Sun Oct 11 2026

Logo

લાફટર આફટરઃ એ તો પહેલ કરે તે જાણે

2026-09-17 09:04:34
Author: Pragya Vashi
લાફટર આફટરઃ એ તો પહેલ કરે તે જાણે

પ્રજ્ઞા વશી

`યાહોમ કરીને પડો ફતેહ છે આગે...' એ કવિતા અમારી નસેનસમાં વહે. અમારા ગામની પ્રાથમિક શાળામાં અમારા શિક્ષકે કવિ નર્મદની કવિતા અમારા કંઠમાં બહુ સરસ લાગે છે એવાં વખાણ કરેલાં. એ દિવસે અમને અમારી ગાયકી ઉપર અભિમાન થયેલું અને શેર લોહી પણ શરીરમાં વધી ગયેલું. પછી તો રોજ સવારે શાળાનો પહેલો ઘંટ વાગે એટલે પ્રાર્થના, એ પછી ભજન, દેશભક્તિ અને પછી નર્મદની `યાહોમ કરીને પડો ફતેહ છે આગે...'અમારે ગવડાવવાની અને અન્ય બાળકોએ ઝીલવાની. અમને તો અમારા કંઠના થયેલ વખાણ માટે એટલો ગર્વ થયો હતો કે અમે સાહેબનાં દરેક કાર્ય કરવામાં અગેસર રહેવા લાગ્યાં.

પછી તો બપોરે પાંચ ક્લાસના ટાબરિયાં ભેગાં કરીને એક એકા, અગિયારા, પાયા, દોઢા અને એકથી પાંચ ધોરણની કવિતાઓ પણ અમારા સુમધુર કંઠે ગવડાવવાનો અવસર અમને જ પ્રદાન થતો. જોકે અમને બહુ મોડી ખબર પડી કે અમે ટાબરિયાંને આમ વ્યસ્ત રાખીને સાહેબ બાજુના ઓરડામાં લાંબી ઊંઘ ખેંચી લેતા હતા અને વચ્ચે વચ્ચે છીંકણીના સડાકા પણ મારી લેતા હતા.

`યાહોમ કરીને પડો...' કવિતા ગવડાવી ગવડાવી અમારા ગમે ત્યાં ઝુકાવી દેવાના સંસ્કાર અતિ દૃઢ બની ગયા હતા. અમે ગમે તેવા અખતરાઓ, ગમે તેવાં કપરાં કાર્યોમાં ઝુકાવવાની પહેલ કરવા લાગ્યાં. નાનપણમાં દૃઢ થયેલ સંસ્કારો જીવનના અંત સુધી સાથે જ રહે છે. બસ, આ સંસ્કારને કારણે અમારી બા હંમેશાં અમને ટોકતી રહેતી. `આમ બધા જ કામમાં વિચાર્યા વિના પહેલ કરવા તૈયારી ના બતાવ. ક્યારેક જીવનમાં અટવાઈ જશે!'

જોકે અમે નર્મદને ખોટો પાડવામાં ખુદ અમારી હીણપત સમજતાં હતાં. `નર્મદ એટલે નર્મદ' એવું છાતી ઠોકીને કહેનાર અમે `ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું...' માં માનનારાં હતાં. ગામમાં સફાઈ ઝુંબેશ હોય તો સૌથી આગળ અમે જ. ઉકરડાની સફાઈ તો અમે, નવરાત્રીમાં આખી રાત ગરબા કોણ ગવડાવે? તો ભાઈ, અમારો કંઠ કે'દી કામ આવે? અમે તો એમાંય આગળ. ફળિયામાં વારાફરતી દરેકના ઘરમાં પાપડ, પાપડી, અથાણાં બનાવવાનાં હોય, લગન કે મરણ હોય તો સૌથી વધુ કામગરા અને એક્સપર્ટ તો ફક્ત અમે જ!

અમારી બા હજી અમને આવા કૃત્યમાં આગળ વધવા પહેલાં વારવાની બહુ કોશિશ કરે. પણ પથ્થર પર પાણી!
`તારા જેવા જોરથી પાપડ ખાંડવાની તાકાત તો કોઈમાં નથી' એવાં વખાણ સાંભળીને તો અમારા કાન અને આત્મા બંને બાગબાગ થઈ ઊઠતાં અને તરત અમે સાંબેલું લઈને લાભુકાકીના દસ-વીસ કિલો પાપડનો લોટ ખાંડી આપતાં. એમની વાહ... વાહ... સાંભળીને અમારો હાથ છોલાયો છે એ વાત અમારા માટે ગૌણ બની જતી, પણ ઘરે જઈને બાનો પ્રલાપ અને રાતે લાભુકાકીની ધોલાઈ જોવા આખું ગામ ભેગું થતું. બા લડતી લડતી રડતી જતી ને કહેતી, `મારી છોકરી તો નાદાન છે, પણ તને ભાન નહોતું કે કુમળા હાથ છોલાઈ જશે?'

