ભુજઃ અંજાર શહેરની એક સોસાયટીમાંથી તાજા જન્મેલા બાળકનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યાની ઘટના હજુ તાજી જ છે, ત્યાં સરહદી રાપર તાલુકાના ખેંગારપર ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી વધુ એક નવજાત શિશુનો મૃતદેહ તરતી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખેંગારપર ગામે રહેતા ખેડૂત રાજેશ સવા વરચંદ ગામમાં હાજર હતા, તે દરમિયાન પ્રભુ કરશન વરચંદે તેમને ટેલિફોનિક જાણ કરી હતી કે ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણીની પાઈપલાઈન પાસે તાજા જન્મેલા બાળકનો મૃતદેહ અટવાયેલો પડ્યો છે. આ જાણકારી મળતાં જ રાજેશ વરચંદ તાત્કાલિક કેનાલ પર દોડી ગયા હતા અને તપાસ કરતાં નવજાત શિશુની લાશ પાણીમાં તરતી જોવા મળી હતી.
બનાવ અંગે તુરંત પોલીસને વાકેફ કરાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગ્રામજનોની મદદથી શિશુના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી પંચનામું કર્યું હતું અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગરની મેડિકલ કોલેજ ખાતે મોકલી આપ્યો હતો. પોતાનું પાપ છુપાવવા કે બાળકનો જન્મ ગુપ્ત રાખવાના બદઇરાદે કોઈ અજાણી સ્ત્રી કે શખ્સે નવજાતને કેનાલમાં ફેંકી દીધું હોવાની આશંકાના આધારે પોલીસે રાજેશ વરચંદની ફરિયાદ પરથી ગુનો નોંધી નિષ્ઠુર જનેતાની ભાળ મેળવવા સઘન તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)