કઠોળનું વાવેતર ગત સાલની સમકક્ષ પહોંચ્યું
નવી દિલ્હીઃ વર્તમાન ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં અથવા તો ગત 4 સપ્ટેમ્બર સુધીમાં મુખ્ય ખરીફ પાક ગણાતા ડાંગરનું કર્ણાટક અને તેલંગણામાં વાવેતર ઓછુ થવાથી કુલ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 438.19 લાખ હેક્ટર સામે 3.71 ટકા ઘટીને 421.82 લાખ હેક્ટર રહ્યો છે. જોકે, કુલ ખરીફ વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 1104 લાખ હેક્ટર સામે ઘટીને 1086.31 લાખ હેક્ટર રહ્યો હોવાનું કૃષિ મંત્રાલયે સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
મંત્રાલયના જણાવ્યાનુસાર ડાંગરના વાવેતર વિસ્તારમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે અને વાવેતર વિસ્તાર 4.28 લાખ હેક્ટર રહ્યો છે. ત્યાર બાદ અનુક્રમે આંધ્ર પ્રદેશનો વાવેતર વિસ્તાર 1.91 લાખ હેક્ટર, તેલંગણાનો 3.61 લાખ હેક્ટર, ઝારખંડનો 1.38 લાખ હેક્ટર, ઉત્તર પ્રદેશનો 1.84 લાખ હેક્ટર, મધ્ય પ્રદેશનો 1.75 લાખ હેક્ટર, તમિળનાડુનો 1.32 લાખ હેક્ટર અને મહારાષ્ટ્રનો વાવેતર વિસ્તાર ઘટીને 1.15 લાખ હેક્ટર રહ્યો છે. જોકે, આસામ અને ઓરિસ્સાનો વાવેતર વિસ્તાર વધીને અનુક્રમે 52,000 કક્ટર અને 29,000 હેક્ટર રહ્યો છે.
નિષ્ણાતોના મતાનુસાર ચોમાસા પર અલ નિનોની માઠી અસર પડી હોવા છતાં ડાંગરના વાવેતરમાં વિલંબ ઓછો થયો છે. કેમ કે મોટાભાગના ચોખા ઉત્પાદક રાજ્યો હવે સિંચાઈ પર આધાર રાખે છે અને વિલંબિત વરસાદનો સામનો કરવા માટે ટૂંકાગાળાની જાતો તરફ વળ્યા છે અને ખાતરીદાયક સરકારી ખરીદીનો લાભ મેળવવાનું ચાલુ રાખ્યું છે. નોંધનીય બાબત એ છે કે ખરીફ મોસમમાં ડાંગર મુખ્ય પાક છે અને કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ મોસમ માટે 708.64 લાખ ટન પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખ્યો છે.
જોકે, વર્તમાન ખરીફ મોસમમાં મુખ્ય ચિંતાનો વિષય કઠોળ અને તેલીબિયાંના વાવેતર વિસ્તારનો છે. કેમ કે તેની ઉત્પાદનઘટ આયાતથી સરભર થતી હોય છે. અત્યાર સુધીમાં કઠોળનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 115.30 લાખ હેક્ટર સામે સાધારણ વધીને 117.13 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં ખાસ કરીને તુવેરનો વાવેતર વિસ્તાર સાધારણ વધીને 45.66 લાખ હેક્ટર (44.93 લાખ હેક્ટર) અને અડદનો વાવેતર વિસ્તાર વધીને 25.15 લાખ હેક્ટર (22.46 લાખ હેક્ટર) રહ્યો છે, જ્યારે મગનો વાવેતર વિસ્તાર ઘટીને 33.19 લાખ હેક્ટર રહ્યો છે. તેમ જ તેલીબિયાંનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાના 193.06 લાખ હેક્ટર સામે ઘટીને 191.99 લાખ હેક્ટર રહ્યો છે. જેમાં સોયાબીનનો વાવેતર વિસ્તાર ઘટીને 121.82 લાખ હેક્ટર રહ્યો છે.
અત્યાર સુધીમાં જાડા અથવા તો કડ ધાન્યના વાવેતર વિસ્તારમાં જુવાર અને બાજરાનો વાવેતર વિસ્તાર સાધારણ વધીને અનુક્રમે 13.58 લાખ હેક્ટર અને 64.86 લાખ હેક્ટર રહ્યો હતો, જ્યારે મકાઈનો વાવેતર વિસ્તાર ઘટીને 91.09 લાખ હેક્ટર રહ્યો છે. આ સિવાય રોકડિયા પાકમાં કપાસનો વાવેતર વિસ્તાર ગત સાલના સમાનગાળાની સમકક્ષ 109.17 લાખ હેક્ટર, જ્યૂટ અને મેસ્ટાનો વાવેતર વિસ્તાર વધીને 6.34 લાખ હેક્ટર રહ્યો હોવાનું મંત્રાલયે યાદીમાં ઉમેર્યું હતું.