`પડી પટોળે ભાત' જેવું જ કંઈક અમારામાં પણ પડ્યું છે અને એ ભાતને સૌથી પહેલાં યાહોમ કરીને પડવાથી જ ઉજાગર કરી શકાય. એ વાત પટોળે નહીં, પણ હૃદયની ભીંત ઉપર ચોંટી ગઈ હતી. પરણીને ગયાં તો ત્યાં પણ પહેલ કરવામાં વાહવાહી મળે છે એટલે હાશ!

એકવાર પચાસ માણસની રસોઈ કરવાનું આહ્વાન જ્યારે કોઈએ નહીં ઉપાડ્યું ત્યારે અમે પહેલ કરીને પૂરા ચોવીસ કલાક પેલા પચાસની વાહવાહી મેળવવામાં લોહી પાણી એક કરેલાં. જતી વખતે એમાંની એકને ખબર નહોતી કે આટલી સરસ રસોઈ બનાવનાર એની પાછળનાં બારણાની આડશમાં જ ઊભી છે!

`મેં તો સાંભળ્યું કે પેલી નવી પરણીને આવેલી હોંશીલીએ એકલે હાથે પચાસ માણસની રસોઈ બનાવી છે. હવે તો મારાં ઘરે પણ કોઈ પ્રસંગ આવશે ત્યારે પચાસ-સો માણસનું રસોડું આ હરખઘેલીને જ સોંપી દેવા.'

બીજીએ તાળી આપતાં કહ્યું, `ખાલી એની રસોઈનાં અને હોશિયારીનાં બે-ચાર ગુણગાન ગાવાનાં, એટલે તારું કામ થઈ જશે.'

ત્રીજીએ પણ તાળી આપતાં કહ્યું, `તું તો બોલાવતાં બોલાવશે, હું તો કાલે જ શરૂઆત કરવાની છું. આવાં યાહોમ કરનારાં ક્યાં મળવાનાં છે? અને એ પણ મફતના ભાવે?'

જમી કરીને હાથ ખંખેરીને આખી ટોળકી તો ગઈ, પણ મને બાની વાત યાદ આવી કે કોઈ મૂરખ સમજે એ હદ સુધીનું યાહોમ ભલે નર્મદે કર્યું હોય, પણ આપણે કરવું નહીં. એ પછી અમે પણ ગાંઠ બાંધી કે જેવા સાથે તેવા થઈને બતાવવું.

બસ, પછી હોળીનું ગેટ ટુ ગેધર અને રસોઈની જવાબદારી અમે લીધી. પહેલ કરી એટલે વાહવાહીનાં લીલાં તોરણ બંધાયાં. અમારા પતિદેવ ખિજાયા, પણ પછી અમારા પ્લાનમાં સામેલ થયા. બધાં શાકભાજી અને રસોઈનો સામાન આવ્યા બાદ ફળિયામાં જઈને પેલી બહેનોને કહ્યું, `સવારથી રમાને ચક્કર આવે છે, એટલે હું એને લઈને સુરત ડૉક્ટરને બતાવવા જાઉં છું.'

ફળીના ભાઈઓએ એમની પત્નીઓને કામે લગાડી અને અમે પાછલે બારણેથી ગાડીમાં બેસી ફિલ્મ જોવા સુરત પહોંચ્યાં. પહેલ ક્યાં અને કેવી કરવી એ લેક્ચર કારમાં સાંભળવા મળ્યું. પણ ફિલ્મ અને ડિનર સુરતમાં લેવાનું સુખ એટલે `સુરતનું જમણ અને કાશીનું મરણ...'

એ દિવસે સમજાયું કે દરેક જગ્યાએ પહેલ કરવી એ બહાદુરી નથી. ક્યારેક સમય, સંજોગ અને સામેની વ્યક્તિને ઓળખીને એક ડગલું પાછળ રહેવું એ પણ ડહાપણ છે. બાની વાત ત્યારે પહેલી વાર સાચી લાગી. વર્ષોથી જે `યાહોમ' ને અમે જીવનનો મંત્ર માન્યો હતો, એ જ મંત્રે અમને ઘણી વાર હણાવ્યાં, છોલાવ્યાં અને મૂરખ પણ બનાવ્યાં.

જોકે આવા અનુભવની પણ પોતાની મજા હોય છે. ભૂલોમાંથી મળેલી શીખ કોઈ પુસ્તકમાં મળતી નથી. એટલે હવે કોઈ કામ સામે આવે ત્યારે પહેલાં બે ઘડી વિચારીએ છીએ, આજુબાજુ નજર કરીએ છીએ અને પછી જ પગલું ભરીએ છીએ.
હા, એ પછી અમે ક્યારેય પહેલ કરતાં નથી. છોલાયાં, હણાયાં અને મૂરખ બન્યાં. પણ એ તો એમ જ શીખાય ને!