લખનઉ: લખનઉના બિઝનેસમેન શિવ શર્માના રહસ્યમત કેસમાં શકમંદ શિવની લિવ-ઈન પાર્ટનર શ્રધ્ધા દુબે હત્યા પછી નેપાળ ભાગી ગઈ હતી પણ હવે ભારત પાછી ફરીને કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી બતાવી છે. ઉત્તર પ્રદેશ પોલીસ શ્રદ્ધા દુબેને પકડવા હવાતિયાં મારી રહી છે પણ શ્રદ્ધા દુબે પોલીસને હાથ લાગી નથી. પોલીસે શ્રદ્ધા દુબેની શિવની હત્યામાં સંડોવણીના આક્ષેપોના પગલે તેને ઝડપવા જાળ બિછાવી છે પણ શ્રદ્ધા દુબે સિફતપૂર્વક છટકી જાય છે.
મોડલ અને બ્યુટી પાર્લર ચલાવતી શ્રદ્ધા દુબેએ પોતાના પ્રેમી શિવની હત્યા કરી હોવાના આક્ષેપોના પગલે પોલીસે 10 સ્પેશિયલ ટીમ બનાવી છે કે જે શ્રદ્ધા દૂબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઈવર દાનિશ સહિતના આરોપીઓને શોધવા માટે મથી રહી છે. ફરાર આ તમામ મુખ્ય આરોપીઓ પર 50-50 હજાર રુપિયાના ઈનામની જાહેરાત કરાઈ છે અને કોર્ટ તરફથી બિન જામીનપાત્ર વોરન્ટ પણ ઈશ્યૂ કરવામાં આવ્યું છે.
શિવની માએ લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા દૂબે અને અન્ય લોકો વિરુદ્ધ દીકરાની હત્યા કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જો કે પોલીસને હાથતાળી આપીને હમણાં શ્રદ્ધા દુબેએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું તેમાં પોતે નિર્દોષ હોવાનું વાજું વગાડ્યું હતું. તેણે દાવો કર્યો છે કે, શિવની હત્યા પોતે કરી નથી પણ વધારે પડતા દેવાના તણાવને કારણે શિવે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
શ્રદ્ધા દુબેએ પોલીસને વિનંતી કરી છે કે તેઓ બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજની તપાસ કરે તો હકીકત બહાર આવશે. બહરાઈચના રસ્તે નેપાળ ભાગી ગયેલી શ્રદ્ધા દૂબે મહારાજગંજના રસ્તે ભારતમાં પાછી ફરી પછી લખનઉની કોર્ટમાં પોતે આત્મસમર્પણ કરવા તૈયાર હોવાની અરજી આપી છે.
બીજી તરફ શ્રદ્ધા દુબે સહારનપુર કોર્ટમાં આત્મસમર્પણ કરે એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે. લખનઉના બાલૂ અડ્ડા ચોક નજીક આવેલા પોશ વિસ્તાર અવધ ગ્રીન અપાર્ટમેન્ટના ચોથા માળેથી શંકાસ્પદ પરિસ્થિતિમાં નીચે પડેલા કેફે સંચાલક શિવ શર્માનું 9 ઓક્ટોબરના રોજ મોત થઈ ગયું હતું. પોલીસનું કહેવું છે કે, તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા દૂબેએ હત્યા કરી હતી. હત્યા પછી શ્રદ્ધા દૂબે બહરાઈચથી રુપઈડીહા બોર્ડરના માર્ગે નેપાળ ભાગી ગઈ હતી. નેપાળમાં પોલીસથી બચવા માટે શ્રદ્ધા દૂબે બુરખો પહેરી ભૈરહવાની એક હોટલમાં રોકાઈ હતી.
દરમિયાનમાં પોલીસની તવાઈ વધતાં મહારાજગંજ જિલ્લાના સોનૌલી બોર્ડરથી ભગવાનપુર બોર્ડરના રસ્તે ચુપચાપ ઉત્તર પ્રદેશમાં પાછી આવી ગઈ. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ મહારાજગંજની બજારોમાં લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા તેમાં શ્રદ્ધા દૂબે દેખાતાં એક દુકાનના ફુટેજ પણ પોલીસ સાથે લઈ ગઈ. શરુઆતની તપાસ પ્રમાણે, શ્રદ્ધાએ નેપાળમાં એક નવો મોબાઈલ નંબર લઈ લીધો હતો અને નવા નંબરથી પોતાના મદદગારોના સંપર્કમાં રહેતી હતી.