Sat Oct 10 2026

Logo

કચ્છની ધરા ફરી ધ્રુજી: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો

2026-09-26 15:00:00
Author: Mumbai Samachar Team
કચ્છની ધરા ફરી ધ્રુજી: દુધઈ નજીક ૨.૬ની તીવ્રતાનો ભૂકંપ નોધાયો

વાગડ ફોલ્ટલાઇનમાં સતત ભૂસ્તરીય સળવળાટથી ચિંતાઃ મોડી રાત્રે ૧:૩૪ વાગ્યે રિક્ટર સ્કેલ પર કંપન અંકિત થયું

ભુજ: ભૂકંપની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ ઝોન-૫માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં, વિશેષ કરીને પૂર્વ કચ્છની વાગડ ફોલ્ટલાઇન વિસ્તારમાં અવારનવાર નોંધાતા ભૂકંપના આંચકાઓને પગલે લોકોમાં ઉચાટની લાગણી જોવા મળી રહી છે.

હજુ થોડા દિવસો પૂર્વે ભચાઉ પંથકમાં ૪ની તીવ્રતાના ભૂકંપ બાદ, ગત મોડી રાત્રે ૧ કલાક અને ૩૪ મિનિટે વધુ એક હળવું કંપન અનુભવાયું હતું. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ૨.૬ની તીવ્રતા ધરાવતા આ માઇક્રોટ્રેમરનું કેન્દ્રબિંદુ ભચાઉ-અંજાર પંથકના દુધઈથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૧ કિલોમીટર દૂર નોંધાયું હતું. તીવ્રતા સાવ ઓછી હોવાથી મોટાભાગના લોકોને આ કંપનનો અહેસાસ થયો ન હતો અને કોઈ જાનમાલનું નુકસાન નોંધાયું નથી.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી માત્ર કચ્છ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તલાલા, જામનગર, ઉના તેમજ ઉત્તર ગુજરાતના પાલનપુર પંથકમાં પણ સમયાંતરે ભૂગર્ભીય હલચલ જોવા મળી રહી છે. આ ઉપરાંત એશિયન પ્લેટોનિક ઝોનમાં આવતા પાડોશી દેશ પાકિસ્તાન સહિત ઈરાન, ઇન્ડોનેશિયા, તુર્કી અને ફિલિપાઇન્સમાં પણ સતત ધરતીકંપના આંચકા નોંધાઈ રહ્યા હોવાથી ભૂસ્તરશાસ્ત્રીઓ આ સમગ્ર હિલચાલ પર સતત નજર રાખી રહ્યા છે.

ઉત્સવ વૈદ્ય