ભુજઃ આ વર્ષે નહિવત્ વરસાદના પગલે રાજ્ય સરકારે કચ્છ સહિતના ચાર જિલ્લાઓને વિધિવત દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલા વિસ્તારોમાં કેન્દ્ર સરકાર હસ્તકના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ખેડૂતોને પાક નુકસાની વળતર અને માલધારીઓને પશુ સહાય ચૂકવવામાં આવનાર છે. સરકારની પ્રાથમિક જાહેરાત અનુસાર 1લી નવેમ્બરથી બે માસના ગાળા માટે એસડીઆરએફ ફંડમાંથી કચ્છ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને સહાય પેટે રૂપિયા 1000 કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું થાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે.
જોકે, 1લી નવેમ્બરનો દિવસ આવી પહોંચ્યો હોવા છતાં ગાંધીનગરથી કોઈ સત્તાવાર લેખિત પરિપત્ર જિલ્લા કચેરીઓ સુધી ન પહોંચતાં યોજનાકીય અમલવારી કાગળ પર જ અટવાઈ ગઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા ગત 26 ઓક્ટોબરના રોજ મુખ્ય પ્રધાન દ્વારા કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર સહિતના ચાર જિલ્લાઓમાં દુષ્કાળની જાહેરાત કરીને 1લી નવેમ્બરથી તમામ સહાયકારી પગલાં જમીની સ્તરે લાગુ કરવાનો દાવો કરાયો હતો. પરંતુ રાહત કમિશનરની કચેરી દ્વારા સ્થાનિક જિલ્લા તંત્રને કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા કે જી.આર જારી કરાયો નથી.
છેલ્લા બે દિવસથી વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને પગલે સચિવાલય અને મંત્રીમંડળનું વહીવટી તંત્ર સરકારી કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ જતાં ચાર જિલ્લાના લાખો અસરગ્રસ્તો માટે આજથી શરૂ થનારી રાહતો પર હાલ પૂરતું અલ્પવિરામ લાગી ગયું છે. વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવાર બાદ સત્તાવાર નોટિફિકેશન બહાર પડ્યા પછી જ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થશે. કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગના સત્તાવાર ચોપડે અંદાજે અઢી લાખ જેટલા ખેડૂતો નોંધાયેલા છે, જે પૈકી નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા આશરે એક લાખ જેટલી છે. બાકીના દોઢ લાખ ખેડૂતો બે હેક્ટર કે તેથી વધુ ખેતીલાયક જમીન ધરાવે છે.
રાજ્ય સરકારે નિયત કરેલા નિયમો અનુસાર પાક નુકસાની વળતર પેટે પ્રતિ હેક્ટર રૂપિયા 8,500 લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. આ હિસાબે જિલ્લાના ધરતીપુત્રોને સહાય પેટે અંદાજે રૂપિયા 500 કરોડનું ચૂકવણું થવાનો અંદાજ છે. જોકે, ખેડૂત આગેવાનો હેક્ટરદીઠ રૂપિયા 8,500 ની રકમને મોંઘવારીના જમાનામાં મજાક સમાન ગણાવી ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
વિશાળ પશુધન ધરાવતા સરહદી કચ્છમાં દુષ્કાળની વિષમ પરિસ્થિતિને ધ્યાને રાખીને પશુપાલકો તથા ગૌશાળા-પાંજરાપોળોને પશુદીઠ દૈનિક રૂપિયા 80 લેખે બે મહિના માટે એસડીઆરએફ ભંડોળમાંથી અને ત્યારબાદ રાજ્ય સરકારના બજેટમાંથી સહાય ચૂકવવાની જોગવાઈ કરાઈ છે. જિલ્લામાં નોંધાયેલા આશરે દસ લાખ જેટલાં પશુઓ આ યોજના હેઠળ આવરી લેવાશે, જેના પેટે આગામી બે મહિનામાં અંદાજે રૂપિયા 500 કરોડની સહાય ચૂકવાશે. વર્ષ 2018ના અછત વર્ષમાં પ્રતિ હેક્ટર રૂપિયા 6,800 પાક સહાય અને પશુદીઠ દૈનિક રૂપિયા 70 અપાતા હતા, જેની તુલનાએ આ વખતે રકમ વધારાઈ હોવાથી 2018 કરતાં કુલ ચૂકવણું ઘણું મોટું રહેશે.
કચ્છમાં જૂન માસથી જ મેઘરાજા રૂઠતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 17 જુલાઈથી રૂપિયા 2 પ્રતિ કિલોના સબસિડીવાળા રાહત દરે ઘાસ વિતરણ શરૂ કરાયું હતું, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 19 લાખ કિલો ઘાસનું વિતરણ કરાઈ ચૂક્યું છે. હાલ અછતગ્રસ્ત વિસ્તારોની માંગણી મુજબ નવા ઘાસ ડેપો ખોલવાનું આયોજન તૈયાર છે, પરંતુ ગાંધીનગરથી લેખિત પરિપત્ર ન હોવાથી સ્થાનિક સ્તરે નાણાકીય મંજૂરીઓ અટકી પડી છે.
આ ઉપરાંત નવા રાહત માળખા મુજબ મનરેગા હેઠળ વાર્ષિક 125 દિવસના બદલે 150 દિવસની રોજગારી આપવા તેમજ તમામ મોટા જળાશયોનું પાણી 30 જૂન 2027 સુધી પીવાના હેતુ માટે અનામત રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રના વર્ષ 2016 ના ડ્રોટ મેન્યુઅલ મુજબ આ જાહેરનામું 6 મહિનાની મુદત માટે અમલમાં રહેશે.
(ઉત્સવ વૈદ્ય)