મુંબઈના સૌથી લોકપ્રિય અને શ્રદ્ધાળુઓની આસ્થા સ્થાન એવા 'લાલબાગચા રાજા' (Lalbaugcha Raja)ની ભવ્ય અને ઐતિહાસિક વિસર્જન યાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અનંત ચતુર્દશીના પાવન પર્વે એટલે કે 25મી સપ્ટેમ્બર, 2026ના રોજ લાલબાગચા રાજાની શાહી વિસર્જન શોભાયાત્રા અત્યંત ધામધૂમપૂર્વક નીકળશે.
આ વિસર્જન યાત્રા માત્ર એક ધાર્મિક પ્રસ્થાન નથી, પરંતુ મુંબઈની અનોખી સંસ્કૃતિ, કોમી એકતા, મુંબઈ પોલીસ અને અગ્નિશામક દળ (Fire Brigade) ની સલામી તેમજ લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધાનો મહાસંગમ છે.
વિસર્જન યાત્રાનો સમય અને મુંબઈ પોલીસને વિશેષ સલામી:
સવારે 9 વાગ્યાથી વિસર્જનની તૈયારીઓ શરૂ થશે અને સવારે 10 વાગ્યે બાપ્પાની શાસ્ત્રોક્ત ઉત્તર પૂજા સંપન્ન કરવામાં આવશે. બપોરે 12 વાગ્યે શોભાયાત્રા શરૂ થશે અને આશરે એકવાગ્યે લાલબાગચા રાજા મુખ્ય પ્રવેશદ્વારથી આગળ વધશે. આ પ્રસંગે મંડળ દ્વારા મુંબઈ પોલીસના સન્માનમાં વિશેષ સંદેશ આપવામાં આવ્યો છે "માણૂસ ઊભા આહે વર્દીતલા… મ્હણૂન ઉત્સવ સાજરા હોતોય ગર્દીતલા..!" જેનો અર્થ એવો થાય છે કે પોલીસ જવાન વર્દી પહેરીને ફરજ પર ખડેપગે છે, માટે જ લાખોની ભીડમાં પણ ઉત્સવ શાંતિ અને સુરક્ષા સાથે ઉજવાઈ રહ્યો છે.
લાલબાગથી ગિરગાંવ ચોપાટી: શું રહેશે સંપૂર્ણ રૂટ?
લાલબાગચા રાજાની શાહી યાત્રા શહેરના મુખ્ય ઐતિહાસિક માર્ગો પરથી પસાર થશે. લાલબાગ માર્કેટથી મુખ્ય પ્રવેશદ્વાર, ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ, ભારતમાતા સિનેમા અને લાલબાગ પોલીસ ચોકી થઈને ફરી મુખ્ય ગેટ પહોંચશે. શ્રોફ બિલ્ડિંગ પરથી ભવ્ય પુષ્પવૃષ્ટિ થશે. ત્યારબાદ ચિંચપોકલી બ્રિજ, ભાયખલા રેલવે સ્ટેશન અને હિન્દુસ્તાન મસ્જિદ થઈ યાત્રા મુંબઈ ફાયર બ્રિગેડ હેડક્વાર્ટર પહોંચશે, જ્યાં સાયરન વગાડીને બાપ્પાને ગાર્ડ ઓફ ઓનર અપાશે.
કોમી એકતાનું પ્રતીક એવા ખડા પારસી, દો ટાંકી, કુંભારવાડા, સુતાર ગલી, માધવ બાગ, વી.પી. રોડ અને પ્રાર્થના સમાજ થઈ યાત્રા ગિરગાંવ તરફ આગળ વધશે. દો ટાંકી વિસ્તારમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પુષ્પહાર અર્પણ કરી બાપ્પાનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવશે. ગિરગાંવ ચોપાટી સિગ્નલ ખાતે પાલિકાના સ્વાગત કક્ષ પર સન્માન બાદ રાજા ચોપાટી સ્થિત વિસર્જન તરાફા સુધી પહોંચશે.
21થી 22 કલાક ચાલશે શોભાયાત્રા, 26મી સપ્ટેમ્બરે વિસર્જન:
લાખો શ્રદ્ધાળુઓનું અભિવાદન, ઠેર-ઠેર સ્વાગત અને આરતીને કારણે લાલબાગથી ચોપાટી સુધીનું અંતર કાપવામાં લગભગ 21થી 22 કલાક જેટલો સમય લાગે છે. 25મી સપ્ટેમ્બરની આખી રાત શહેરના માર્ગો પર ભ્રમણ કર્યા બાદ, 26મી સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યા પછી લાલબાગચા રાજાને તરાફા દ્વારા અરબી સાગરના ઊંડા જળમાં લઈ જઈને વિધિવત રીતે વિસર્જન કરવામાં આવશે.