Tue Nov 17 2026

Logo

કચ્છમાં આપઘાતના ત્રણ બનાવ! મિરજાપરના યુવાન, વોંધના મહિલા અને ગાગોદરના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું...

2026-10-17 13:28:32
Author: Vimal Prajapati
કચ્છમાં આપઘાતના ત્રણ બનાવ! મિરજાપરના યુવાન, વોંધના મહિલા અને ગાગોદરના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું...

પ્રતીકાત્મક તસવીર


ભુજ: કચ્છ જિલ્લામાં આપઘાતના વધતા જતા બનાવો વચ્ચે મિરજાપર, ભચાઉના વોંધ અને ગાગોદર ખાતે અગમ્ય કારણોસર એક યુવતી અને બે યુવાનોએ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઈ ગઈ છે. અત્યારે લોકોમાં સહનશક્તિ ઘટી રહી છે. એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે, જેમાં લોકોએ કોઈના કોઈ કારણે આત્મહત્યા કરી લીધી હોય! કોઈ પણ સમસ્યાનું સમાધાન આત્મહત્યા નથી, આ જાણવા છતાં પણ આવી ઘટનાઓ વધી રહી છે. 

પ્રથમ બનાવમાં, ભુજ તાલુકાના મિરજાપર ગામે રહેતા સુગ્રીવ ગજરાજસિંહ (ઉ.વ. 28) નામના યુવાને પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો દ્વારા તેને ગંભીર હાલતમાં તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં, ભચાઉ તાલુકાના વોંધ ગામમાં રહેતી હવાબેન નાનજી સંઘાર (ઉ.વ. 38) નામની મહિલાએ ગત 15 ઓક્ટોબરના રોજ સાંજના અરસામાં પોતાના ઘરે લોખંડની કે રસીની દોરડી વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા સઘન તપાસ શરૂ કરી છે.

બીજી તરફ, મૂળ બાદલપર (પિછાણા)ના વતની અને હાલ ગાગોદર ખાતે રહેતા વશરામ સામાભાઈ કોળી (ઉ.વ. 25) નામના યુવાને ગત ૧૫ ઓક્ટોબરના સવારના સુમારે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે ગાગોદર પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)