ભુજઃ પશ્ચિમ કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલવાના ભાગરૂપે કોરીક્રીક વિસ્તારમાં આવેલા પડાલા બેટ ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રકલ્પને મોટાપાયે વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. પ્રવાસીઓની સુરક્ષિત અવરજવર માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કોટેશ્વર અને પડાલા બેટ ખાતે અંદાજિત રૂપિયા 150 કરોડના ખર્ચે આધુનિક જેટીનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવાસન વિભાગે રૂપિયા 150 કરોડની ગ્રાન્ટ ફાળવી
હાલમાં લક્કી નાળાંથી મર્યાદિત સંખ્યામાં બોટ દ્વારા સીમા દર્શન કરાવવામાં આવે છે, પરંતુ પડાલા બેટ સુધી જવા માટે જેટીના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે પ્રવાસન વિભાગ દ્વારા રૂપિયા 150 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મેરીટાઇમ બોર્ડના એક અધિકારીના જણાવ્યા મુજબ, જેટી ઉપરાંત પેસેન્જર ટર્મિનલ, એપ્રોચ રોડ અને સલામતી સંબંધિત સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેને પૂર્ણ થતાં આશરે બે વર્ષનો સમય લાગશે.
ઉલ્લેખનીય છે કે, વન વિભાગ દ્વારા પડાલા બેટ પર ચેરિયાં (મેન્ગ્રોવ્ઝ) સંવર્ધન કેન્દ્ર અને ગાઈડન્સ સેન્ટર તૈયાર કરાયું છે. કોટેશ્વરથી બેથી અઢી કલાકની દરિયાઈ સફર ખેડીને પર્યટકો કુદરતી સૌંદર્ય અને સમુદ્રી સીમા દર્શનનો રોમાંચ માણી શકશે. આ પ્રોજેક્ટ સાકાર થતાં જ પશ્ચિમ કચ્છ પ્રવાસનનું નવું મોટું હબ બની રહેશે.
(ઉત્સવ વૈદ્ય)