Mon Nov 16 2026

Logo

આજે આટલું જ: છેલ્લી પેન...

2026-10-18 08:05:00
Author: Shobhit Desai
આજે આટલું જ: છેલ્લી પેન...

 

- શોભિત દેસાઈ

અમારા પરમ મિત્ર, વડીલ, સ્નેહી, ભાષાસંવર્ધક સુચિબેન વ્યાસે આજે એમને પ્રાપ્ત એક એવી સુંદર હકિકત-દાસ્તાન મોકલી છે કે મને વાંચીને થયું આજે મારી વાત કરવા કરતાં એમને મળેલી વાત જ તમારી સાથે થવા દઉં. માતાજીના દિવસોમાં વ્યગ્રતા શેં સહન કરાય ! મન ટાઢું પાડવું જ રહ્યું... બરાબર ?!

મદુરાઈ, મીનાક્ષી મંદિરનું પ્રવેશદ્વાર.

વ્યક્તિ : પેરિયાસામી.

ઉંમર 60 વર્ષ. દરરોજ સવારે 6 વાગ્યે તે મંદિરના પ્રવેશદ્વાર પર બેસતા. તેમની સામે એક નાનકડું કપડું પાથરેલું હોય, જેના પર પેન, પેન્સિલ, રબર અને કંપાસ બોક્સ જેવી વસ્તુઓ ગોઠવેલી હોય. એક ફૂટપાથ પરની દુકાન. પણ ખાસ કોઈ ધંધો નહીં.

પેરિયાસામીનો એક નિયમ હતો. જ્યારે પણ કોઈ બાળક પેન માગવા આવે, ત્યારે તે પહેલા પૂછતા :

‘બેટા... શું પરીક્ષા આપવા જાય છે?’

‘હા દાદા. આજે ગણિતનું પેપર છે. હું પેન ભૂલી ગયો છું.’

તરત જ પેરિયાસામી એક સારી પેન પસંદ કરીને તેને આપતા.

‘આ લે. આ લકી પેન છે. જા, 100 માંથી 100 માર્ક લાવજે.’

‘કેટલા રૂપિયા થયા દાદા?’

‘પૈસા પછી. પહેલા પરીક્ષા આપી આવ. પછી આવીને તારા માર્ક કહેજે, ત્યારે પૈસા ચૂકવજે.’

બાળકો હસીને દોડી જતાં. તેઓ ક્યારેય પાછાં ન આવતાં, અને પેરિયાસામીએ ક્યારેય કોઈને પૂછ્યું પણ નહીં.

તેમની પત્ની થંગમ તેમને વઢતી :

‘તમે શું ગાંડા થઈ ગયા છો? એક પેન દસ રૂપિયાની આવે. જો તમે આવી રીતે મફત આપશો, તો આપણે શું ખાઈશું? ઘરનું ભાડું કોણ ભરશે?’

પેરિયાસામીની એક જૂની ડાયરી પ્રમાણે નોંધ હતી:

12.03.2010 - રમેશ - ગણિતની પરીક્ષા - પેન - બાકી

05.06.2011 - સુમતી - હિન્દીની પરીક્ષા - પેન - બાકી

18.09.2013 - મુરુગન - 10માંની બોર્ડ પરીક્ષા - પેન - બાકી

આખી ડાયરી આવી ‘બાકી’ વિગતોથી ભરેલી હતી. ગણતરી કરી તો લગભગ 3,000 પેન. ત્રીસ હજાર રૂપિયા. વાંચીને વ્યથિત થંગમને એટલું જ કહેતા :

‘જો થંગમ, આ દેવું નથી, આ મારું ‘રોકાણ’ છે. એક દિવસ તે જરૂર પાછું આવશે.’

થંગમ નિસાસો નાખતી: ‘તમારું આ રોકાણ ધૂળમાં મળી જશે. તમે હવે ઘરડા થયા છો, હવે કોણ પાછું આવવાનું છે?’

વીસ વર્ષ વીતી ગયાં. પેરિયાસામી હવે 80 વર્ષના થયા હતા. આંખે ઝાંખપ આવી ગઈ હતી અને સાંભળવાનું પણ ઓછું થઈ ગયું હતું. છતાં, આજે પણ તે જ મંદિરના દરવાજે, તે જ કપડું પાથરીને બેસતા. પણ હવે બાળકો જેલ પેન અને ઓનલાઇન વસ્તુઓ વાપરતા, એટલે તેમનો ધંધો સાવ ઠપ હતો.

એક સવારે, મંદિરના દરવાજે એક મોટી ગાડી આવીને ઊભી રહી. લગભગ 35 વર્ષનો એક માણસ બહાર આવ્યો સૂટ-બૂટમાં સજ્જ, હાથમાં ફૂલોનો ગુલદસ્તો.

તે સીધો પેરિયાસામી પાસે ગયો અને તેમના ચરણ સ્પર્શ કર્યા.

‘દાદા... મને ઓળખ્યો?’

પેરિયાસામીએ આંખો ઝીણી કરીને જોવાનો પ્રયત્ન કર્યો. ‘બેટા... હું હવે ઘરડો થયો છું. મને બરાબર દેખાતું નથી.’

