Tue Oct 06 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ ગમે તેટલી વાર જાઓ, એક નવો જ ચહેરો બતાવતું લુસર્ન...

2026-09-12 09:56:00
Author: Pratiksha Thanki
અરાઉન્ડ ધ વર્લ્ડઃ ગમે તેટલી વાર જાઓ, એક નવો જ ચહેરો બતાવતું લુસર્ન...

પ્રતીક્ષા થાનકી

એનઆરઆઇનો દેશપ્રેમ તો આપણે ત્યાં મજાથી ચર્ચાય છે. તેમાં પણ અમેરિકામાં વસેલી ફર્સ્ટ જનરેશન ઇન્ડિયન કૉમ્યુનિટીની ઇમેજ પર જ મોટાભાગના બાકીના એનઆરઆઇને જજ કરવામાં આવે છે. એમાં વળી આજ કાલ બહાર વસેલા કે ફરવા ગયેલા ભારતીયો કોઈ ને કોઈ કારણસર ભારતમાં કે બહાર વિયેનામાં રસ્તા વચ્ચે ગરબા ગાવા માટે અને એફિલ ટાવર પરથી સ્ત્રીઓને દૂર રાખવાની વાતો માટે ચર્ચાએ ચઢ્યા કરે છે. 

દુનિયાભરમાં આજકાલ પોતાના કરતાં અલગ કલ્ચરલની સ્વીકૃતિ જરા અઘરી બની ગઈ હોય તેવું લાગે છે. ટ્રાવેલ કરો તો પણ અને ન કરો તો પણ કોઈ ને કોઈ જજમેન્ટના ભોગ તો બનવાનું જ હોય છે. 

એવામાં મન કરે ત્યાં નીકળી જવાનો મેળ પડતો હોય તો તે તક કોઈ જજમેન્ટની ચિંતા વિના ઝડપી લેવી, એવું અલગ અલગ રીતે ઇન્સ્ટા રીલ્સ પર અને યુટ્યૂબ શોર્ટ્સ પર જોવા મળ્યા કરે છે. જે પણ ચર્ચા કરતા હો, કે સર્ચ કરી હોય, તેની અસર અલગોરિધમ પર પણ દેખાવા લાગે છે. 

ખરેખર ઇન્ટરનેટ પર કોઈ એડ જોઈને ઇચ્છાઓ થતી હતી કે એટલે એડ્સ આવતી હતી તે પણ સમજાતું નહોતું. એવામાં ગઈ ઓટમમાં સ્વિસ ડેસ્ટિનેશન્સની જાહેરાતો સોશ્યલ મીડિયા પર દેખાવા લાગી હતી. દિવાળી પાર્ટી દિવાળીના દિવસે થઈ ચૂકી હતી. મમ્મી અને પપ્પા સાથે હતાં. ચારેય ઘરે બેસીને ગુજરાતી નવું વર્ષ ફોન પર વિતાવવાના બદલે લાંબું વીકેન્ડ પ્લાન કરીને ગાડીમાં સામાન ભરીને અમે લુસર્ન તરફ નીકળી પડ્યાં. 

સેન્ડવિચ બ્રેક અને કોફી હોલ્ટ સાથે સાડા ત્રણ કલાકમાં લુસર્નનું પાર્કિંગ આવી ગયું. આ પહેલાં ઓફિસના કામથી અને ફરવા માટે લુસર્ન ઘણી વાર જવાનું થયું છે. અમાં મૂળ ટારગેટ તો ઝેરમાટ તરફ જવાનું હતું અને પેરેન્ટ્સ સાથે ઇન્ટરલાકેનમાં યશ ચોપડાના સ્ટેચ્યૂ પાસે ફિલ્મી મજા કરવાનું પણ હતું જ, પણ પહેલો ફુલ બ્રેક લુસર્નમાં બે-ત્રણ કલાક વિતાવી, ત્યાંની વાઈબ એન્જોય કરવાનો હતો. લુસર્નમાં રોકાઈને પિલાયુસ જવાનો કોઈ મતલબ ન હતો, ઝેરમાટ પણ દેખાશે કે નહીં તેની કોઈ ખાતરી ન હતી, પણ સિઝન ગમે તે હોય, સ્વિત્ઝરલેન્ડના પહાડો અને કડક હવામાં જાણે પ્લાનને ઉત્સાહની પાછળ ફરવું પડતું હતું. 

લુસર્નની લાલ જીરેનિયમ ફૂલોથી લદાયેલી ખ્યાતનામ બાલ્કની જોયા વિના તો ત્યાંથી પાછું નીકળાય જ નહીં. અમે તે બાલ્કની તરફ ચાલવાનું શરૂ કર્યું અને રસ્તામાં માત્ર નાનકડી ગલીઓ અને બીજા બ્રિજ વટાવતાં શેકેલાં ચેસ્ટનટ્સના ઠેલાના હળવા ધુમાડા વચ્ચે તે સમયે કોઈ ટૂરિસ્ટ સિઝન ન હોવાં છતાંય ગામ ટૂરિસ્ટથી ભરેલું હતું. 

