મુંબઈ: બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળ્યા બાદ આ મામલે ફિલ્મી જગતમાં પણ ચર્ચા છવાઈ છે. ફિલ્મ નિર્માતા કિરણ રાવ અને અભિનેત્રી સબા આઝાદ ઈમરાન ખાનના સમર્થનમાં આગળ આવ્યાં છે. કિરણ રાવે મુંબઈ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે સબા આઝાદે પણ આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે.
કિરણ રાવે સોશિયલ મીડિયા પર શું કહ્યું?
કિરણ રાવે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ આપવા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેણે લખ્યું, 'વાહ, હવે મુંબઈ પોલીસ?' આ સાથે તેણે ઇમરાનના ભારત સાથેના લાંબા સંબંધોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 43 વર્ષના ઈમરાને પોતાના જીવનનાં 40 વર્ષ ભારતમાં વિતાવ્યાં છે. અહીં જ તેણે અભ્યાસ કર્યો, કામ કર્યું, સફળતા મેળવી, નિષ્ફળતાઓનો સામનો કર્યો, પ્રેમ કર્યો અને સંઘર્ષ પણ કર્યો.
સબા આઝાદે પણ વ્યક્ત કર્યો વિરોધ
કિરણ રાવ ઉપરાંત અભિનેત્રી સબા આઝાદે પણ ઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ આપવા સામે નારાજગી વ્યક્ત કરી છે. સબા આઝાદે સોશિયલ મીડિયા પર આ મામલે પ્રતિક્રિયા આપતાં લખ્યું, 'શું? આ તો સાવ બકવાસ છે.' તેની આ પ્રતિક્રિયા બાદ ઈમરાન ખાનને આપવામાં આવેલી નોટિસને લઈને ચર્ચા વધુ વેગવંતી બની છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર વિવાદની શરૂઆત 10 ઑક્ટોબરે થઈ હતી. આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાને મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં યોજાયેલા એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ પ્રદર્શન દરમિયાન મુંબઈ પોલીસે ઈમરાન ખાન અને તેની સાથી અભિનેત્રી લેખા વોશિંગ્ટનને અટકાયતમાં લીધાં હતાં. જોકે, થોડા સમય બાદ તેમને છોડી મૂકવામાં આવ્યાં હતાં.
15 ઑક્ટોબરે ભારત છોડવાની નોટિસ
અટકાયત બાદ આ મામલે નવો વળાંક આવ્યો હતો. મુંબઈની વિદેશી નાગરિક નોંધણી કચેરી (એફઆરઆરઓ) દ્વારા 15 ઑક્ટોબરે ઈમરાન ખાનને નોટિસ આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તેમને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નોટિસમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2025ના કથિત ઉલ્લંઘનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહી બાદ ઇમરાન ખાનના સમર્થનમાં અને વિરોધમાં અનેક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
ઈમરાન ખાન બોમ્બે હાઈકોર્ટમાં પડકારશે નોટિસ
આ તરફ ઈમરાન ખાન આ નોટિસને બોમ્બે હાઇકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યો છે. તેના વકીલ ઝુલ્ફિકારે આ અંગે પુષ્ટિ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. ઈમરાનની કાનૂની ટીમનો દાવો છે કે કાયદામાં એવો સ્પષ્ટ નિયમ નથી, જે ઓવરસીઝ સિટિઝન ઑફ ઈન્ડિયા (ઓસીઆઈ) કાર્ડધારકોને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા રોકે. આ મામલે શુક્રવાર અથવા સોમવાર સુધીમાં અરજી દાખલ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.