Fri Aug 14 2026

Logo

ફિંગરપ્રિન્ટ મૅચ થતાં રીઢો ચોર બાન્દ્રાથી પકડાયો

2026-08-05 17:28:48
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કુર્લામાં બંધ ફ્લૅટનું લૉક તોડી સોનાના દાગીના અને રોકડ ચોરનારો આરોપી ઘટનાસ્થળેથી મળેલા તેના ફિંગરપ્રિન્ટને કારણે બાન્દ્રામાં પકડાઈ ગયો હતો.

વિનોબા ભાવે નગર પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અરબાઝઅલી મોસિનઅલી મલિક (30) તરીકે થઈ હતી. રેકોર્ડ પરના આરોપી મલિક વિરુદ્ધ ચોરીના ચાર ગુના નોંધાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર કુર્લામાં એચડીઆઈએલ કોલોનીની બિલ્ડિંગ નંબર-20માં રહેતા અને કપડાં વેચવાનો વ્યવસાય ધરાવતા અનિસ હાશમી (45)ના ફ્લૅટમાં ચોરી થઈ હતી. હાશમી ફ્લૅટને લૉક કરી 16 જુલાઈએ કામ નિમિત્તે બહાર ગયો હતો. પછી 18 જુલાઈની સવારે પડોશીનો કૉલ આવ્યો હતો કે તેના ફ્લૅટનો દરવાજો ખુલ્લો છે.

હાશમીના કહેવા મુજબ દરવાજાનું તાળું અને લૉક તોડી અજાણ્યો ચોર ફ્લૅટમાં ઘૂસ્યો હતો. હૉલમાંના લોખંડના કબાટમાંની તિજોરી ખોલી આરોપીએ સોનાના દાગીના અને રોકડ મળી 4.50 લાખની મતા ચોરી હતી. આ પ્રકરણે વિનોબા ભાવે નગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઘટનાસ્થળે ઈન્વેસ્ટિગેશન વૅન અને ફોરેન્સિક વૅનને બોલાવવામાં આવી હતી. ફોરેન્સિક નિષ્ણાતોએ ઘટનાસ્થળેથી ફિંગરપ્રિન્ટ લીધા હતા. પોલીસની ટીમે બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં લગભગ 48 કલાકનાં ફૂટેજ તપાસ્યાં હતાં, જેમાં શકમંદ નજરે પડતો હતો.

દરમિયાન ફોરેન્સિકનો ફિંગરપ્રિન્ટ રિપોર્ટ આવ્યો હતો, જેમાં મલિકના ફિંગરપ્રિન્ટ સાથે મૅચ કરતા હોવાનું જણાયું હતું. પોલીસ રેકોર્ડ અનુસાર મલિક બાન્દ્રના બેહરામપાડામાં રહેતો હતો. તેની તસવીર પણ રેકોર્ડમાંથી મળી હતી. પોલીસે છૂપી રીતે બેહરામપાડામાં તપાસ કરી મલિકનો મોબાઈલ નંબર મેળવ્યો હતો, જેને ટ્રેસ કરી આરોપીને બૅન્ડસ્ટેન્ડ ખાતેથી તાબામાં લેવાયો હતો. ચોરીની મતા તેણે એક મહિલાને વેચી હતી, જેની શોધ પોલીસ ચલાવી રહી છે.