ભુજ: ગુજરાતમાં ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે પણ જોડાયેલા છે. મોટા ભાગે તો પશુપાલન દ્વારા જ સારી કમાણી થતી હોય છે, પરંતુ જ્યારે ભાવ સારો મળે તો! તેવામાં સરહદી કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન સરહદ ડેરી દ્વારા પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીની 17મી વાર્ષિક સાધારણ સભા અને ‘મિલ્ક ડે’ની ઉજવણી દરમિયાન અપાયેલા વચનની પૂર્તિ કરતાં 16 ઓક્ટોબરથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો લાગુ કરવામાં આવ્યો
વિગતે વાત કરવામાં આવે તો, સરહદી ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો લાગુ કરી દેવાયો છે. જેના પગલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 850 રૂપિયાનો અત્યાર સુધીનો સર્વોચ્ચ ભાવ પ્રાપ્ત થશે. જો દૂધના ભાવ સારા મળે તો પશુપાલકોને ખર્ચ કાઢતા સારી એવી બચત થઈ શકે. એટલે સરહદી ડેરી દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સારો માનવામાં આવી રહ્યો છે, અને તેના કારણે પશુપાલકો પણ ખુશ જોવા મળી રહ્યાં છે.
આ અંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, દૂધ ખરીદભાવમાં કરાયેલા આ વધારાથી કચ્છના માલધારીઓને પ્રતિમાસ રૂપિયા એક કરોડ અને વાર્ષિક રૂપિયા 12 કરોડ જેટલી માતબર રકમ વધારાની મળશે. ચાલુ વર્ષે ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી પૌષ્ટિક ઘાસચારાની તંગી અને કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે, જેનાથી માલધારી આલમમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
તમામ દૂધ મંડળીના સંચાલકોને તારીખ 16-10-2026થી કોમ્પ્યુટર સિસ્ટમમાં નવા ભાવો અપડેટ કરવા સૂચના અપાઈ છે તેમજ પશુપાલકોને દૂધના મેસેજમાં નવા ભાવોની ખરાઈ કરી લેવા જણાવાયું છે. સાથોસાથ દૂધ ઉત્પાદન અને ગુણવત્તા જાળવી રાખવા ડેરી નિર્મિત વ્યાજબી ભાવનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત સરહદ દાણ તથા સાઇલેજ પશુઓને ખવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(ઉત્સવ વૈદ્ય)