Sat Oct 10 2026

Logo

કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ: ડ્રોન, દાણચોરી અને નશાખોરી પર બાજ નજર

2026-09-25 10:41:31
Author: Mayur Patel
કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠે મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ: ડ્રોન, દાણચોરી અને નશાખોરી પર બાજ નજર

ભુજઃ ગુજરાતના દરિયાકાંઠાની સુરક્ષા વધુ મજબૂત કરવાના હેતુથી કચ્છના સંવેદનશીલ સીમાવર્તી દરિયાઈ વિસ્તારમાં મરીન કમાન્ડો અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી ગતિવિધિઓ, દાણચોરી તેમજ નશીલા દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ મેળવવા માટે આ સુરક્ષા કવાયત હાથ ધરાઈ હતી.

રાજ્ય પોલીસ વડા તેમજ મરીન સેક્ટરના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ગત તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ કોટેશ્વર મરીન સેક્ટરની ટીમોએ વિશેષ મોરચો સંભાળ્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ઝાલા, પીએસઆઈ સહિતના કાફલાએ 'બેબી કા કૂવા' વિસ્તારથી હિરણા તરફના આશરે ૫ કિલોમીટર જેટલા દુર્ગમ કાંઠા વિસ્તારમાં મરીન કમાન્ડો સાથે પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું.

આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કાંઠાળ પંથકના અવાવરુ સ્થળો, શંકાસ્પદ માર્ગો તેમજ નજીક લંગારેલી બોટોની ઊંડાણપૂર્વક તલાશી લેવામાં આવી હતી. વિશેષ કરીને ડ્રગ્સનાં બિનવારસી પેકેટો, અજાણી વસ્તુઓ કે આકાશમાં ડ્રોન જેવી અસામાન્ય હિલચાલ સામે ઝીણવટભરી નજર રાખવામાં આવી હતી. આ સઘન સુરક્ષા કવાયતને પગલે કચ્છ સરહદે સમુદ્રી ચોકીપહેરો અત્યંત ચુસ્ત બનાવી દેવાયો છે.

(ઉત્સવ વૈદ્ય)