મુંબઈ: ગુજરાતી સહિત દેશની અનેક ભાષાના ગીતોને સ્વર આપનાર સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેએ આજે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. ગઇકાલે તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 40ના દાયકાથી પોતાની ગાયકીથી કરોડો દિલો પર રાજ કરનાર આશાતાઈની વિદાયથી સંગીત જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી ગઈ છે.
8 સપ્ટેમ્બર 1933ના મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા આશા ભોસલે પંડિત દીનાનાથ મંગેશકરની ત્રીજી પુત્રી અને 'સ્વર કોકિલા' લતા મંગેશકરના નાના બહેન હતા. તેમણે માત્ર 10 વર્ષની ઉંમરે પોતાની બહેન સાથે મરાઠી ગીત 'ચલા ચલા નવ બાલ' દ્વારા સંગીતની સફર શરૂ કરી હતી. જોકે, તેમને ખરી ઓળખ 16 વર્ષની ઉંમરે ફિલ્મ 'રાત કી રાની'ના 'સોલો ગીત'થી મળી હતી. શરૂઆતના ગાળામાં તેમની સરખામણી લતા દીદી સાથે થતી હતી, પરંતુ આશાજીએ પોતાની મહેનત અને સૂઝબૂઝથી ગાયકીની એક અલગ અને વર્સેટાઈલ શૈલી વિકસાવીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું.
આશા ભોસલેના નામે અનેક વિશ્વ વિક્રમો પણ નોંધાયેલા છે. વર્ષ 2011માં સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ માટે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. તેમણે 20થી વધુ ભારતીય ભાષામાં 11,000થી વધુ ગીતો ગાઈને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. આ ઉપરાંત, તેઓ 2005માં પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થનારા પ્રથમ ભારતીય મહિલા ગાયિકા બન્યા હતા. ક્લાસિકલથી લઈને કેબરે અને ગઝલથી લઈને કવ્વાલી સુધીની તમામ શૈલીમાં પારંગત આશાજીએ પોતાની ગાયકીમાં પશ્ચિમી પ્રભાવ લાવીને સંગીતને એક નવો વળાંક આપ્યો હતો.
પોતાની લાંબી કારકિર્દીમાં આશા ભોસલેએ ઘણા યાદગાર ગીતો આપ્યા, પરંતુ 'દમ મારો દમ' અને 'પિયા તુ અબ તો આજા' જેવા બોલ્ડ ગીતોને કારણે તેઓ વિવાદોમાં પણ રહ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે આર.ડી. બર્મન જ્યારે તેમને આવા ગીતો આપતા ત્યારે તેઓ નારાજગી પણ વ્યક્ત કરતા હતા. તેમ છતાં, ગમે તેવા મુશ્કેલ ગીતને જીવંત કરવાની તેમની ક્ષમતા અજોડ હતી. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની મધુર અવાજ અને હજારો ગીતો સંગીત ચાહકોમાં હંમેશા અમર રહેશે.