Thu Nov 19 2026

Logo

કોલકાતા દુર્ગા પૂજા પંડાલ દુર્ઘટના: અમિત શાહે બંગાળના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા, ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચશે...

2026-10-18 11:42:24
Author: Vimal Prajapati
કોલકાતા દુર્ગા પૂજા પંડાલ દુર્ઘટના: અમિત શાહે બંગાળના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા, ઇજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચશે...

નવી દિલ્હી/કોલકાતા: કોલકાતાના ચોરબાગાન વિસ્તારમાં આવેલા જાહેર દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે પશ્ચિમ બંગાળના પોતાના તમામ પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારી સાથે ફોન પર વાતચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દર્શનાર્થીઓ પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક્સ પર પોસ્ટ કરીને અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘‘કોલકાતાના ચોરબાગાન સાર્વજનિક દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી ભાગદોડના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. આ અંગે મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારી સાથે વાતચીત કરી છે. આ હૃદયવિદારક ઘટનામાં અકાળે કાળધર્મ પામેલા શ્રદ્ધાળુઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું”.

વધુમાં અમિત શાહે ઉમેર્યું કે, ‘‘સ્થાનિક પ્રશાસન દ્વારા ઈજાગ્રસ્તોને શક્ય તમામ તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળના મારા આવતીકાલના તમામ કાર્યક્રમો મુલતવી રાખીને હું હોસ્પિટલ જઈશ અને સારવાર હેઠળના લોકોને મળીશ. મા દુર્ગા પાસે તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાથના કરું છું’’.

કેવી રીતે સર્જાઈ આ કરૂણાંતિકા?

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોલકાતાના ચોરબાગાન સ્થિત દુર્ગા પૂજા પંડાલમાં સાંજે અંદાજે 7:40 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. પંડાલનો એક હિસ્સો ધરાશાયી થતાં ત્યાં અફરાતફરી અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કચડાઈ જવાથી 17 લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે 35થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની 3 અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડી સારવાર આપવામાં આવી રહી છે.