‘જેરોસાઇટ’ ખનિજે ખોલી પ્રાચીન જળની ટાઇમ-કૅપ્સ્યૂલ
ભરત મહેતા
માતાનો મઢ કચ્છ: મંગળ જેવું ભૌગોલિક ક્ષેત્ર
જેરોસાઈટ ખડકનો નમૂનો
કરોડો કિલોમીટર દૂર અંતરિક્ષમાં તરતા લાલ ગ્રહના અતીતને સમજવા માટે હવે પૃથ્વીની સરહદો ઓળંગવાની જરૂર નથી. ગુજરાતના પશ્ર્ચિમ છેડે આવેલી કચ્છની ખારી અને સૂકી ધરા આજે સમગ્ર વિશ્ર્વના પ્લેનેટરી વૈજ્ઞાનિકો માટે મંગળ ગ્રહની કુદરતી પ્રયોગશાળા બની ગઈ છે.
બ્રહ્માંડનું સૌથી મોટું આકર્ષણ હંમેશાં એ રહ્યું છે કે શું પૃથ્વી સિવાય ક્યાંય જીવન પાંગર્યું હતું? આ શોધમાં માનવજાતની નજર સૌથી પહેલાં મંગળ ગ્રહ પર ઠરી. વર્ષ 2004માં જ્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ‘ઑપોર્ચ્યુનિટી’ (Opportunity) રોવરે મંગળના મેરિડિયાની પ્લાનમ વિસ્તારમાંથી પીળાશ પડતા વિશિષ્ટ ખડકો શોધી કાઢ્યા ત્યારે ખગોળ જગતમાં મોટો ભૂકંપ આવ્યો હતો. એ ખનિજ હતું - જેરોસાઇટ (Jarosite).
જોકે અહીં વિજ્ઞાનનો સૌથી મોટો ચમત્કાર એ છે કે આ જ દુર્લભ ખનિજનો વિપુલ ભંડાર આપણા ગુજરાતના કચ્છ જિલ્લામાં, ખાસ કરીને માતાના મઢ અને તેની આસપાસના ભૂસ્તરમાંથી મળી આવ્યો છે. દેશની અગ્રણી અવકાશ સંશોધન સંસ્થા ઈસરો (ISRO) અને અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (PRL)ના વિજ્ઞાનીઓ હવે કચ્છના આ ખડકો પરથી લાલ ગ્રહનાં અરબો વર્ષ જૂનાં રહસ્યોનો તાગ મેળવી રહ્યા છે.
હવે સવાલ એ છે કે જેરોસાઇટ શું છે અને તે શા માટે આટલું અણમોલ છે?
જેરોસાઇટ એ રસાયણશાસ્ત્રની દૃષ્ટિએ પોટેશિયમ અને આયર્નનું હાઇડ્રસ સલ્ફેટ ખનિજ છે. આ ખનિજ કુદરતમાં એમ ને એમ બનતું નથી. તેની ઉત્પત્તિ માટે બે અત્યંત વિશિષ્ટ ભૌગોલિક શરત અનિવાર્ય છે, જેમ કે... અતિ-એસિડિક પાણીની હાજરી: જેરોસાઇટ ત્યારે જ આકાર લે છે જ્યારે સલ્ફરયુક્ત અને ભારે એસિડિક પાણી ખડકો સાથે પ્રક્રિયા કરે.
તીવ્ર શુષ્કતા (અત્યંત સૂકું વાતાવરણ): એકવાર બન્યા પછી આ ખનિજ લાખો કે કરોડો વર્ષ સુધી અકબંધ રહે તે માટે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહિવત્ હોવું જરૂરી છે. જો તેને વધારે ભેજ કે સામાન્ય પાણી મળે તો તેનું બંધારણ બદલાઈને તે ગોથાઇટ કે હિમેટાઇટ જેવા સામાન્ય આયર્ન ઑક્સાઇડમાં ફેરવાઈ જાય છે.
જ્યારે મંગળ પર જેરોસાઇટ મળ્યું ત્યારે એ નિર્વિવાદ સાબિત થયું કે લાલ ગ્રહ સદાયથી આવો સૂકોભઠ અને વેરાન નહોતો. તેના ભૂતકાળમાં ત્યાં એસિડિક નદીઓ કે જળાશયો વહેતાં હતાં.
કચ્છનું માતાના મઢ: પૃથ્વી પરનો ‘મંગળ પ્રદેશ’
ગ્રહ વિજ્ઞાનની પરિભાષામાં કોઈ ગ્રહ જેવું સમાન વાતાવરણ ધરાવતી પૃથ્વીની જગ્યાને ‘માર્શિયન એનાલોગ’ (Martian Analogue Site) કહેવામાં આવે છે. કચ્છનું માતાના મઢ આ વૈશ્વિક વ્યાખ્યામાં સો ટકા ખરુંં ઊતરે છે.
