Tue Nov 17 2026

Logo

કચ્છ સહિત રાજ્યમાં ઘેરાતાં વીજસંકટનાં વાદળો: ઉદ્યોગોને સાંજે 4 થી 11 વીજવપરાશ ઘટાડવા તાકીદ

2026-10-16 11:06:00
Author: Mumbai Samachar Team
કચ્છ સહિત રાજ્યમાં ઘેરાતાં વીજસંકટનાં વાદળો: ઉદ્યોગોને સાંજે 4 થી 11 વીજવપરાશ ઘટાડવા તાકીદ

અસહ્ય ગરમીથી વીજમાંગ વધી જ્યારે પવન ઊર્જાનું ઉત્પાદન ઘટ્યું: પાન્ધ્રોમાં ચારમાંથી માત્ર એક જ થર્મલ પ્લાન્ટ કાર્યરત

ભુજ: વિવિધ વિસ્તારોમાં અવારનવાર ખોરવાતા વીજપુરવઠાની ફરિયાદો વચ્ચે દેશના બીજા નંબરના સૌથી મોટા કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તહેવારોના સપરમા દિવસો વચ્ચે વીજસંકટનાં વાદળો ઘેરાયાં હોવાના અહેવાલોથી ચિંતા પ્રસરી છે. એક તરફ ‘ઓક્ટોબર હીટ’ના આકરા તાપથી વીજળીની માંગમાં જંગી ઉછાળો આવ્યો છે, તો બીજી તરફ ઋતુ બદલાવના કારણે પવનની ગતિ મંદ પડતાં પવન ઊર્જાનું ઉત્પાદન ઘટ્યું છે. આ ઉપરાંત, કોલસાની સંભવિત ખેંચ અને બંધ થર્મલ પ્લાન્ટ્સને લીધે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમો માટે ‘સ્ટેગર્ડ હોલિડે’ એટલે કે,વારાફરતી રજા જાહેર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત કચ્છમાં શનિવારે ઔદ્યોગિક વીજપુરવઠો સ્થગિત રાખવામાં આવશે.

અંતરંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગ્રીડ પર વધેલા ભારણને સંતુલિત ન કરાય તો ‘વેસ્ટર્ન ગ્રીડ’ ફેઈલ થવાની ભીતિ રહેલી છે, જેની સીધી અસર ગુજરાત અને મહારાષ્ટ્રના વીજપુરવઠા પર પડી શકે છે. જોકે, ગેટકોના અધિકારી પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કોઈ ગંભીર સંકટ નથી, પરંતુ હાલમાં વીજલોડ વધુ હોવાથી માત્ર ગ્રીડની ફ્રિક્વન્સી જાળવી રાખવા માટે ઉચ્ચ કક્ષાની સૂચના મુજબ તબક્કાવાર વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર માસથી કચ્છના ઉદ્યોગોને નડતી વીજવિક્ષેપની સમસ્યા અંગે ‘ફોકિયા’ના એમ.ડી. નિમિષ ફડકે દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.

બીજી તરફ, સીમાવર્તી લખપત તાલુકાના છેવાડે આવેલા પાન્ધ્રો થર્મલ પાવર સ્ટેશનમાં હાલ માત્ર વર્ષ 1996નો એક જ પ્લાન્ટ કાર્યરત છે, જેમાંથી ફક્ત 50 મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય છે. અહીંના બે પ્લાન્ટ ભંગાર ગણીને સંપૂર્ણ બંધ કરી દેવાયા છે, જ્યારે ચોથા પ્લાન્ટના સમારકામની તજવીજ ચાલી રહી છે.

દરમ્યાન, આગામી દીપોત્સવીના તહેવારોમાં ઘરવપરાશનો વીજપુરવઠો અવિરત મળી રહે તે હેતુથી પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર મહીપાલસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાના ઉદ્યોગ સંગઠનો સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. જેમાં ઉદ્યોગોને તેમની કામગીરીની શિફ્ટ વહેલી સવારથી સાંજના 4 વાગ્યા સુધી ગોઠવી, સાંજે 4 થી રાત્રિના 11 વાગ્યાના ‘પીક અવર્સ’ દરમિયાન સ્વૈચ્છિક રીતે વીજવપરાશ ઘટાડવા અપીલ કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજા કાનગડે તંત્રની અપીલને રાષ્ટ્રીય ફરજ ગણાવી સહયોગની ખાતરી આપી હતી. આ બેઠકમાં ચેમ્બરના કારોબારી સભ્ય લક્ષ્મણ આહીર તેમજ પીજીવીસીએલ ગાંધીધામના કાર્યપાલક ઈજનેર એસ.કે. ખાંટ, નાયબ ઈજનેર કે.એ. ઓઝા, વી.એમ. હડિયા અને એચ.પી. ચુડાસમા જોડાયા હતા.

ઉત્સવ વૈદ્ય