Mon Nov 16 2026

Logo

કચ્છમાં અત્યાર સુધીની સૌથી ગરમ ‘વિજયાદશમી’ ઉજવાશે: સુપર અલ-નીનોના પ્રકોપથી હિટવેવ જેવો માહોલ...

2026-10-17 12:20:31
Author: Mumbai Samachar Team
કચ્છમાં અત્યાર સુધીની સૌથી ગરમ ‘વિજયાદશમી’ ઉજવાશે: સુપર અલ-નીનોના પ્રકોપથી હિટવેવ જેવો માહોલ...

ભુજ: વિજયાદશમી પર્વના કાઉન્ટડાઉન વચ્ચે રણપ્રદેશ કચ્છમાં, સક્રિય થયેલા 'સુપર અલ-નીનો'ની સંભવત અસરને કારણે આસો માસમાં પણ ચૈત્ર-વૈશાખ જેવા કાળઝાળ ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીના બદલે પ્રવર્તેલા હિટવેવના માહોલે કચ્છીજનોને અકળાવી મૂક્યા છે.

પૂર્વ-દક્ષિણ દિશાથી ફૂંકાયેલા ભેજયુક્ત ગરમ પવનો અને આકરા સૂર્યપ્રતાપના કારણે સમગ્ર જિલ્લામાં ગરમીનું સામ્રાજ્ય ફરી વળ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી નોંધાતા ગળપાદર, અંજાર, આદિપુર અને ગાંધીધામ પંથક ભારે ઉકળાટથી શેકાયો હતો. જ્યારે જિલ્લા મથક ભુજમાં સતત ત્રીજા દિવસે પણ મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રી સેલ્સિયસ પર અડસટ્ટો જમાવીને બેઠો છે, જેના લીધે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે.

તહેવારોની ખરીદી માટે બજારોમાં નીકળતા નાગરિકોને બપોરના સમયે ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી રહી છે. એપ્રિલ-મે મહિના જેવો માહોલ સર્જાતા બપોરે ૧૨ થી સાંજના ૫ વાગ્યા સુધી મુખ્ય માર્ગો અને બજારો તદન સુમસામ થઈ જાય છે અને સૂર્યાસ્ત બાદ જ ખરીદીની રોનક જોવા મળે છે. ભુજ અને કંડલા ઉપરાંત રાપર, ખાવડા અને હાજીપીર સહિતના રણકાંઠાના ગામો પણ આકરી ગરમીની ઝપેટમાં છે.

અબડાસાના મુખ્ય મથક નલિયામાં પણ વાતાવરણીય વિષમતા વચ્ચે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રી નોંધાયું હતું, જોકે વહેલી સવારે લઘુતમ તાપમાન ૨૫ ડિગ્રી રહેવાથી સહેજ રાહત અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આ મિશ્ર ઋતુ અને ગરમીનું મોજું ઓક્ટોબરના અંત સુધી યથાવત રહેશે, જેના પગલે આ વખતની વિજયાદશમી અત્યાર સુધીની સૌથી ગરમ દશેરા તરીકે લોકો યાદ રાખશે.

ઉત્સવ વૈદ્ય