કચ્છમાં આશરે 5.5 કરોડ વર્ષ પૂર્વે જ્વાળામુખીય પ્રવૃત્તિઓ અને લિગ્નાઇટ-પાયરાઇટના ઓક્સિડેશનથી ભારે એસિડિક પાણી ઉત્પન્ન થયું હતું, જેના કારણે અહીં જેરોસાઇટના થર જામ્યા. સમય જતાં કચ્છનું વાતાવરણ અર્ધ-શુષ્ક બન્યું અને આ ખનિજ કરોડો વર્ષથી ધરતીના પેટાળમાં સચવાઈ રહ્યું.
કુદરતી ટાઇમ-કૅપ્સ્યૂલ: આર્ગન ડેટિંગ પદ્ધતિ
વિજ્ઞાનીઓ જેરોસાઇટને માત્ર સામાન્ય પથ્થર નથી ગણતા, પણ તેને કુદરતની ‘રેડિયોમેટ્રિક ઘડિયાળ’ માને છે. આ ખનિજના બંધારણમાં પોટેશિયમ (40K) કુદરતી રીતે સમાયેલું હોય છે જે સમય જતાં ધીમે ધીમે કિરણોત્સર્ગી ક્ષય (radioactive deca) પામીને આર્ગન ગૅસ (40Ar)માં રૂપાંતરિત થાય છે.
પ્રયોગશાળામાં 40Ar/39Ar સ્ટેપ-હીટિંગ પદ્ધતિ દ્વારા આ ખનિજને ક્રમશ: ઊંચા તાપમાને ગરમ કરીને તેમાંથી મુક્ત થતા આર્ગન વાયુનું માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા વિશ્ર્લેષણ કરવામાં આવે છે. આ ટેક્નિકથી ખડકની ચોક્કસ ઉંમર નક્કી થાય છે.
આ ખનિજનું ક્લોઝર ટેમ્પરેચર (Closure Temperature) આશરે 100Cથી 150C જેટલું નીચું હોય છે. તેનો અર્થ એ કે જ્યારે આ ખનિજ પાણીમાંથી સ્ફટિક બનીને જામ્યું અને ઠંડું પડ્યું, બરાબર તે જ ક્ષણે તેની અંદર સમયની ઘડિયાળ શરૂ થઈ ગઈ. મંગળ ગ્રહ પર છેલ્લાં ત્રણ અબજ વર્ષથી અતિશય ઠંડું (ડીપ ફ્રીઝ) વાતાવરણ રહ્યું હોવાથી ત્યાંનું જેરોસાઇટ એક અદ્ભુત ટાઇમ-કૅપ્સ્યૂલ બનીને બેઠું છે. તે ક્યારેય ગરમ થયું નથી એટલે કે તેનો સમય ક્યારેય ભૂંસાયો નથી.
ISRO તથા PRL માટે ભવિષ્યની સોનેરી તક:
અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અને ઈસરો માટે કચ્છનું આ ક્ષેત્ર એક અમૂલ્ય વરદાન સાબિત થયું છે.
સ્પેસ પેલોડ્સનું અગ્નિપરીક્ષા સ્થળ: ભારતના ભાવિ મંગળયાન-2 અથવા માર્સ લેન્ડર મિશન માટે તૈયાર થતા કેમેરા, ડ્રિલિંગ મિકેનિઝમ અને સ્પેક્ટ્રોમીટર જેવાં સંવેદનશીલ ઉપકરણોનું કચ્છના આ વાસ્તવિક ખડકો પર પરીક્ષણ કરી શકાય છે.
પ્રાચીન જીવસૃષ્ટિની કડી (Astrobiology): અતિશય એસિડિક અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જો કચ્છના જેરોસાઇટ ખડકોમાં પ્રાચીન સૂક્ષ્મજીવોના અશ્મિ (microbial biosignatures) જળવાઈ રહ્યા હોય તો મંગળ પર પણ ભૂતકાળમાં આવું જ જીવન અસ્તિત્વ ધરાવતું હોવાની શક્યતાઓને વૈજ્ઞાનિક પુષ્ટિ મળે છે.
ભારતીય વૈજ્ઞાનિકોને હવે ગ્રહ વિજ્ઞાનના અદ્યતન પ્રયોગો માટે વિદેશી સ્પેસ એજન્સીઓના સૅમ્પલ કે ડેટા પર નિર્ભર રહેવું પડતું નથી.
કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને સફેદ રણની ઓળખથી આગળ વધીને, માતાના મઢના આ અણદીઠ ખડકોએ ગુજરાતનું નામ વૈશ્વિક અંતરિક્ષ વિજ્ઞાનના નકશા પર સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે. ધરતીના ખોળે સચવાયેલા આ પથ્થરો સાક્ષી પૂરે છે કે બ્રહ્માંડનાં ગહન રહસ્યો ઉકેલવાની ચાવી ઘણીવાર આપણા પોતાના આંગણે જ છુપાયેલી હોય છે.