ઘણાં સ્થળોએ લોકો ગરમાગરમ ફોન્ડ્યુ દબાવવા બેઠાં હતાં. આસપાસમાં માઉન્ટ પિલાટુસ જ નહીં માઉન્ટ રિગિ પણ છે, અને પિલાટુસ તો શહેરમાં ઘણા ખૂણેથી દેખાય પણ છે. બાકી ઘણી ખ્યાતનામ સ્વિસ પહાડની ટોચ જોવા માટે હાઇક કરીને ખાસ જગ્યાઓએ જવું પડે, પણ રેલવે સ્ટેશન હોય કે સિટી સેન્ટર, પિલાટુસ બિલકુલ સ્ટ્રગલ કર્યા વિના લોકોને પોતાના વ્યૂની મજા કરાવી દેતો હતો. 

ચેપલ બ્રિજની બહાર ફોટા પડાવવા માટે લાઈન હતી. અંદરથી પસાર થવામાં પણ શાંતિથી લોકોની ભીડ વચ્ચેથી જ નીકળવું પડતું હતું અને લોકો ખાસ આ બ્રિજ માટે જ લુસર્ન આવતાં હોય તો પણ નવાઈ નહીં. છેક 1300ની સાલથી આ લાકડાનો કવર્ડ બ્રિજ અહીં હાજર છે. તે આ પ્રકારનો યુરોપનો સૌથી જૂનો બ્રિજ તો છે જ, અમે તો ત્યાં આ બ્રિજને કેટલી બોલિવૂડ ફિલ્મોમાં જોયો છે તે યાદ કરવાનો પણ આનંદ લઈ લીધો હતો. ભારતનાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ જો ઓલરેડી સ્વિત્ઝરલેન્ડ ન જઈ શક્યાં હોય તો આ દેશ તેમના લિસ્ટ પર તો હોવાનો જ. વળી લુસર્નનાં કોમર્શિયલ બિલ્ડિગ્સ એક્સપેન્સિવ વોચ કંપનીઓનાં ડિસ્પ્લેથી ભરેલાં હતાં. 

શહેરનો પેનોરમા જોવા માટે ત્યાંના 9માંથી એક ટાવર પર તો ચઢી જ આવવું. આ એવું ગામ છે જ્યાં અડધો દિવસ હોય તો પણ મજા થઈ શકે અને એક મહિનો હોય તો પણ. ખં જોવા જાઓ તો દરેક ગામમાં એ શક્ય છે, બસ તમને પ્રાયોરિટાઇઝ કરતાં આવડવું જોઈએ. એમાંય સ્વિત્ઝરલેન્ડમાં કોણ જાણે કેમ ગામનું સેન્ટર અને મધ્યયુગીન કિલ્લાઓ ભલે હોય, સૌથી વધુ મજા તો રોડ સાઇડ પર કોઈ નદી કિનારે પહાડોની આઉટલાઈન જોવામાં જ આવતી હોય છે. 

ધીમે ધીમે સાઇટ્સનું લિસ્ટ જાણે અમારા પ્રવાસમાંથી ગાયબ થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. ઘણાં સ્થળોએ ફરી ફરીને જવા મળે છે અને ફોકસ હંમેશાં ત્યાંથી કયો નવો અનુભવ મેળવી શકાય તેમ છે એ વાત પર રહે છે. લુસર્નમાં આ પહેલાં અમે રિવર ક્રૂઝ લઈ ચૂક્યાં હતાં. ફૂડ ટૂર પણ કરી હતી. આ વખતે વોકિગ ટૂરનો મૂડ હતો. અને જોતજોતામાં એક ગાઇડેડ ટૂર સાથે સિટી સેન્ટર જાણે અમારા માટે વધુ જીવંત બની ગયું હતું. 

આ વખતે અમે ખાસ ગ્લેસિયર ગાર્ડન જવાનાં હતાં. બ્રિજથી બીજી 15 મિનિટની લટાર અમને આ આ જિયોલોજિકલ પાર્કમાં લઈ આવી. અહીં છેક 20,000 વર્ષ પહેલાંનાં આઇસ-એજ દરમ્યાન પડેલા ડીપ ખાડા જોઈને  અચાનક જ માનવજાતના અસ્તિત્વને લગતા પ્રશ્નો થવા લાગ્યા. આ રોક ગાર્ડનમાં 1820માં એક સ્થાનિક આર્ટિસ્ટે સિંહનું અત્યંત કણ સ્કલ્પચર બનાવ્યું હતું. સ્વિત્ઝરલેન્ડના ઘણા ચહેરા છે, તેમાંનો એક થાકેલો પથ્થરનો સિંહ પણ છે.  લુર્સનમાં ચાલતાં ચાલતાં સાંજ ક્યાં પડી ગઈ ખબર જ ન પડી. એક નવા સ્વિસ એડવેન્ચરની શરૂઆત થઈ ચૂકી હતી.