Mon Sep 14 2026

Logo

માતાના મઢમાં એસ.ટી. બસનો ડ્રાઇવર નશામાં ધૂત હાલતમાં ઝડપાયો

2026-03-09 11:17:00
Author: Mumbai Samachar Team
માતાના મઢમાં એસ.ટી. બસનો ડ્રાઇવર નશામાં ધૂત હાલતમાં ઝડપાયો

ભુજઃ કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે એસ.ટી. નિગમની બેદરકારીનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નલિયા ડેપોની બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં પકડાતા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. જાગૃત નાગરિકોની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નલિયા એસ.ટી. ડેપોની લોકલ બસ, સવારે ૧૦ વાગ્યે માતાના મઢ આવે છે એ ૧૧ વાગ્યે જ્યારે પરત જવાની તૈયારીમાં હતી, ત્યારે સ્થાનિકો અને મુસાફરોને ડ્રાઇવરની વર્તણૂક પર શંકા ગઈ હતી.જ્યારે બસને અટકાવીને તપાસ કરવામાં આવી ત્યારે મૂળ પંચમહાલનો નરવતસિંહ સાલમસિંહ ડાભી નામનો બસનો ડ્રાઇવર નશામાં ચૂર હતો. એટલું જ નહીં, બસની અંદરથી દેશી દારૂની ખાલી કોથળી પણ મળી આવી હતી. જે નિર્દેશ કરે છે કે ચાલકે ફરજ દરમિયાન જ બસમાં દારૂનું સેવન કર્યું હતું. જો જાગૃત નાગરિકોએ બસને સમયસર અટકાવી ન હોત, તો આગળ જતાં ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત. 

આ બસમાં કંડક્ટર તરીકે એક મહિલા ફરજ બજાવી રહ્યા હતા. નલિયાથી માતાના મઢ સુધીના રૂટ પર નશાખોર ડ્રાઇવર બસ હંકારી લાવ્યો હોવા છતાં તંત્રને તેની જાણ ન થતા એસ.ટી. પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા છે. હાલ દયાપર પોલીસે ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(ઉત્સવ વૈદ્ય)