‘દાદા... 18 વર્ષ પહેલાં... 10માંની બોર્ડની પરીક્ષા હતી. ગણિતનું પેપર. તે સવારે હું રડતો રડતો આવ્યો હતો. મારી પેન તૂટી ગઈ હતી અને મારી પાસે પૈસા નહોતા. તમે મને એક પેન આપી હતી અને કહ્યું હતું કે, ‘આ લકી પેન છે, જા 100 માર્ક લાવજે.’ તમે પૈસા નહોતા લીધા.’

પેરિયાસામીને ઝાંખી યાદ આવી. ‘બેટા... તું...’

‘હું મુરુગન, દાદા. મેં એ પેનથી જ પરીક્ષા લખી અને 98 માર્ક લાવ્યો. હું પાસ થયો, કોલેજ ગયો અને આજે મારી પોતાની સોફ્ટવેર કંપની છે ‘પેન્ના ટેક્નોલોજીસ’. મારી જિંદગી તમારી એ પેનથી શરૂ થઈ હતી.’

થંગમ ઉંબરામાં ઊભી રહીને આ સાંભળતી હતી, તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા.

મુરુગને એક કવર કાઢ્યું. ‘દાદા... તે દિવસે મારે તમને 10 રૂપિયા આપવાના હતા. આજે હું વ્યાજ સાથે પાછા આપું છું.’

અંદર દસ લાખ રૂપિયાનો ચેક હતો.

પેરિયાસામીના હાથ ધ્રૂજવા લાગ્યા. ‘બેટા... મારે પૈસા નથી જોઈતા. તું સફળ થયો, એ જ ઘણું છે.’

‘ના દાદા. આ પૈસા નથી. આ તમારું રોકાણ છે જે નફા સાથે પાછું આવ્યું છે. હવે તમારે આ ફૂટપાથ પર બેસવાની જરૂર નથી. હું તમારા બંનેની જવાબદારી લઉં છું.’

બીજા દિવસે છાપામાં હેડલાઇન હતી: સોફ્ટવેર ઉદ્યોગપતિએ ફૂટપાથ પર બેસતા દાદાને 10 લાખની ગુરુદક્ષિણા આપી.

આ સમાચાર વાંચીને બીજા દિવસે બીજી ગાડી આવી. ‘દાદા, હું સુમતી. મેં તમારી પાસેથી હિન્દીની પરીક્ષા માટે પેન લીધી હતી. આજે હું હિન્દીની શિક્ષિકા છું.’

પછી રમેશ આવ્યો. ‘દાદા, હું આજે ઓડિટર છું. મારી જિંદગીની પહેલી બેલેન્સ શીટ તમારી પેનથી લખાઈ હતી.’

એક અઠવાડિયામાં તો મંદિરના દરવાજે જાણે લગ્નનો માહોલ જામ્યો. ડોક્ટરો, એન્જિનિયરો, કલેક્ટરો, પોલીસ ઓફિસર બધા લાઈનમાં આવ્યા, પેરિયાસામીના પગે લાગ્યા અને ફૂલો, ફળો અને કવર ભેટમાં આપ્યા.

થંગમે જૂની ડાયરી કાઢી. 3000 નોંધ હતી, 30,000 રૂપિયા બાકી હતા. પણ આજે જે પાછું આવ્યું હતું તેની કિંમત 3 કરોડથી પણ વધુ હતી.

પેરિયાસામી રડી પડ્યા અને બોલ્યા: ‘થંગમ... મેં તને કહ્યું હતું ને. આ દેવું નહોતું. આ તો બીજ હતાં. મેં એ વાવ્યા હતા અને આજે તે એક મોટું જંગલ બની ગયાં છે.’

આજે મીનાક્ષી મંદિરના પ્રવેશદ્વાર પર એક મોટી દુકાન છે: પેરિયાસામી પેન સ્ટોર. જેનું કોઈ ભાડું નથી, કારણ કે મુરુગને તે દુકાન ખરીદી લીધી છે.

દુકાનમાં એક બોર્ડ મારેલું છે :

અહીં પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ માટે પેન મફત છે. ફક્ત પાછા આવીને તમારા માર્ક કહેજો. પૈસા પછી આપજો.

તેની નીચે એક નાની લાઈન લખેલી છે :

દસ રૂપિયાની એક પેન જિંદગી બદલી શકે છે. વિશ્વાસ રાખજો.

અને તમને ખબર છે આજે એ દુકાન કોણ ચલાવે છે?

મુરુગન - પેલી સોફ્ટવેર કંપનીનો માલિક. અઠવાડિયામાં બે વાર તે પોતાનો સૂટ ઉતારીને દુકાનમાં બેસે છે અને બાળકોને પેન આપે છે :

‘બેટા... આ લકી પેન છે. જા, 100 માંથી 100 માર્ક લાવજે.’

તમે જે આપો છો તે માત્ર પેન નથી તે એક આશા છે. એક દિવસ એ આશા પાછી આવશે અને તમારાં ચરણોમાં નમશે. તે દિવસે તમને સમજાશે કે તમે ક્યારેય ગરીબ નહોતા. તમે ખરેખર ખૂબ જ અમીર હતા.

સદા શું યોગ્યતાઓ માગણીની માપતાં રહેવું? !
છે તારો ધર્મ કેવળ એટલો કે આપતાં રહેવું...

અસુરજલોકનો અંધારપટ ઉલેચવો કાયમ
અને તક્તી મુકાવાની હો ત્યારે લાપતા રહેવું
                                              - શોભિત દેસાઈ

આજે આટલું જ