા મોત, 25થી વધુ ઘાયલ

વડોદરાઃ શહેરના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 6નાં મોત થયા હતા, જ્યારે 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.  મૃતકમાં એક 9 વર્ષનું બાળક પણ છે. બસના ચાલકે આગળ જઈ રહેલી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

ક્યાં જતી હતી બસ

મળતી વિગત પ્રમાણે, રાજસ્થાનના બાસવાડાથી બસ સુરત જતી હતી. બસ વડોદરાના કોટંબી સ્ટેડિયમ પાસેથી પસાર થતી હતી ત્યારે બસના ચાલકે આગળ ઉભેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતના કારણે 6 લોકોનાં  જ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. ટ્રકમાં પશુ દાણ ભરેલો હતો. અકસ્માતમાં લક્ઝરી બસના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માતના કારણે હાલોલથી આવતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થથતાં જ ફાયરબ્રિગેડ સહિત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્થળ પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

વડોદરાના ડેપ્યુટી મેયરે શું કહ્યું

ઘટના અંગે વડોદરાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે જણાવ્યું કે, આજે સવારે 3.30 થી 4.30 વચ્ચે રાજસ્થાનથી સુરત જતી બસ કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ખૂબ જ ગંભીર અકસ્માત છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને સારવારના સંદર્ભે જરૂરી સારવાર મળી શકે તે માટે ગાડીઓ પણ પહોંચી છે. જે દર્દીઓને સ્થળ પર પ્રાથિક સારવાર આપી શકાય તેમને ત્યાં જ અપાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓ અને મૃતકોને એસએસજી હૉસ્પિટલ ખાતે લવાયા છે. તેમજ હેલ્પ ડેસ્ક શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

એનડીઆરએફના અધિકારીએ શું કહ્યું

રેસ્ક્યૂ અંગે એનડીઆરએફના કમાન્ડન્ટ સુરેન્દ્રસિંઘે જણાવ્યું કે, 4.40 આસપાસ કંટ્રોલ રૂમમાં અકસ્માતની માહિતી મળી હતી. અમે પહોંચીને તરત જ કામગીરી શરૂ કરી હતી. વિવિધ સાધનોની મદદથી અમે 5 ડેડબોડી બહાર કાઢી હતી. તેમજ 25થી વધુ લોકોને બહાર કાઢ્યા હતા.