લાતુર: લાતુર જિલ્લાની વિશેષ કોર્ટે ગયા વર્ષે મોબાઇલ બતાવવાને બહાને આઠ વર્ષની બાળકીને પોતાના ઘરે બોલાવ્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને ગુરુવારે 20 વર્ષની સખત કેદ ફટકારી હતી.
સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એસ. એ. સૈયદે આરોપી ચુંબલ્યા ઉર્ફે રિતેશ રાજનંદ કસબે (21)ને ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ દોષી ઠેરવ્યો હતો. કોર્ટે આરોપીને પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
તપાસકર્તા પક્ષના જણાવ્યા અનુસાર 9 ફેબ્રુઆરી, 2025ના રોજ આ ઘટના બની હતી, જ્યારે ચાકુર તહેસીલમાં આઠ વર્ષની બાળકી પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહી હતી. એ સમયે આરોપીએ બાળકીને મોબાઇલ બતાવવાને બહાને પોતાના ઘરમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ઘટના બાદ બાળકીની માતાએ ચાકુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ તત્કાલીન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પંકજ નિલકાંતેના માર્ગદર્શન હેઠળ કરાઇ હતી અને ફોરેન્સિક પુરાવા તથા સાક્ષીદારોની જુબાનીને આધારે આરોપી વિરુદ્ધ કોર્ટમાં આરોપનામું દાખલ કરાયું હતું.
(પીટીઆઇ)